ધુળેટીમાં દેરાસરોની સફાઈ ૧૦૦૦ જૈન યુવક-યુવતી કરશે

09 March, 2020 06:01 PM IST  |  Mumbai Desk

ધુળેટીમાં દેરાસરોની સફાઈ ૧૦૦૦ જૈન યુવક-યુવતી કરશે

ભાઈંદરમાં આવેલાં બાવન જિનાલય સહિતનાં દેરાસરમાં ધુળેટીમાં સફાઈ કરાશે.

હોળી-ધુળેટીમાં સૌ રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. મોટા ભાગના લોકો શહેર નજીકના રિસૉર્ટમાં જઈને આ તહેવાર માણે છે, પરંતુ એક દિવસનો આવો આનંદ મેળવવાને બદલે ભાઈંદરના ગભારા પરિવાર મંડળનાં ૧૦૦૦ યુવક-યુવતીઓએ આ દિવસે જૈન મંદિરોની સફાઈનું આયોજન કર્યું છે.

ભાઈંદરમાં સૌથી મોટું જૈન મંદિર બાવન જિનાલય છે. અહીં દર હોળી-ધુળેટીમાં સફાઈ કરાય છે જેમાં ૨૦૦ જેટલા લોકો જોડાય છે. વર્ષોથી માત્ર એક જ દેરાસરની બાવન દેરીની સાથે તમામ વસ્તુની સફાઈ હાથ ધરાય છે. આ વખતે મોટાપાયે સફાઈ અભિયાન હાથ ધરાયું છે.

ગભારા પરિવાર મંડળના કમિટી મેમ્બર મનીષ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેરાસરમાં ઉપરથી લઈને ગભારા અને વાસણ વગેરેની સફાઈ કરવા માટે અમે પહેલી વખત ભાઈંદર વેસ્ટનાં ૨૦ દેરાસરમાં એકસાથે કામ કરવાનો વિચાર કર્યો ત્યારે અમારી સાથે ૧૫થી ૪૫ વર્ષનાં યુવક-યુવતી અને મહિલા-પુરુષોએ ઇચ્છા દર્શાવી છે. ધુળેટીમાં રંગોત્સવના માધ્યમથી ધાર્મિક સ્થળોનું શુદ્ધીકરણ માટે અમે ધુળેટીમાં સવારે ૮.૩૦થી ૧૨.૩૦ વાગ્યા દરમ્યાન ચાર કલાકમાં ગ્રુપ બનાવીને વેસ્ટનાં તમામ દેરાસરોને ટોચથી ગભારા સુધીની સફાઈનો કાર્યક્રમ બનાવ્યો છે. આ માટે અમે બાલદી, ઝાડુ સહિતની વસ્તુઓ એકત્રિત કરી લીધી છે.’

આ વર્ષે ભાઈંદર-વેસ્ટ અને આવતા વર્ષે ભાઈંદર-ઈસ્ટ અને મીરા રોડમાં પણ ગભારા પરિવાર મંડળ દ્વારા આવી જ રીતે ધુળેટીમાં સફાઈનો કાર્યક્રમ કરવાની વિચારણા આ વખતે બધાએ દર્શાવેલી ઇચ્છાથી પ્રેરિત થઈને કરી છે.

mumbai news bhayander dhuleti holi