મુલુંડના ક્ષત્રિય કચ્છી રાજપૂત સમાજના ૧૩૦ લોકોની હેરાનગતિનો આવશે અંત

01 June, 2023 08:45 AM IST  |  Mumbai | Mehul Jethva

આધાર અને પૅન કાર્ડના બદલામાં ૫,૦૦૦ રૂપિયા કમાવાની લાલચ આપીને ડીમૅટ અકાઉન્ટ ખોલવામાં આવ્યાં હતાં અને કંપનીઓ બનાવી એમાં કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન કરવામાં આવ્યાં હતાં

આરોપી દીપક રાઠોડ

પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી : એક મહિનામાં બીજા આરોપીઓની પણ ધરપકડ કરે એવી શક્યતા

મુલુંડના ક્ષત્રિય કચ્છી રાજપૂત સમાજના ૧૩૦ લોકોનાં આધાર અને પૅન કાર્ડને બદલે ૫,૦૦૦ રૂપિયા કમાવાની લાલચ આપીને તમામના ડૉક્યુમેન્ટ્સના આધારે કંપનીઓ બનાવીને ડીમૅટ અકાઉન્ટ ખોલવામાં આવ્યાં હતાં અને આ કંપનીઓમાં કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન્સ પણ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ જે લોકોનાં આધાર અને પૅન કાર્ડ લેવામાં આવ્યાં હતાં એવા સામાન્ય લોકોને લાખો રૂપિયા ભરવા માટે ઇન્કમ ટૅક્સની નોટિસ આવી હતી. એ ન ભરતાં આમાંના કેટલાક લોકોનાં અકાઉન્ટ ફ્રીઝ થયાં હતાં. ત્યાર બાદ મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે આશરે ચાર વર્ષ પછી આ કેસમાં તપાસ કરીને બીજા આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

મુલુંડના ક્ષત્રિય કચ્છી રાજપૂત સમુદાયના સભ્યોને ૨૦૧૦માં ટૅક્સ કન્સલ્ટન્ટ દ્વારા શરૂ કરાયેલી કંપનીઓ અને ડીમૅટ અકાઉન્ટમાં થયેલા વ્યવહારની ટૅક્સ ચુકવણી અંગેની નોટિસો આવી હતી. આમાંના કેટલાક લોકોનું પૅન કાર્ડ બૅન્કમાં લિન્ક હોવાથી ઇન્કમ ટૅક્સ વિભાગે તેઓ જ્યાં સુધી ટૅક્સ નહીં ભરે ત્યાં સુધી તેમનાં ખાતાં ફ્રીઝ કરી દીધાં હતાં. એ પછી પ્રાથમિક નોટિસ મળેલી. ૧૬ લોકોની ફરિયાદના આધારે મુલુંડ પોલીસે ૨૦૧૯માં આરોપી નવીન રાઠોડ ઉપરાંત બીજા લોકો સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. જોકે ત્યારે કેસની કોઈ તપાસ કરવામાં આવી ન હોવાનું ચિત્ર દેખાયું હતું. હાલમાં આ કેસ ક્રાઇમ અધિકારી પાસે ટ્રાન્સફર થતાં પોલીસે પહેલાં મુખ્ય આરોપી નવીન રાઠોડની ધરપકડ કરી હતી અને હાલમાં તેના ભાઈ દીપક રાઠોડની ધરપકડ કરી છે. આરોપીએ પોલીસ પાસે કબૂલ કર્યું હતું કે તેણે તમામ લોકોના ડૉક્યુમેન્ટ્સ લીધા બાદ આગળ આપ્યા હતા જેના આધારે કંપનીઓ અને ડીમૅટ અકાઉન્ટ્સ ખોલવામાં આવ્યાં હતાં. આ કેસની પ્રાથમિક માહિતીમાં આ પાછળ માસ્ટર માઇન્ડ કોઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોવાનું સામે આવી રહ્યું છે.

મુલુંડ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ભૂષણ ડાયમાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસની ફરિયાદ ૨૦૧૯માં નોંધાવવામાં આવી હતી. એમાં નાનો વ્યવસાય કરતા કેટલાક લોકોનાં બૅન્ક અકાઉન્ટ આઇટી ડિપાર્ટમેન્ટે ફ્રીઝ કર્યાં હતાં. આ કેસમાં વધુ તપાસ કરીને મુખ્ય આરોપીની અમે ગયા મહિને ધરપકડ કરી હતી. આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ અમે હાલમાં કરી છે. તેણે તમામ લોકો પાસેથી ડૉક્યુમેન્ટ્સ લીધા હોવાની કબૂલાત કરી છે. આ કેસમાં બીજા આરોપીઓની સંડોવણી પણ છે. તેમની આવતા વખતમાં અમે ધરપકડ કરીશું.’

mumbai mumbai news Crime News mumbai crime news mulund kutchi community mehul jethva