મુંબઈમાં આગના બે બનાવ, કોઈ જાનહાનિ નહીં

30 October, 2020 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં આગના બે બનાવ, કોઈ જાનહાનિ નહીં

અંધેરીમાં જીપ સર્વિસ સેન્ટરમાં એક વાહનની અંદર આગ લાગી હતી (તસવીર: સતેજ શિંદે)

મુંબઈમાં ગઈ કાલે આગના બે બનાવ બન્યા હતા, પણ સદ્નસીબે બન્ને આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પવઈમાં એક હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી હતી, જ્યારે અંધેરી-ઈસ્ટમાં જાણીતી ઑટો કંપની રેનોલ્ટના વર્કશૉપમાં આગ લાગી હતી. બન્ને ઘટનામાં ફાયરબ્રિગેડના જવાનોએ કલાકમાં જ આગ ઓલવી દીધી હતી.

આગની પહેલી ઘટના પવઈના સનસિટી પાસે આવેલા ૧૬ માળના ટાવર્સમાં બની હતી. ટાવર્સના બીજા માળે આગ લાગી હોવાનો કૉલ ફાયરબ્રિગેડને સવારના ૧૦.૪૫ વાગ્યે મળ્યો હતો.  તરત જ ફાયર એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં અને અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ઉપરોક્ત ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈના જખ્મી થવાના અહેવાલ નથી.

જ્યારે આગની બીજી ઘટના અંધેરી-ઈસ્ટના સોના ઉદ્યોગ ભવનમાં આવેલા રેનોલ્ટ કંપનીના જીવ સર્વિસ સ્ટેશનમાં બની હતી. ૧૨.૧૦ વાગ્યે‍ આગ લાગી હતી અને ફાયરબ્રિગેડે ૧૨.૩૦ વાગ્યે એના પર કાબૂ મેળવી લીધો હતો.

ગયા અઠવાડિયે મુંબઈ સેન્ટ્રલના સિટી સેન્ટર મૉલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જે ૫૬ કલાકે કાબૂમાં આવી હતી.

mumbai mumbai news powai andheri