મુંબઈ-અમદાવાદ હાઇવે પર વરસાદના પાણી અને ખાડાઓએ વધારી હાડમારી

14 June, 2021 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદને લીધે વર્સોવા બ્રિજ પાસેના રસ્તા પર ખાડાઓમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોના નાકે દમ આવ્યો

મુશળધાર વરસાદને લીધે હાઇવે પર બ્રિજની પાસે આવેલો ખાડાવાળો રસ્તો. આ ખાડાઓમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોએ પરેશાની ભોગવવી પડી હતી.

શનિવારે મુશળધાર વરસાદને લીધે મુંબઈના અનેક રસ્તાઓએ પાણી ભરાઈ જવાથી તળાવનું સ્વરૂપ લીધું હતું ત્યારે દિવસના હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતાં મુંબઈ-અમદાવાદ હાઇવે ક્રમાંક-૮ પર પાણી ભરાયેલું જોવા મળ્યું અને રસ્તા પર પડેલા ખાડાને કારણે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. હાઇવે પર રસ્તાની આવી હાલતના કારણે એનું પરિણામ ટ્રાફિકની અવરજવર પર જોવા મળે છે. 

બોરીવલીથી વસઈ (ઈસ્ટ)માં આવેલી પોતાની ફૅક્ટરીમાં દરરોજ કાર દ્વારા પ્રવાસ કરીને જતા મેહુલ મામણિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘લોકલમાં પ્રવેશ બંધ હોવાથી બાય રોડ જ એક વિકલ્પ છે, પરંતુ પહેલી જૂન બાદ ટ્રાફિક તો અસહ્ય જ બની રહ્યો છે. એમાં બાકી હતું તો વરસાદે ઉપાધિ વધારી દીધી છે. વરસાદને કારણે ટ્રાફિક સ્લો થઈ જતો હોય છે અને એમાં ખાડા હોય તો કેવી હાલત થતી હશે એ સમજી શકાય છે. હાઇવે પર વર્સોવા બ્રિજ ક્રૉસ કર્યા બાદ આશરે ૨૦૦ મીટરના અંતર સુધી ફક્ત ખાડા જ જોવા મળશે. ઉપરાંત આ રસ્તા પર પાણી સુધ્ધાં ભરાઈ જાય છે જેથી અવરજવર કરવામાં મુશ્કેલી થાય છે. અહીં નવા બ્રિજનું કામ ચાલુ હોવાથી એની પાસેના રસ્તા પર બે-બે ફુટના ખાડા પડ્યા હોવાથી વાહન ખાડામાં ઘૂસી જાય છે. આવા રસ્તા પરથી ગાડી ચલાવવી કઈ રીતે એવો પ્રશ્ન થાય છે, જેના પરિણામે ટ્રાફિક જૅમ થતો હોય છે. ખાડાને કારણે અકસ્માત થવાની શક્યતા પણ વધી જાય છે. રિટર્નમાં લોઢા ધામની પાસે ડાઇવર્ઝન છે અને ત્યાં પણ ખાડા હોવાથી જ્યાં ૩થી ૪ કાર એકસાથે જઈ શકતી હતી ત્યાં એક કાર જાય છે. દરરોજ પ્રવાસ કરીને જતા લોકો માટે કલાકો ટ્રાફિકમાં વેડફી નાખવા એક જટિલ સમસ્યા બની ગઈ છે.’

ટ્રાફિક વિભાગનું શું કહેવું છે?
ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર રમેશ ભામેએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘હાઇવે પર બ્રિજના કામને કારણે રસ્તાનું ડ્રાઇવર્ઝન પણ થયું છે અને વરસાદને લીધે ત્યાં ખાડા પડ્યા છે. ખાડા પડ્યા હોવાની જાણકારી અમારી પાસે છે અને આ સંદર્ભે સંબંધિતોને સમય પર કહેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે ધ્યાન અપાયું નહોતું. એથી હવે વરસાદ રોકાશે ત્યારે જ ખાડા પૂરવાનું કામ કરી શકાશે, કારણ કે હાલમાં એ કામ કરીને કોઈ અર્થ રહેશે નહીં.’

mumbai mumbai news western express highway mumbai rains