સીએનજી સ્ટેશન પાસે ચા પીવા જતાં જીવ ગયો

17 November, 2012 06:17 AM IST  | 

સીએનજી સ્ટેશન પાસે ચા પીવા જતાં જીવ ગયો



ગોરેગામ (ઈસ્ટ)ના અશોકનગર પાસે આવેલી કામા એસ્ટેટ નજીકના સીએનજી સ્ટેશન પર ગઈ કાલે સવારે ૮.૪૫ વાગ્યે સીએનજી (કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ)નાં સિલિન્ડર અનલોડ કરવામાં આવી રહ્યાં હતાં ત્યારે એમાંના એક સિલિન્ડરમાં લીકેજ થતાં ધડાકો થયો હતો. જેને પગલે અન્ય ચાર પણ ફાટ્યા હતા. સિલિન્ડરનો એક હિસ્સો ૧૦૦ ફૂટથી વધુ દૂર ફંગોળાઈને ૧૮ વર્ષના રાકેશ સરોજના માથા પર પડતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું તથા ૫૪ વર્ષનાં રમેશચંદ્ર જોશી અને ૪૫ વર્ષના ભૂણષરામ એમાં ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઘટનામાં ભોગ બનેલો રાકેશ પિતા સાથે દિવાળી વેકેશન મનાવવા અહીં આવ્યો હતો. પરિવાર સાથે નાસ્તો કર્યા બાદ તે બહાર ચાની દુકાને ઊભો હતો ત્યારે આ ઘટના બની હતી. રાકેશના પિતા સદા સરોજે કહ્યું હતું કે ‘મારો પુત્ર ચાની દુકાન પાસે ઊભો હતો ત્યારે અમે જોરદાર ધડાકો થયાનો અવાજ સાંભળ્યો હતો. એ વખતે અચાનક એક સિલિન્ડર  મારા દીકરાના માથા પર પડ્યું હતું. અમે દીકરાને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પણ તેણે સવારે ૧૦.૩૦ વાગ્યે છેલ્લો શ્વાસ લીધો હતો.’

આ ઘટનામાં ટૅન્કર-ડ્રાઇવર ભૂષણ અને રમેશચંદ્રને ઈજા થઈ હતી. રમેશે કહ્યું હતું કે ‘હું ત્યારે દુકાન પર હતો. ધડાકાનો અવાજ સાંભળીને હું ડરીને બાથરૂમમાં છુપાઈ ગયો હતો. એ જ વખતે બાથરૂમની દીવાલ મારા પર તૂટી પડી હતી. અમુક લોકોએ મને બાથરૂમની બહાર કાઢ્યો હતો.’

ઘટનાસ્થળે હાજર એક પોલીસ-ઑફિસરે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘આ સિલિન્ડરોને ૨૦૦૩થી તપાસવામાં જ નહોતાં આવ્યાં. દર પાંચ વર્ષે સિલિન્ડર ચેક કરવાં ફરજ ફરજિયાત હોવા છતાં એનું ચેકિંગ કરવામાં નહોતું આવતું. આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

મહાનગર ગૅસ લિમિટેડ કંપનીના અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ‘આ ઘટના સવારે ૭.૩૦ વાગ્યે બની હતી. અમે અમારી ઇમર્જન્સી ટીમ તરત જ ઘટનાસ્થળે મોકલી દીધી હતી. હવે સીએનજી સપ્લાયનું રીફિલિંગ સેન્ટર અમે બંધ કરી દીધું છે.’