SRAપ્રોજેક્ટના એક ભાગીદારે બીજા ભાગીદાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

01 March, 2021 08:02 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

SRAપ્રોજેક્ટના એક ભાગીદારે બીજા ભાગીદાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

કાંદિવલી-ઈસ્ટના આકુર્લી રોડ પર લગાવવામાં આવેલું એન્સો સાન્ઝા પ્રોજેક્ટનું બૅનર (તસવીર: અનુરાગ આહિરે)

કાંદિવલી-ઈસ્ટના આકુર્લી રોડ પરના હનુમાન નગરમાં એન્સો સાન્ઝા એસઆરએ પ્રોજેક્ટ શરૂ થાય એ પહેલાં જ વિવાદમાં સપડાયો હતો. ઉક્ત પ્રોજેક્ટના અનુસંધાનમાં અંધેરીના અંબોલી પોલીસ-સ્ટેશને સાંઈ આસ્થા ડેવલપર્સના ભાગીદારો ધનપત સેઠ અને શકરેન્દ્ર સેઠની સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. યુનિક કામ્યા હોમ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર્સમાંથી એક પ્રબંશ બંસલે તેમની રિયલ એસ્ટેટ કંપની જોડે ધનપત સેઠ અને શકરેન્દ્ર સેઠે છેતરપિંડી કરી હોવાનો આરોપ મૂક્યો છે.

એ બાબતે ૨૩ ફેબ્રુઆરીએ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) નોંધાવવામાં આવ્યો હતો.

પ્રબંશ બંસલે પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલા બયાનમાં જણાવ્યું હતું કે ‘૨૦૧૬માં ધનપત સેઠ અને શકરેન્દ્ર સેઠે એન્સો સાન્ઝા પ્રોજેક્ટમાં પાંચ કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સામે પ્રૉફિટ ઍન્ડ લૉસ પાર્ટનરશિપની ઑફર કરી હતી. એ બાબતે ૨૦૧૬ની ૭ ઑક્ટોબરે ટર્મ શીટ પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા. ત્યાર પછી ઑક્ટોબર ૨૦૧૬થી જાન્યુઆરી ૨૦૧૭ વચ્ચે અમારી કંપનીએ સાંઈ આસ્થા ડેવલપર્સ (ધનપત સેઠ અને શકરેન્દ્ર સેઠ)ને ૧.૦૩ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ થોડા વખત પછી રોડ એક્સેસ ન મળતો હોવાનું બહાનું કાઢીને સેઠ બંધુઓએ ટર્મ શીટ કૅન્સલ કરાવવાની વાત કરી હતી. એકાદ-બે વર્ષ પછી સાંઈ આસ્થા ડેવલપર્સે હનુમાન નગરના એ પ્રોજેક્ટ માટે અન્ય કંપની કે વ્યક્તિ જોડે ભાગીદારી કરી હોવાનું જાણવા મળ્યું હતું. એથી અમે સમજૂતી પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટની રકમ વ્યાજ સાથે પાછી માગી હતી.’

વિવાદ ઊભો થયાનાં લગભગ ત્રણેક વર્ષ પછી ૨૦૨૧માં ફરિયાદ શા માટે નોંધાવી? એવા સવાલના જવાબમાં પ્રબંશ બંસલે જણાવ્યું હતું કે ‘અમારી એવી ધારણા હતી કે રિયલ એસ્ટેટ માર્કેટમાં સુધારો થતાં સાંઈ આસ્થા (સેઠ બંધુઓ) અમારા પૈસા પાછા આપશે, પરંતુ હકીકતમાં એવું કંઈ ન બન્યું. અમે જ્યારે પૈસા માટે ફોન કરતા હતા ત્યારે સંતોષકારક જવાબ મળતો નહોતો. તે લોકો ઘણી વખત ફોન રિસિવ કરતા નહોતા. અમે છેતરાયા હોવાનું સમજાતાં પોલીસ-સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવ્યો હતો.’

આ ફરિયાદ બાબતે પ્રતિભાવ નોંધવા માટે ‘મિડ-ડે’ તરફથી સેઠ બંધુઓનો સંપર્ક સાધવાના પ્રયાસ ફોન અને મેસેજ દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.

mumbai mumbai news kandivli mumbai police sanjeev shivadekar