મુખ્ય પ્રધાનની બનાવટી સહીવાળી પેમેન્ટ-સ્લિપ બતાવીને દુકાનદાર સાથે થઈ ૧.૩૧ કરોડની છેતરપિંડી

03 October, 2022 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેતરપિંડી કરનાર બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની બનાવટી સહી સાથે ગવર્નમેન્ટ સાથેના ટ્રાન્ઝૅક્શનની પેમેન્ટ-સ્લિપ બતાવીને એક દુકાનદાર સાથે ૧.૩૧ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વાલિવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે વસઈ તાલુકાના નાલાસોપારામાં રહેતા આરોપી જતીન પવાર અને શુભમ વર્માએ સ્ટેશનરીની દુકાન માલિક જિજ્ઞેશ ગોપાણી સાથે છેતરપિંડી કરી હતી. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘આરોપીએ એવો દાવો કર્યો કે તેમણે રાજ્ય સરકારના ઈ--પોર્ટલની ફ્રૅન્ચાઇઝી શરૂ કરી છે તેમ જ આ સોદામાં ગોપાણીને ભાગીદાર બનવા માટે કહ્યું અને ફી તરીકે એક લાખ રૂપિયાની માગણી કરી હતી. ત્યાર બાદ સોદાના વિવિધ તબક્કાઓનો દાવો કરીને ગોપાણી પાસેથી કુલ ૧,૩૧,૭૫,૧૦૪ રૂપિયા પડાવ્યા હતા. ૨૫ ઑગસ્ટે તેમણે ગોપાણીને ઈ-પોર્ટલ માટે જરૂરી લાઇસન્સ, પરમિટ અને અન્ય ફી ભર્યાની પેમેન્ટ-સ્લિપ આપી હતી જેમાં મુખ્ય પ્રધાનની સહી પણ હતી.’

ગોપાણીને મુખ્ય પ્રધાનની સહીવાળી સ્લિપ શંકાસ્પદ લાગતાં પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ શનિવારે રાત્રે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે છેતરપિંડીનો કેસ નોંધીને જતીન પવાર અને શુભમ વર્માને પકડવાના પ્રયાસો શરૂ કર્યા છે.   

mumbai mumbai news eknath shinde Crime News mumbai crime news