બિલ્ડિંગ જોખમી જાહેર કરવામાં આવ્યું હોવાની જાણ હોવા છતાં ખાલી ન કર્યું

30 June, 2022 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલ્યાણના રામબાગ વિસ્તારમાં મકાન તૂટી પડતાં પતિનું મોત, જ્યારે પત્ની ગંભીર જખમી : દીકરો-દીકરી સંબંધીને ત્યાં રાત રહેવા ગયાં હોવાથી બચી ગયાં

કલ્યાણના રામબાગ વિસ્તારમાં તૂટી પડેલા બિલ્ડિંગનું રેસ્ક્યુ ઑપરેશન પૂરું થયા પછી એના કાટમાળને સાફ કરી રહેલા કેડીએમસીના કામદારો (તસવીર : સતેજ શિંદે)

કલ્યાણના રામબાગ વિસ્તારમાં આવેલું ગ્રાઉન્ડ પ્લસ વનનું સ્ટ્રક્ચર ગઈ કાલે સવારે ૬ વાગ્યે તૂટી પડ્યું હતું. એ ઘરમાં ૫૩ વર્ષના સૂર્યભાણ કક્કડ તેમની પત્ની, દીકરા ગણેશ અને બે દીકરી સાથે રહેતા હતા. દીકરો ગણેશ અને દીકરી કોઈ સંબંધીને ત્યાં રાત રહેવા ગયાં હતાં. મકાન તૂટી પડ્યું ત્યારે પતિ-પત્ની બંને જણ સૂતાં હતાં. આ દુર્ઘટનામાં સૂર્યભાણ કક્કડનું મૃત્યુ થયું હતું, જ્યારે તેમનાં પત્ની ગંભીર રીતે ઘવાયાં છે અને તેમની સારવાર ચાલી રહી છે.  

મકાન તૂટી પડ્યાની જાણ થતાં જ કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના અધિકારીઓ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. ફાયર બ્રિગેડે કાટમાળ હેઠળથી બંનેને બહાર કાઢ્યાં હતાં. બંનેને રુક્ષ્મણીબાઈ હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યાં સૂર્યભાણ ક્કડનું મૃત્યુ થયું હતું.

કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના અધિકારી સુહાસ ગુપ્તેએ કહ્યું હતું કે ‘એ મકાન જૂનું અને જર્જરિત થઈ ગયું હતું. એથી એના રહેવાસીઓને એ વહેલી તકે ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. એમ છતાં તેઓ ત્યાં રહેતા હતા.’    

ગણેશ કક્કડે કહ્યું હતું કે ‘અમે રાતના અમારા સંબંધીને ત્યાં રહેવા ગયા હતા. અમને સવારે જણ થઈ કે મકાન તૂટી પડ્યું છે એટલે તરત દોડી આવ્યા હતા. અમારા મકાનને જોખમી જાહેર કરાયું હતું એની અમને જાણ હતી.’

mumbai mumbai news kalyan