હૅપી ફ્રિજની પ્રેઝન્ટ

26 January, 2021 08:03 AM IST  |  Mumbai | Mehul Jethva

હૅપી ફ્રિજની પ્રેઝન્ટ

હૅપી ફ્રિજ

બરાબર એક વર્ષ પહેલાં ગણતંત્ર દિવસે જ એક નાની પહેલ કરનારી મુલુંડની સોસાયટી આજે ભગીરથ કાર્યની શરૂઆત કરવા જઈ રહી છે. મુલુંડના એમ. જી. રોડ પર આવેલી જલારામ આશિષ સોસાયટીએ ગયા વર્ષે પોતાની સોસાયટીના ગેટ પાસે ‘હૅપી ફ્રિજ’ના નામે એક અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત સોસાયટીના રહેવાસીઓએ પોતાના ઘરે બાકી બચેલી રસોઈ આ હૅપી ફ્રિજમાં મૂકી જવાની હતી અને આ ફ્રિજમાંથી એ વિસ્તારના ગરીબો જમવાનું લઈ જતા હતા.

આ અભિયાન શરૂ કર્યાના થોડા દિવસોમાં જ ૭૦થી ૮૦ લોકોએ હૅપી ફ્રિજનો લાભ લેવાનું શરૂ કરી દીધું હતું. જોકે ત્યાર બાદ કોરોનાને લીધે લૉકડાઉન આવ્યું અને એ સમયે મુલુંડની મોટા ભાગની સંસ્થાઓ પણ થોડા સમય માટે કોઈને મદદ નહોતી કરી શકી.

હૅપી ફ્રિજના સભ્ય મહેશ મોતાએ કહ્યું કે ‘આવા સમયે અમારા હૅપી ફ્રિજનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો આવતા હતા. વધારે લોકોનો ધસારો જોઈને અમારા મેમ્બરોએ ખાસ તેમને માટે અલગથી જમવાનું બનાવવાનું પણ શરૂ કરી દીધું હતું. જોકે આ વાત લોકોમાં ફેલાતાં અમારી આસપાસની સોસાયટીવાળાઓએ પણ એમાં જમવાનું મૂકવાનું શરૂ કર્યું હતું જેથી વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો એનો લાભ લઈ શકે. આવા સમયે અમને થોડી ઘણી ફાઇનૅન્શિયલ હેલ્પ પણ મળવાની શરૂઆત થઈ હતી. જોકે અમે એનો ઉપયોગ હૅપી ફ્રિજનો લાભ વધારે લોકો લઈ શકે એમાં કર્યો હતો.’ 

હાલમાં આ હૅપી ફ્રિજનો લાભ આશરે ૩૦૦ જેટલા લોકો લઈ રહ્યા છે, એટલું જ નહીં, હૅપી ફ્રિજને જે ડોનેશન મળી રહ્યું છે એનો કોઈ દુરુપયોગ ન થાય એ માટે તેમણે એક બોર્ડ માર્યું છે જેમાં લોકોને અપીલ કરવામાં આવી છે, ‘નો રિસીટ, નો ડોનેશન.’ એટલે કે રસીદ લીધા વિના ડોનેશન આપવું નહીં. આ બાબતે બીજા એક મેમ્બર નિખિલ વખારિયાએ કહ્યું કે ‘એક વર્ષ પહેલાં જ્યારે અમે શરૂઆત કરી હતી ત્યારે અમને ખ્યાલ નહોતો કે અમારી એક પહેલ અભિયાનનું સ્વરૂપ લઈ લેશે. હવે આજથી અમે ૧૦૦ જણને દર મહિને રૅશનિંગ-કિટની સાથે અત્યારે કોરોનાકાળમાં લોકોની આર્થિક હાલત બહુ ખરાબ થઈ હોવાથી જરૂરિયાતમંદ લોકોને એજ્યુકેશન અને મેડિકલ હેલ્પ પણ શરૂ કરી રહ્યા છીએ. આજે આ શરૂઆત કરીને અમે જે રીતે આપણા જવાનો દેશની રક્ષા કરીને પોતાનું યોગદાન આપે છે એ જ રીતે અમે આ કાર્ય કરીને સમાજ પ્રત્યેની અમારી ફરજ નિભાવીને નાનું યોગદાન આપી રહ્યા છીએ.’

હૅપી ફ્રિજના બીજા એક મેમ્બર લાલજી(સર) કતીરાએ કહ્યું કે ‘હવે અમે બહારથી જમવાનું પણ બનાવડાવીએ છીએ એનો ફાયદો એ થઈ રહ્યો છે કે જો કોઈ મહિલા રસોઈ બનાવીને પગભર થવા માગતી હોય તો અમે તેને આ રીતે મદદરૂપ થઈ શકીએ છીએ. હાલમાં હૅપી ફ્રિજનો લાભ લેતા તમામ લોકોનો ડેટા અમારી પાસે છે. અનાજનો બગાડ ન થાય એ માટે અમે આવું કરી રહ્યા છીએ, એટલું જ નહીં, હવે પછી જે લોકો અમારો સંપર્ક કરશે તેમની અમે પહેલાં તપાસ કરીશું કે તેઓ ખરેખર જરૂરિયાતમંદ છે કે નહીં અને ત્યાર બાદ જ અમે મદદ કરીશું.’

mumbai mumbai news republic day mulund mehul jethva