નોકરી અપાવવાના બહાને બનાવી ચોરીમાં ભાગીદાર

15 February, 2021 10:07 AM IST  |  Mumbai | Samiullah Kha

નોકરી અપાવવાના બહાને બનાવી ચોરીમાં ભાગીદાર

સીસીટીવી કૅમેરાના ફુટેજમાં આરોપી (બ્લુ શર્ટ) સાથે પિન્કી સિંહ

અજાણ્યા શખસ સાથે મળીને ગોવંડીના ઝવેરીને છેતરવા બદલ પકડાયેલી ૩૬ વર્ષની મહિલાએ પોતે જૉબ-રૅકેટમાં ફસાઈને ગેરમાર્ગે દોરવાઈ હોવાનો દાવો પોલીસ સમક્ષ કર્યો હતો. અજાણ્યો શખસ ઘરનોકરાણીનું કામ અપાવવા માટે પનવેલની જૉબ પ્લેસમેન્ટ એજન્સીમાં લઈ જવાને બદલે ગોવંડીની ઝવેરાતની દુકાનમાં લઈ ગયો હોવાનું એ મહિલાએ તપાસ અધિકારીઓને જણાવ્યું હતું. શિવાજીનગર પોલીસ-સ્ટેશને ગોરેગામ-વેસ્ટના ભગતસિંહ નગરની રહેવાસી પિન્કી સિંહ નામની મહિલાની ધરપકડ કરી છે. નાસી ગયેલા અજાણ્યા માણસની શોધખોળ ચાલી રહી છે. પિન્કીનો પતિ ૩૮ વર્ષનો દિલીપ સિંહ ગોરેગામની રેસિડેન્શિયલ સોસાયટીમાં સિક્યૉરિટી ગાર્ડ છે.

મહિલાએ જણાવ્યું કે નોકરી અપાવવાના બહાને લઈ જનારા અજાણ્યા શખસે અંગત કામ માટે ઝવેરીની દુકાનમાં જવું પડે એમ હોવાનું કહીને તેને ગોવંડીની ઝવેરાતની એક દુકાનમાં લઈ ગયો હતો. ત્યાં મહિલાને એક બાજુ ટેબલ પર બેસાડીને તેણે ઝવેરીને અલગ-અલગ ઘરેણાં બતાવવાનું કહ્યું હતું. વીંટીની ટ્રાયલ લીધા પછી બ્રેસલેટ અને સોનાની ચેઇન લઈને ફોન કરવાના બહાને તે દુકાનની બહાર નીકળ્યો હતો અને એક લાખ રૂપિયાનાં ઘરેણાં સાથે રફુચક્કર થઈ ગયો હતો. મહિલા પણ એ માણસની રાહ જોતી દુકાનમાં બેઠી હતી. ઘણા વખત સુધી માણસ પાછો ન આવ્યો ત્યારે દુકાનદારે શિવાજીનગર પોલીસ-સ્ટેશનમાં ફોન કર્યો હતો. પોલીસે આવીને પિન્કી સિંહની ધરપકડ કરી હતી.

પિન્કી સિંહ અને તેના પતિ દિલીપ સિંહે પૂછપરછ દરમ્યાન પોલીસને જણાવ્યું હતું કે ‘બે વર્ષ પહેલાં દિલીપ તેના વતન બિહારના બેગુસરાઈ જવા માટે ગૌહાટી એક્સપ્રેસમાં પ્રવાસ કરતો હતો ત્યારે એ અજાણ્યા માણસનો ભેટો થયો હતો. તેણે પોતે ઝવેરીનો ધંધો કરતો હોવાનું જણાવીને દિલીપનો મોબાઇલ-નંબર મ‌ાગી લીધો હતો. એ મુલાકાત પછી અવારનવાર તે દિલીપને ફોન કરતો હતો. એકાદ વખત ખોટું બોલીને તેમના ઘરે રોકાઈ પણ ગયો હતો. ગયા શુક્રવારે રાતે એ માણસે ફોન કર્યો ત્યારે દિલીપે તેની પત્નીને નોકરીની જરૂર હોવાનું જણાવ્યું હતું. પેલા માણસે લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં સિનિયર સિટિઝન દંપતીને નોકરાણીની જરૂર હોવાનું કહ્યું હતું. ૧૭,૦૦૦થી ૧૮,૦૦૦ રૂપિયા સુધીના પગારની એ નોકરી માટે દસ્તાવેજો સુપરત કરવા પનવેલની પ્લેસમેન્ટ એજન્સીમાં જવું પડે એમ હોવાનું કહીને તે શનિવારે પિન્કીને ગોવંડીમાં ઝવેરીની દુકાને લઈ ગયો હતો.’

દિલીપે તેની પત્નીની ધરપકડ કારણ વિના કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જોકે શિવાજીનગર પોલીસે જણાવ્યું હતું કે ‘જુદા-જુદા બહાને અને જુદી-જુદી રીતે ઝવેરીઓને લૂંટતી ટોળકીઓ સક્રિય છે. અમે પિન્કીની પૂછપરછ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news vandi Crime News mumbai crime news samiullah kha