મુંબઈ : નૅશનલ પાર્કમાં સિંહોની વસ્તી હવે કેવી રીતે વધશે?

17 October, 2014 03:49 AM IST  | 

મુંબઈ : નૅશનલ પાર્કમાં સિંહોની વસ્તી હવે કેવી રીતે વધશે?






નૅશનલ પાર્કમાં ૧૨ વર્ષની સિંહણ શોભાનું ગાયનેકોલૉજિકલ પ્રૉબ્લેમ અને ઇન્ફેક્શનને કારણે સોમવારે મૃત્યુ થયું છે એના પગલે પાર્કના સત્તાવાળાઓ સમક્ષ પ્રશ્ન ઊભો થયો છે કે હવે અહીં સિંહોની વસ્તી કેમ વધારવી. શોભાના મૃત્યુ સાથે પાર્કમાં સિંહોની સંખ્યા હવે માત્ર ત્રણ રહી છે. એમાં એક નર અને એક માદા બન્ને તેનાં જ સંતાનો છે. ૧૦ વર્ષનો અન્ય એક સિંહ નર છે જેનું નામ રવીન્દ્ર છે.

નૅશનલ પાર્કના ચીફ કન્ઝર્વેટર અને ડિરેક્ટર વિકાસ ગુપ્તાએ શોભાની સારવાર વિશે જણાવ્યું હતું કે ‘અગાઉ પણ શોભાને આવો ગાયનેકોલૉજિકલ પ્રૉબ્લેમ થયો હતો. એ વખતે તેણે સારવારને પ્રતિસાદ આપતાં સાજી થઈ ગઈ હતી. એથી આ વખતે પણ અમે એ સાજી થઈ જશે એવી આશા રાખી હતી, પરંતુ એ કમનસીબે સોમવારે રાતે મૃત્યુ પામી.’

 છેલ્લાં બે વર્ષથી પાર્કના સિંહોની વસ્તી વધારવાના પ્રયત્નો વિશે એક અધિકારીએ કહ્યૂં હતું કે ‘શોભાને રવીન્દ્ર સાથે સંભોગ કરાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા, પરંતુ મોટા ભાગના પ્રયત્નો શોભાની તબિયતને કારણે નિષ્ફળ ગયા હતા. ૨૦૧૩ના ઑક્ટોબરના બીજા અઠવાડિયામાં બન્નેને જાતીય સંબંધ માટે ભેગા કર્યા ત્યારે તેઓ ઝઘડ્યાં. એથી તેમને જુદાં-જુદાં પાંજરાંમાં રાખવા પડ્યાં. એવી જ રીતે આ વર્ષના એપ્રિલમાં ફરી તેમને ભેગાં રાખ્યાં ત્યારે પણ તેઓ ઝઘડતાં શોભાને જમણી બાજુ ઈજાઓ થઈ અને રવીન્દ્રને આંખમાં ઈજા થઈ. ખરેખર તો પાર્કમાં સારા વેટરિનરી ડૉક્ટરની જરૂર છે, કારણ કે દર બીજા દિવસે કોઈ ને કોઈ પ્રાણી બીમાર પડે છે. હવે શોભાના મૃત્યુને કારણે અહીં સિંહોની વસ્તી કેવી રીતે વધારવી એ સમસ્યા ઊભી થઈ છે. શોભાની એક દીકરી છે, પણ એ ખૂબ નાની હોવાથી એનું રવીન્દ્ર સાથે મેટિંગ શક્ય નથી.’

શોભાના મોતનું કારણ

સંજય ગાંધી નૅશનલ પાર્કના વેટરિનરી ડૉક્ટર સંજય પિંજરકરે શોભાના મૃત્યુ પછીની સ્થિતિ વિશે કહ્યું હતું કે ‘શોભાને ગર્ભાશય અને લિવરમાં ઇન્ફેક્શનને લીધે એ મૃત્યુ પામી હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાઈ આવ્યું, પરંતુ બૉમ્બે વેટરિનરી કૉલેજના ડૉક્ટરોએ કરેલી ઑટૉપ્સીનો રિપોર્ટ મળ્યા પછી એના મોતનું ખરું કારણ જાણવા મળશે.’ 

શોભાનો શિકાર

૨૦૧૦ના એપ્રિલમાં સહેલાણીઓની બસો બફર ઝોનમાં પ્રવેશે એ માટે લાયન સફારીનો મેઇન ગેટ ખોલતી વેળા કર્મચારી હરિશ્ચંદ્ર ગેંબલને શોભાએ મારી નાખ્યો હતો. મેઇન ગેટ ખોલતી વેળા સેકન્ડરી ગેટ લૉક કરવાનું ભૂલી જતાં શોભા સેકન્ડરી ગેટમાંથી બફર ઝોનમાં આવીને ગેંબલને નજીકની ઝાડીઓમાં ખેંચી ગઈ હતી.

શોભાનાં સંતાનો

બાદશાહ નામના સિંહ સાથેના સફળ સંભોગ પછી શોભાએ ૨૦૧૨ની બાવીસ સપ્ટેમ્બરે એક નર અને એક માદા બચ્ચાને જન્મ આપ્યો હતો જેમનાં નામ અનુક્રમે જેસ્પા અને ગોપા રાખવામાં આવ્યાં છે. જેસ્પા અને ગોપા ત્રણ બચ્ચાંઓના સમૂહનો ભાગ છે. જોકે ત્રીજું બચ્ચું ગયા વર્ષે માંદગીને કારણે મૃત્યુ પામ્યું હતું. શોભા અને બાદશાહનું ફરીથી પણ મેટિંગ થયું હતું, પણ એમાં કોઈ બચ્ચું નહોતું જન્મ્યું. બાદશાહ તાજેતરમાં જ ૧૭ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો હતો.