વિદેશી યુવતીનો મોબાઇલ ટ્રેસ થતાં એક આરોપી પકડાયો

30 December, 2011 05:05 AM IST  | 

વિદેશી યુવતીનો મોબાઇલ ટ્રેસ થતાં એક આરોપી પકડાયો

 

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન-૧૨)ના રાજેન્દ્ર દાબાડેએ કહ્યું હતું કે યુવતીએ નોંધાવેલી ફરિયાદ બાદ અમે આરે ચેકપોસ્ટના ગેટ પર ફરજ બજાવતા માણસ તથા આરે ડેરીના કર્મચારીઓની પૂછપરછ કરી હતી કે તેમણે કોઈ રિક્ષાચાલક તથા તેના સાથીદારને આ વિસ્તારમાં જોયો હતો કે કેમ. પોલીસના જણાવ્યા અનુસાર એણે યુવતીના મોબાઇલ નંબર પરથી રાજાપતિ નિશાતની ભાળ મેળવી હતી. યુવતીનો મોબાઇલ રિક્ષામાં જ રહી ગયો હતો. જોકે હજી સુધી મુખ્ય આરોપીની ધરપકડ થઈ ન હોવાથી પોલીસે તપાસમાં કોઈ મુશ્કેલી ન સર્જાય એ માટે આરોપી રાજાપતિ નિશાત વિશે વધુ કોઈ પણ માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

પોલીસ-ઑફિસરના જણાવ્યા અનુસાર નેધરલૅન્ડ્સની નાગરિક આ યુવતી બારમા ધોરણની પરીક્ષા પાસ કરીને છ મહિનાના ટૂરિસ્ટ વીઝા પર ભારતમાં આવી છે તેમ જ પોતાના એક મિત્રને ત્યાં અંધેરીમાં રહેતી હતી. ત્યાંથી થોડા દિવસ પહેલાં જ તે મુલુંડ (વેસ્ટ) રહેવા ગઈ હતી. યુવતી ૨૫ ડિસેમ્બરે પોતાની મિત્ર સાથે વસઈ ગઈ હતી. પોલીસ જોકે આ યુવતીનું ભારતયાત્રાનું કારણ જાણી શકી નથી. રાજેન્દ્ર દબાડેએ કહ્યું હતું કે ‘હાલમાં તો અમે માત્ર આરોપીને શોધવા જ માગીએ છીએ. આ યુવતીને કે તેના મિત્રને પૂછ્યું પણ નથી કે તેણે શા માટે એક વિદેશી યુવતીને મોડી રાતે આટલા લાંબા અંતરે એકલી જવાની પરવાનગી આપી. પોલીસ મેડિકલ રર્પિોટની રાહ જોઈ રહી છે. જોકે અત્યારે તો બન્ને આરોપીઓ વિરુદ્ધ બળાત્કારનો અને બળાત્કારના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે.’

શું બન્યું હતું?

સોમવારે મોડી રાતે એક વાગ્યે યુવતી પોતાના એક મિત્ર છોડે વસઈથી દહિસર આવી હતી. દહિસર ચેકનાકાથી તેમણે બીજી રિક્ષા પકડી હતી. યુવતીની સાથે બેઠેલો યુવાન કાંદિવલી ઊતરી ગયો હતો, જ્યારે યુવતી એકલી જ મુલુંડ તરફ જવા રવાના થઈ હતી. યુવતીએ રિક્ષાચાલકને જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ માર્ગે જવાનો આગ્રહ રાખ્યો હતો, કારણ કે તેને આ માર્ગની ખબર હતી. તેમણે મલાડ નજીક રિક્ષા ઊભી રાખી, જ્યાંથી રિક્ષાચાલકનો એક સાથીદાર તેની બાજુમાં બેઠો હતો. ત્યાર બાદ રિક્ષાને અચાનક આરે મિલ્ક કૉલોની તરફ વાળવામાં આવી હતી. રિક્ષા વનરાઈ પોલીસ-સ્ટેશનની પાછળ આવેલી એકાંત જગ્યાએ પહોંચી ત્યારે રિક્ષાચાલકની સાથે બેઠેલો આરોપી પાછળ આવી ગયો જેનો યુવતીએ વિરોધ કર્યો, પરંતુ તેણે યુવતીનું મોઢું દબાવી તેનું જીન્સ પૅન્ટ ઉતાર્યું હતું. એક આરોપીએ તેનું ગળું દબાવી રાખ્યું હતું, જ્યારે બીજાએ તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બન્નેને લાત ફટકારી ત્યાંથી રહેણાક વિસ્તાર તરફ દોટ મૂકી હતી. સ્થાનિક લોકોએ યુવતીને મદદ કરી હતી તેમ જ તેને પોલીસ-સ્ટેશન લઈ ગયા હતા.