આરે કારશેડના મુદ્દે પર્યાવરણપ્રેમીઓ અને સંસ્થાઓ છે લડી લેવાના મૂડમાં

04 July, 2022 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન મોદી સુધી આ મુદ્દાને પહોંચાડવાની તૈયારીમાં : વૃક્ષોને બચાવવા જે કંઈ કરી શકાતું હોય તે કરશે

એકનાથ શિંદે સરકારે આરેમાં મેટ્રો લાઇન-૩ માટે કારશેડનું બાંધકામ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે એની સામે એન્વાયર્નમેન્ટ ઍક્ટિવિસ્ટોએ સ્લોગનો લખેલાં બોર્ડ સાથે ગઈ કાલે વિરોધ નોંધાવ્યો હતો (તસવીર : શાદાબ ખાન)

આરેમાં મેટ્રો કારશેડની પરવાનગી મળતાં જ ગઈ કાલે પહેલા રવિવારે પર્યાવરણપ્રેમીઓ, સંસ્થાઓ અને આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો આરેમાં નારાબાજી કરતા જોવા મળ્યા હતા. ધીરે-ધીરે આગામી રણનીતિ નક્કી કરીને વિરોધ પ્રદર્શન, આંદોલન કે પછી કોર્ટમાં જવા સુધીની ચર્ચા કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં પહેલાં પણ બીજેપી-સેનાની સરકાર હતી ત્યારે મેટ્રો કારશેડ આરેમાં બનશે ત્યારથી જ પર્યાવરણપ્રેમીઓ અને સંસ્થાઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો, પણ નવી સરકાર આવવાની સાથે આ મુદ્દે પૂર્ણવિરામ લાગ્યું હોવાથી દરેકે રાહત અનુભવી હતી. જોકે ફરી નવી રાજ્ય સરકાર આવતાં જ આરેનો મુદ્દો ગરમાયો છે. વૃક્ષો અને જંગલોનું જાણે સરકારને મહત્ત્વ જ ખબર ન હોય એ રીતે પાછો આ મુદ્દો ઉદ્ભવ્યો છે અને આ વખતે તો અમે પણ લડી લેવાના મૂડમાં છીએ એમ કહેતાં આ મુદ્દે છેલ્લાં અનેક વર્ષોથી લડત આપતા વૉચડૉગ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ગૉડફ્રે પિમેન્ટાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક સામાન્ય નાગરિકને વૃક્ષનું મહત્ત્વ સમજાય છે તો આ રાજકરણીઓને કેમ આ વાત સમજાતી નથી? આ મુદ્દે મેં વર્ષોથી મુખ્ય પ્રધાનથી લઈને સ્થાનિક રાજકરણીઓ, બીએમસી અને વડા પ્રધાનને પણ પત્રો લખ્યા હતા. આ મુદ્દે રાજ્ય સરકાર પાસે વિકલ્પ છે એથી કારશેડ આરેમાં નહીં પણ કાંજુરમાર્ગમાં હોવો જોઈએ. મારી પાસે આરેને લઈને અનેક આરટીઆઇ દ્વારા મેળવેલી માહિતી છે અને કરેલા પત્રવ્યવહારો પણ છે. આજે મુંબઈનું ટેમ્પરેચર પણ ૪૫ ડિગ્રી સુધી જઈ રહ્યું છે એવામાં આરે જેવા ગ્રીન ઝોનને નષ્ટ કરવાનો વિચાર કઈ રીતે આવી શકે? જોકે હવે નવી સરકારે જીદ પકડી હોય એવું લાગે છે, પરંતુ આ જીદમાં અમે પર્યાવરણને નુકસાન નહીં થવા દઈએ. પર્યાવરણપ્રેમીઓ પણ ખૂબ આક્રોશમાં આવી ગયા છે એટલે આંદોલન કરીને વિરોધ દાખવવાની સાથે કોર્ટમાં જવા સુધીની તૈયારીઓ છે. એ ઉપરાંત આ મુદ્દાને ફરી વડા પ્રધાન સુધી પહોંચાડીશું. જે કંઈ કરી શકાતું હોય એ કરીશું, પણ અંત સુધી લડીશું.’

mumbai mumbai news aarey colony