ઇન્ટેલિજન્સ બ્યુરો ઑફિસરને નામે ગુજરાતી વેપારી સાથે છેતરપિંડી

21 June, 2020 05:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટેલિજન્સ બ્યુરો ઑફિસરને નામે ગુજરાતી વેપારી સાથે છેતરપિંડી

બાંદરામાં રહેતા એક ૬૨ વર્ષના ગુજરાતી બિઝનેસમૅન સાથે ઇન્ટેલિજન્સ બ્યુરોના ઑફિસર અને અન્ડર કવર ઑપરેશનને નામે બે કરોડ રૂપિયાની ચીટિંગ કરવાના આરોપસર પોલીસે મૂળ મુંબઈની પણ દિલ્હીમાં ફૅશન-ડિઝાઇનિંગનું કામકાજ કરતી એક પચીસ વર્ષની યુવતીની તાજેતરમાં મુંબઈ ઍરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. જોકે આરોપી યુવતી કોરોના સંક્રમિત હોવાનું જણાયા બાદ તેને હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરાઈ છે.

પોલીસના જણાવ્યા મુજબ બાંદરામાં રહેતા ફરિયાદીએ ૨૦૧૬માં પત્ની માટે બ્યુટી ટ્રીટમેન્ટ કરવા માટે એક મહિલાને પોતાના ઘરે બોલાવી હતી. થોડીક ઓળખાણ આગળ વધ્યા બાદ મહિલાએ બિઝનેસમૅનને કહ્યું હતું કે તેની દીકરી ભણવામાં ખૂબ હોંશિયાર છે અને તે યુપીએસસીની પરીક્ષા આપવા માગે છે, પરંતુ આર્થિક મુશ્કેલી છે. આથી ફરિયાદીએ પેલી મહિલાને તેની પુત્રીને ભણવા, રહેવા અને ખાવા-પીવા માટે રૂપિયા આપવાની શરૂઆત કરી હતી.

બિઝનેસમૅન પોતાની જાળમાં ફસાયા હોવાની ગંધ આવતાં મહિલાની ફૅશન-ડિઝાઇનર પુત્રીએ પોતે યુપીએસસી પરીક્ષામાં ટૉપ કર્યું હોવાનું અને તેની ભારતના ઇન્ટેલિજન્સ બ્યુરોમાં પોસ્ટિંગ થઈ હોવાના બનાવટી લેટર મોકલીને આર્થિક મદદ મેળવવાનું ચાલુ રાખ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ફરિયાદમાં બિઝનેસમૅને લખ્યું છે કે પોતે રૂપિયા પાછા માગ્યા તો આરોપી યુવતીએ કહ્યું હતું કે તે અત્યારે પાકિસ્તાન અને ગલ્ફ દેશમાં અન્ડર કવર ઑપરેશનમાં છે અને પોતાને ગોળી વાગી હોવાથી હમણાં રૂપિયા પાછા નહીં આપી શકું. તેણે બીજા પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. પોતાની પાસે આટલા રૂપિયા બૅન્ક-અકાઉન્ટમાં ન હોવાથી જમાઈને વાત કરી હતી. જમાઈને આખી વાતમાં દાળમાં કાળું હોવાની શંકા જતાં તેણે તપાસ કરી તો સસરાએ જે યુવતીને ચાર વર્ષમાં ૧,૯૪,૦૭,૬૦૭ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા એ ફ્રૉડ હોવાનું જણાઈ આવ્યું હતું.

આ મામલાની બાંદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ યુવતીને પાંચ લાખ રૂપિયા કૅશ લેવા માટે મુંબઈ બોલાવી હતી. ઍરપોર્ટ પર આવી ત્યારે પોલીસે તેની ચીટિંગ કરવાના આરોપસર ધરપકડ કરી હતી. આરોપી યુવતીની કોવિડ-૧૯ ટેસ્ટ પૉઝિટિવ આવતાં તેને અત્યારે હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ કેસની તપાસ કરી રહેલા બાંદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અરુણ ચવાણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આરોપી યુવતી ફૅશન-ડિઝાઇનર છે. મુંબઈથી દિલ્હી શિફ્ટ થયા બાદ તે ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવા માગતી હતી. ફૅશનના શોમાં ભાગ લેવા માટે તેની પાસે રૂપિયા ન હોવાથી તેણે બોગસ વડા પ્રધાન કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ઇન્ટેલિજન્સ બ્યુરો ઑફિસરના બનાવટી આઇડી બનાવીને ફરિયાદી બિઝનેસમૅન પાસેથી રૂપિયા લેવા માડ્યા હતા.

mumbai mumbai news Crime News