રૂપિયા જુઓ ભાઈ રૂપિયા

01 April, 2017 04:37 AM IST  | 

રૂપિયા જુઓ ભાઈ રૂપિયા



જયેશ શાહ

પકડાયેલા હિતેશ દેઢિયાનું આધાર કાર્ડ.

રદ કરાયેલી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની આશરે દોઢ કરોડ રૂપિયાની જૂની નોટો ગઈ કાલે દિંડોશીમાંથી નાટકીય ઢબે જપ્ત કરવામાં આવી હતી. આ ઘટનામાં સ્થાનિક લોકોએ મહત્વની ભૂમિકા ભજવીને એક કચ્છી યુવકને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો, જ્યારે તેના બે સાગરીતો ભાગી છૂટ્યા હતા.

૧,૫૩,૮૪,૦૦૦ રૂપિયાની જૂની નોટોની જપ્તીનો અને એક જણને કેવી રીતે પકડવામાં આવ્યો એનો વિડિયો પણ વાઇરલ થયો હતો.

ત્રણ જણ જેમાં આવેલા એ ગાડી અને એમાંથી મળેલી પૈસા ભરેલી બીજી ગૂણ.

આ સમગ્ર મામલાના સાક્ષીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દિંડોશી કોર્ટની બાજુમાં આવેલા શબાના કમ્પાઉન્ડમાં એક કાર ગઈ કાલે સાંજે સાડાછ વાગ્યે આવી હતી અને એમાંથી પ્લાસ્ટિકની એક ગૂણી ફેંકી હતી. સોસાયટીમાં હાજર યુવાનોએ અજાણ્યા લોકોએ ગૂણી ફેંકી એ વિશે પૂછપરછ કરી હતી. એ વખતે કારમાં બેઠેલા લોકોએ કહ્યું કે ગૂણીમાં પસ્તી છે એટલે યુવાનોને શંકા ગઈ હતી. તેમણે ગૂણી ખોલીને જોયું તો એમાં રદ કરવામાં આવેલી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોનો જથ્થો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકોએ એક યુવકને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો, જ્યારે અન્ય બે જણ નાસી ગયા હતા.’

કારમાંથી ફેંકાયેલા પૈસા જોતા લોકો.

મલાડ (ઈસ્ટ)ની કુરાર પોલીસનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર ‘રદ કરાયેલી નોટો બદલાવવા માટે એક કારમાં ત્રણ જણ આવ્યા હતા. એક જણે પ્લાસ્ટિકની ગૂણી કારમાંથી બહાર નાખી હતી. ત્યાર બાદ તેઓ કોઈક વ્યક્તિ આવવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ એ પહેલાં જ સ્થાનિક લોકોને શંકા જતાં આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બીજી એક પ્લાસ્ટિકની ગૂણી કારમાં જ રાખીને એને લૉક કરીને અન્ય બે જણ નાસી ગયા હતા. લૉક કરેલી કારને ખોલવા માટે ખાસ ચાવીવાળાને બોલાવવામાં આવ્યો હતો. ૫૦૦ અને ૧૦૦૦ની કુલ ૧,૫૩,૮૪,૦૦૦ રૂપિયાની નોટો જપ્ત કરવામાં આવી છે. અટક કરાયેલા આરોપીનું નામ હિતેશ દેઢિયા છે, જયારે અન્ય બે જણને પોલીસ શોધી રહી છે.’

આ ઘટનાની જાણ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટને કરવામાં આવી છે. પૈસા કોના હતા અને કોની પાસે તેઓ નોટ બદલાવવાના હતા એ વિશે પોલીસ તપાસ કરી રહી છે.