ઓલા અને ઉબરના ડ્રાઇવરો હવે પોતાની અલગ ઍપ તૈયાર કરશે

11 March, 2017 06:41 AM IST  | 

ઓલા અને ઉબરના ડ્રાઇવરો હવે પોતાની અલગ ઍપ તૈયાર કરશે

શશાંક રાવ 

ઓલા અને ઉબર કંપનીઓના ડ્રાઇવરોની હડતાળે જુદો વળાંક લીધો છે. એ ડ્રાઇવરો તેમની સંબંધિત ઍપ-બેઝ્ડ એગ્રેગેટર કંપનીમાંથી છુટકારો મેળવીને પોતાની મોબાઇલ-ઍપ મેળïવવા સજ્જ બન્યા છે. ગઈ કાલે એક દિવસની હડતાળ દરમ્યાન આંદોલનકારી ડ્રાઇવરોના નેતાઓએ પોતાની મોબાઇલ-ઍપ મેળવવાની યોજનાના અમલનો નિર્ણય લીધો હતો. ‘એપ-બેઝ્ડ સિટી ટૅક્સી પરમિટ’ હેઠળ નવી કંપનીઓ શરૂ કરવાની છૂટ આપતા ૨૦૧૭ના મહારાષ્ટ્ર સિટી ટૅક્સી રૂલ્સની જોગવાઈઓ પ્રમાણે એ બાબત શક્ય બનશે.

ઓલા અને ઉબર ટૅક્સીઓના હજારો આંદોલનકારી ડ્રાઇવરોની ઍક્શન કમિટી ઑફ મહારાષ્ટ્રના સભ્ય પ્રફુલ શિંદેએ જણાવ્યું હતું કે ‘અમે ઓલા અને ઉબરના ઍપ જેવી  S૩ નામની મોબાઇલ-ઍપ મેળવવા માટે માળખું તૈયાર કર્યું છે. અમે સૌથી પહેલાં ૨૦૧૬ના સપ્ટેમ્બરમાં એવી ઍપ મેળવવાની વિચારણા કરી હતી. એ વિચારણાને હવે અમે આગળ વધારીશું અને એ બાબતે રાજ્ય સરકારને આગામી અઠવાડિયામાં માહિતી આપીશું. એ મોબાઇલ-ઍપમાં સલામતી માટે આગળ અને પાછળ કૅમેરા હશે અને મહિલા પ્રવાસીઓને સુરક્ષા સહાય માટે SOS બટન, પ્રવાસના અંતે બિલ ચૂકવવાની જોગવાઈ, ડ્રાઇવરની ડીટેલ્સ તેમ જ ૨૦૧૭ના મહારાષ્ટ્ર સિટી ટૅક્સી રૂલ્સમાં નોંધાયેલી જોગવાઈઓ પણ રાખવામાં આવશે. અમે હજી સુધી એ મોબાઇલ-ઍપ લૉન્ચ નથી કરી, પરંતુ મુખ્ય પ્રધાન અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને લખવામાં આવનારા પત્રમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવશે.’

ઍક્શન કમિટી ઑફ મહારાષ્ટ્રે મુંબઈનાં ૮૦ ટકા વાહનોએ ઍપ્સ બંધ રાખીને હડતાળમાં જોડાયા હોવાનો દાવો કર્યો હતો. હડતાળના એલાન વિરુદ્ધ ટૅક્સી ચલાવનારા ડ્રાઇવરોનાં ચાર વાહનોની આંદોલનકારી ડ્રાઇવરોએ તોડફોડ કરી હતી.

ડીઝલ પર દોડતી કારોને CNGમાં ફેરવવાની રહેશે

ટ્રાન્સપોર્ટ કમિશનર પ્રવીણ ગેડામે જણાવ્યું હતું કે ‘હડતાળિયા ડ્રાઇવરોએ અમને તેમના આંદોલન વિશે કોઈ જાણકારી આપી નહોતી. હવે નવા નિયમો અમલી બનતાં કંપનીઓને એમાં આવરી લેવામાં આવશે. એ ઉપરાંત વાહનોમાં ડીઝલ પર દોડતી કારોને CNGમાં ફેરવવાની રહેશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં ઍપ બેઝ્ડ એગ્રેગેટર્સ તરીકે સક્રિય ૩૦,૦૦૦ ટૅક્સીઓ નોંધાયેલી છે, પરંતુ એ ત્રણ શિફ્ટમાં ટૅક્સીઓ ચલાવતા ૭૦,૦૦૦ ડ્રાઇવરો છે. ભાવવધારા સાથે એ ટૅક્સીઓનાં ભાડાં પણ ચારથી પાંચ ગણાં વધ્યાં હતાં. એવા સંજોગોમાં છેલ્લા કેટલાક મહિનાથી એગ્રેગેટર કંપનીઓની બેદરકારીને કારણે તેમની આવક પર પણ અસર થઈ હોવાનો દાવો ડ્રાઇવરોએ કર્યો હતો. એક વખતમાં દર મહિને ૭૦,૦૦૦ રૂપિયા કમાતા ડ્રાઇવરોની આવક ઘટીને હવે માંડ ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ થઈ હોવાનો દાવો ડ્રાઇવરોનાં સંગઠનોએ કર્યો હતો. 

૨૧મીથી બેમુદત હડતાળની ચીમકી

અપર્ણા શુક્લા


મોબાઇલ ઍપ એગ્રેગેટર્સ ઉબર અને ઓલાના ડ્રાઇવરોનો વિરોધ સહેલાઈથી શાંત પડવાનો નથી. તેઓ ૧૪ માર્ચે આઝાદ મેદાનમાં વિરોધ-પ્રદર્શન કરશે. ત્યાર પછી તેમની માગણીઓ બાબતે ૧૫, ૧૬ કે ૧૭મીએ ઓલા અને ઉબરના અધિકારીઓ સમય નહીં આપે તો ૨૧ માર્ચથી બેમુદત હડતાળ પર ઊતરવાની ચીમકી હડતાળિયા ડ્રાઇવરોએ આપી છે. ઓલા અને ઉબર ટૅક્સીઓના ૮૦,૦૦૦ જેટલા ડ્રાઇવરો હોવાનું મનાય છે. એથી ૧૪મીએ આઝાદ મેદાનમાં જંગી પ્રમાણમાં વિરોધ-પ્રદર્શનની શક્યતા છે.

આંદોલનકારી ડ્રાઇવરોએ ગઈ કાલે ચકાલામાં ઓલા કંપનીની ઑફિસ સામે અને કુર્લાના ફીનિક્સ મૉલ સામે બપોરે અઢી વાગ્યા સુધી દેખાવો કર્યા હતા. ઉબર અને ઓલાના ચાલક-માલક સંઘર્ષ સંઘના ઉપ-પ્રમુખ જુનૈદ સૈયદે જણાવ્યું હતું કે ‘અમે અમારી માગણીઓ લેખિત રૂપે ઓલા અને ઉબર કંપનીઓને સુપરત કરી છે. એ માગણીઓ પર પરિણામલક્ષી વિચારણા કરવા માટે તેમને પૂરતો સમય આપીશું. અમારી કમાણી એટલી ઘટી ગઈ છે કે એક ડ્રાઇવર ગુજરાન-ઘરખર્ચ માટે પૂરતી રકમ આપી ન શકતાં તેની ફૅમિલી તેને છોડીને જતી રહી છે. આ રીતે અનેક ડ્રાઇવરો હાલાકી ભોગવી રહ્યા છે. આ સમસ્યાનું અમને વહેલી તકે નિવારણ જોઈએ છે.’