ઓલા અને ઉબર સામે પડેલા કૅબ-ડ્રાઇવરોની એકતામાં ભંગાણ

15 March, 2017 06:11 AM IST  | 

ઓલા અને ઉબર સામે પડેલા કૅબ-ડ્રાઇવરોની એકતામાં ભંગાણ


શશાંક રાવ

ઓલા અને ઉબર કંપનીઓના કડક અને કઠોર કાયદાઓ સામે અવાજ બુલંદ કરવા ટૅક્સી-ડ્રાઇવરોએ કરેલા આંદોલનને માત્ર ચાર દિવસ થયા ત્યાં ટૅક્સી-ડ્રાઇવરોની એકતામાં ફૂટ પડવાનાં ચિહ્નો છે. અમુક ટૅક્સી-ડ્રાઇવરો ઍક્શન કમિટી ઑફ મહારાષ્ટ્ર અગેઇન્સ્ટ ઓલા ઍન્ડ ઉબરમાંથી છૂટા પડી સંઘર્ષ ટૂરિસ્ટ ચાલક માલક સંઘ નામનું અલગ યુનિયન બનાવ્યું છે.

ગઈ કાલે સંઘર્ષ ટૂરિસ્ટ ચાલક માલક સંઘે આઝાદ મેદાન ખાતે ધરણાં-પ્રદર્શન કર્યા હતાં. ગઈ કાલે શહેરમાં ઓછી કૅબ્સ દોડી રહી હોવાથી સર્જ પ્રાઇસિંગને લીધે કૅબ્સનાં ભાડાંમાં વધારો થયો હતો.

ઍક્શન કમિટી ઑફ મહારાષ્ટ્ર અગેઇન્સ્ટ ઓલા ઍન્ડ ઉબરના સભ્ય પ્રફુલ શિંદેએ કહ્યું હતું કે ‘૧૦ માર્ચના વિરોધ-પ્રદર્શન દરમ્યાન નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઓલા અને ઉબરને ટૅક્સી-ડ્રાઇવરોની માગણીઓ વિશે વિચાર કરવા ૨૧-૨૨ માર્ચ સુધીનો સમય આપવો. અમે દેશભરમાં હડતાળનું આયોજન કરવા યોજના બનાવી રહ્યા છીએ. ગઈ કાલનું વિરોધ-પ્રદર્શન માત્ર એક નાના યુનિયનનું હતું. આ યુનિયન અમારા નામે ચરી ખાય છે.’


સંઘર્ષ ટૂરિસ્ટ ચાલક માલક સંઘના પ્રમુખ રાજુ પાટીલે દાવો કર્યો હતો કે ‘૧૦ માર્ચે ટૅક્સી-ડ્રાઇવરોની પહેલી હડતાળ પ્રસંગે ઍક્શન કમિટી ઑફ મહારાષ્ટ્ર અગેઇન્સ્ટ ઓલા ઍન્ડ ઉબરે અમારી ૧૪ માર્ચની હડતાળને ટેકો આપવાનું વચન આપ્યું હતું. હવે મને ખબર નથી કે ઍક્શન કમિટીનું વલણ શું છે. ગઈ કાલે સવારે ૧૧ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી આઝાદ મેદાન ખાતે અમારું શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન અમે કર્યું હતું.’

હવે અમુક ટૅક્સી-ડ્રાઇવરો તેમની મૂળ માગણીઓ ઉપરાંત એવો દાવો કરી રહ્યા છે કે ઓલા અને ઉબર વચ્ચે થઈ રહેલું કારપુલિંગ રદ થવું જોઈએ. ઓલા અને ઉબર બન્ને હાલમાં તેમના શૅર-મૉડલને ઘણું પ્રાધાન્ય આપી રહ્યા છે. શૅર-મૉડલનું લક્ષ્ય ઓલા અને ઉબર કૅબ્સની સંખ્યા ઓછી કરવાનું છે અને આને લીધે ડ્રાઇવરોના નફામાં નુકસાન થાય છે.

ડ્રાઇવરોની માગણી શું છે?

ટ્રિપ કૅન્સલ કરવાથી ૫૦૦ રૂપિયાનો થતો દંડ રદ કરવો

ડ્રાઇવરોની મન્થ્લી ઇન્કમ ૧.૫૦ લાખ રૂપિયા નક્કી કરવી

લઘુતમ ભાડું નક્કી કરી ઇકૉનૉમિકલ રાઇડ માટે કિલોમીટરદીઠ ૧૫ રૂપિયા, સેડાન માટે કિલોમીટરદીઠ ૨૦ રૂપિયા અને SUV માટે કિલોમીટરદીઠ બાવીસ રૂપિયા કરવું

ભાડેથી વાહનો આપવા બંધ કરવાં

રાઇડ શૅર-મૉડલ બંધ કરવું