મુંબઈ બનશે બેસ્ટ સિટી મળશે સારામાં સારી મેટ્રો : નરેન્દ્ર મોદી

10 October, 2014 03:15 AM IST  | 

મુંબઈ બનશે બેસ્ટ સિટી મળશે સારામાં સારી મેટ્રો : નરેન્દ્ર મોદી








વરુણ સિંહ

મહારાષ્ટ્રનો ગઢ કૉન્ગ્રેસ અને NCP પાસેથી આંચકી લેવા મેદાને પડેલા પ્રાઇમ મિનિસ્ટર અને BJPના સુપરસ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બીજી વાર મુંબઈની રૅલીમાં મુંબઈના વિકાસની વાતો રિપીટ કરી હતી તથા વિરોધી પાર્ટીઓ કૉન્ગ્રેસ અને NCP સામે નવા-નવા આક્ષેપોનો મારો બોલાવ્યો હતો. ખાસ તો NCPના ચીફ શરદ પવારને સપાટામાં લેવા સાથે જ બૉર્ડર પર ચાલી રહેલા ગોળીબાર વિશે પાકિસ્તાનને દેશના જવાનો જડબાતોડ જવાબ વાળી રહ્યા છે, મોદીએ જવાબ આપવાની જરૂર નથી એમ કહીને વિરોધીઓને ટોણો માર્યો હતો. 

ઘાટકોપરના સોમૈયા ગ્રાઉન્ડમાં હકડેઠઠ મેદની સામે મોદીએ ભાષણની શરૂઆત મરાઠી ભાષામાં કરી હતી અને મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ મેદાનમાં પહેલી રૅલીમાં ખુરસીઓ ખાલી રહી ગઈ હતી એવી ટીકા કરનારાઓને જવાબ વાળતાં કહ્યું હતું કે મેં મહારાષ્ટ્રના નેતાઓને ફરિયાદ કરી હતી કે લોકસભાની ચૂંટણી વખતે રૅલીમાં આવતો ત્યારે તો આનાથી અડધું ક્રાઉડ પણ નહોતું જોવા મળતું.

મોદીએ વિવિધ મુદ્દે શું કહ્યું એની આ રહી ઝલક.

પવાર અને શિવાજી

અજિત પવાર અને શરદ પવારની ચાચા-ભતીજાની જોડી હવે સત્તામાં નહીં રહે. સ્વતંત્રતાની લડાઈમાં સંપૂર્ણ સ્વરાજનો નારો મહારાષ્ટ્રની ધરતી પરથી જ ઊઠ્યો હતો અને હવે સંપૂર્ણ મૅજોરિટીનો નારો પણ આ ધરતી પરથી જ ઊઠ્યો છે. આ ધરતી પર શિવાજી મહારાજ કોના એની પણ ફાઇટ ચાલે છે; પરંતુ શિવાજી મહારાજ તો સૌના છે, તમામ પેઢીઓના આરાધ્યદેવ અને પ્રેરણાનો અખૂટ સ્રોત છે.

ડેપલપમેન્ટ કાર્ડ

હું મહારાષ્ટ્ર માટે કંઈક કરવા આવ્યો છું. દેશના ખૂણે-ખૂણે શું ચાલે છે એની મને ખબર છે અને હવે હું સંપૂર્ણ ખાતરીથી કહેવા માગું છું કે મુંબઈ વગર મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર વગર દેશની પ્રગતિ શક્ય નથી. તમે ૧૫ વર્ષ જે પાર્ટીઓને સત્તા સોંપી એમણે રાજ્યની પ્રગતિ રૂંધી છે, પરંતુ ૧૫ ઑક્ટોબરે મતદાનમાં ૧૫ વર્ષના આ કુશાસનનો અંત આવશે.

મુંબઈ પ્લાન

જો સમય અને તક મળશે તો મુંબઈને સારામાં સારી મેટ્રો સર્વિસ અને બેસ્ટ સિટી બનાવવાના પ્રયાસો BJP કરશે. જો મુંબઈ દેશની આર્થિક રાજધાની બની શકે તો એ દેશની તિજોરી છે અને વિશ્વનું પર્સ બનશે. મારી પાર્ટી આ શક્ય બનાવશે. મુંબઈમાં તો દેશભરના લોકો વસે છે તેથી દેશનું સ્કિલ-કૅપિટલ પણ બની શકે છે. આ માત્ર મારું સપનું નથી, મારા વિઝનનો એક હિસ્સો છે.

સ્વચ્છ ભારત મિશન

ભારતમાં ૫૦૦ એવાં સિટી છે જ્યાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપનું મહત્વ છે. એના આધારે હું સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરીને વેસ્ટમાંથી વેલ્થ પેદા કરવા માગું છું. ઇન્ડિયા દુનિયાનું બેસ્ટ ટૂરિસ્ટ-ડેસ્ટિનેશન બની શકે છે, પરંતુ હાલમાં પરદેશીઓ એમ કહે છે કે ઇન્ડિયા ખૂબ જ ગંદું છે. ચાલો, આપણે સૌ વિશ્વને મેસેજ આપીએ કે આપણો દેશ સ્વચ્છ છે અને પધારો અમારા આંગણે. વિશ્વનો કોઈ પણ પ્રવાસી પહેલાં તો મુંબઈ જ આવશે અને એનાથી મુંબઈની ઇકૉનૉમીને ફાયદો થશે.

કૉન્ગ્રેસ અને પૉલિટિકલ પંડિતો

કૉન્ગ્રેસના આજના નેતાઓ પ્રાઇમ મિનિસ્ટરો અને ચીફ મિનિસ્ટરોના ઘરમાં પેદા થયા હોવાથી પબ્લિકને જવાબ આપવાનું જરૂરી નથી સમજતા, પરંતુ હું તો એક ગરીબ પરિવારનું સંતાન હોવાથી જનતાને જવાબ આપીશ. કૉન્ગ્રેસીઓ પૂછે છે કે મોંઘવારી ઘટાડવા મેં શું કર્યું? શું પેટ્રોલ અને ડીઝલની કિંમતો નથી ઘટી?

લોકસભાની ચૂંટણી વખતે પૉલિટિકલ પંડિતોએ દાવો કર્યો હતો કે મોદીને ગુજરાતની બહાર કોઈ ઓળખતું નથી અને તેમની પાર્ટી ૧૮૨થી વધુ સીટ નહીં મેળવી શકે, પરંતુ અમે ૨૮૨ સીટ મેળવી અને આજે આખી દુનિયા મોદીને ઓળખે છે.

પાકિસ્તાન મુંબઈ પર પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદી હુમલો થયો હતો ત્યારે મેં કહ્યું હતું કે આ હુમલો ઇન્ડિયા પર થયો છે. અમે આવા ગંભીર મુદ્દાને પૉલિટિકલ સ્ટન્ટ નથી બનાવ્યો. હવે પૉલિટિકલ પાર્ટીઓ મને પાકિસ્તાન અને આપણી બૉર્ડરે ચકમક ઝરે છે એ મુદ્દે બોલવાનું કહે છે. જોકે આ મુદ્દે મોદીએ જવાબ નથી વાળવાનો, બૉર્ડર પર જવાનો જડબાતોડ જવાબ વાળી રહ્યા છે. તેઓ ત્યાં ટ્રિગર દબાવીને પાકિસ્તાનના હુમલાનો બરાબર જવાબ વાળી રહ્યા છે.