કૉલેજિયનને એકતરફી પ્રેમ બહુ ભારે પડી ગયો

10 December, 2012 07:45 AM IST  | 

કૉલેજિયનને એકતરફી પ્રેમ બહુ ભારે પડી ગયો




એકતરફી પ્રેમ ઉલ્હાસનગરના યુવકને ભારે પડ્યો હતો. કૉલેજમાં સાથે ભણતી યુવતી માટેનો પોતાનો પ્રેમ દર્શાવવા તેણે યુવતીના ફોટોગ્રાફ સાથેની બર્થ-ડે કેક તેના ઘરે મોકલી હતી. પરિણામે નારાજ થયેલા યુવતીના પેરન્ટ્સે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પરથી પોતાની દીકરીનો ફોટો ચોરવા બદલ યુવક વિરુદ્ધ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (આઇટી) ઍક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ‘આ બનાવ ૨૬ ઑગસ્ટે સાંજે સાડાછ વાગ્યે બન્યો હતો. ઉલ્હાસનગર-પાંચમાં સ્વામી શાંતિ આશ્રમ પાસે રહેતા વિમલ કલાણી (નામ બદલ્યું છે)ના ઘરે એક કેક આવી હતી. ઘરના કોઈએ કેકનો ઑર્ડર આપ્યો નહોતો. વળી કેક પર તેમની દીકરીનો ફોટોગ્રાફ હતો. પરિણામે પરિવારે હિલલાઇન પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તપાસ દરમ્યાન ખબર પડી કે ઉલ્હાસનગર-એકમાં ગોળ મેદાન નજીક આવેલી રિબન ઍન્ડ બલૂન કેકશૉપમાંથી એ કેક ખરીદવામાં આવી હતી. હોમ-ડિલિવરી સર્વિસ દ્વારા આ કેક મોકલવામાં આવી હતી. જે યુવકે કેકનો ઑર્ડર આપ્યો હતો તેણે યુવતીનો ફોટોગ્રાફ jagdishp.12@gmail.com  નામની ઈ-મેઇલથી મોકલ્યો હતો.’

સાઇબર ક્રાઇમ સેલને મામલો મોકલતાં પોલીસને માલૂમ પડ્યું કે વિમલ કલાણીની દીકરીને કેક મોકલનાર જગદીશ પાટીલ નામનો યુવક તેના એકતરફી પ્રેમમાં છે. બન્ને એક જ કૉલેજમાં ભણે છે. કાલાણીની દીકરીનો ફોટો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પરથી ડાઉનલોડ કર્યો હોવાની કબૂલાત પણ તેણે પોલીસ સમક્ષ કરી હતી તેમ જ પોતાની ઈ-મેઇલથી આ ફોટો કેકની દુકાને મોકલ્યો હતો. હિલલાઇન પોલીસ-સ્ટેશનના ઑફિસરે જણાવ્યું હતું કે ૬ ડિસેમ્બરે યુવતીના ફોટોનો તેની મરજી વિરુદ્ધ ઉપયોગ કરવા બદલ તે યુવક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.