દશેરાએ જ ઘોડો ન દોડ્યો

26 January, 2023 10:43 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

અંધેરીમાં ૨૯ માળના ટાવરના ૨૪મા માળે આગ લાગી ત્યારે બિલ્ડિંગમાં જ લગાડેલી ફાયર ફાઇટિંગ સિસ્ટમ ચાલુ ન થઈ : સદ્ભાગ્યે આગમાં કોઈ જાનહાનિ નથી થઈ, પણ કેટલાક લોકોને ગૂંગળામણ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

અંધેરીના લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં આવેલું શિવશક્તિ ટાવર (તસવીર : સૈયદ સમીર અબેદી)

અંધેરી-વેસ્ટના લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં આવેલા ૨૯ માળના શિવશક્તિ ટાવરના ૨૪મા માળે આવેલી ઇલેક્ટ્રિક ડક્ટમાં મંગળવારે રાતે મધરાત બાદ ૧.૪૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. સદ્ભાગ્યે આ આગમાં કોઈ જાનહાનિ થ​ઈ ‌નહોતી, પણ કેટલાક લોકોને ભારે ગૂંગળામણ થતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમાં એવીએ ગ્લોબલના ડિરેક્ટર કૌશલ વિઠલાણીના પરિવારનો પણ સમાવેશ થતો હતો. તેમને નાણાવટી હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. હૉસ્પિટલે તેમની કન્ડિશન સુધારા પર હોવાનું જણાવ્યું હતું.

ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર ૨૪મા માળના પૅસેજમાં આગ લાગી હતી, જેમાં ઇલેક્ટ્રિક વાયરો સળગવા માંડતાં ભારે ધુમાડો ફેલાયો હતો અને એ ૨૪મા અને ૨૩મા ફ્લોર પર ભારે માત્રામાં પ્રસરી ગયો હતો અને રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનાં ચાર ફાયર એન્જિન અને પાંચ જમ્બો ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ વહેલી સવારે ૫.૧૦ વાગ્યે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. જોકે આગ ચોક્કસ કયાં કારણસર લાગી એની તપાસ ચાલી રહી છે.

ભારે ધુમાડો થવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં ચંદ્રકાન્ત વિઠલાણી, કિરણ વિઠલાણી, કૌશલ વિઠલાણી, હયાતી વિઠલાણી, લિઝા અઢિયા અને સપના શેઝાબને નાણાવટી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં હતાં. ગઈ કાલે સાંજે હૉસ્પિટલના જણાવ્યા મુજબ તેમની તબિયત સુધારા પર હતી અને કોઈની સામે જાનનું જોખમ નહોતું. કૌશલ વિઠલાણી લૉજિસ્ટિ​ક કંપની એવીએ ગ્લોબલમાં ડિરેક્ટર છે. તેમની સાથે ડાયરેક્ટ તો વાત નહોતી થઈ શકી, પણ તેમના પીએ નવીનભાઈએ કહ્યું હતું કે ​તેઓ બધાની તબિયત સારી છે, ચિંતા કરવાનું કારણ નથી. 
આ જ ઘટનાના અન્ય ચાર અસરગ્રસ્તો અભિષેક સિંહ દુહાન, ચંદ્રમોહિની કૌશલ, શીરીન મોતીવાલા અને ચિતવન કૌશલને અન્ય હૉસ્પિટલમાં દાખલ કરાવામાં આવ્યાં હતાં. એમાંથી શીરીન મોતીવાલાની હાલત ગંભીર જણાતાં તેમને આઇસીયુમાં દાખલ કરાયાં હોવાનું બીએમસીએ જણાવ્યું હતું.

ફાયર બ્રિગેડના એક ઑફિસરે કહ્યું હતું કે ‘અમે બિલ્ડિંગમાં જ લગાડેલી ફાયર ફાઇટિંગ સિસ્ટમ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એ ચાલુ નહોતી થઈ શકી, કારણ કે જે ઑલ્ટરનેટ ઇલેક્ટ્રિક સપ્લાય આપી હતી એનું અલગ મીટર હતું, પણ એ લાઇન કોઈ ફૉલ્ટને કારણે ચાલુ થઈ નહોતી. ’ 

બાંદરામાં બેસ્ટની બસમાં લાગી આગ

બાંદરા-વેસ્ટમાં એસ. વી. રોડ પરના સિગ્નલ પાસે ગઈ કાલે બેસ્ટની બસમાં આગ ફાટી નીકળી હતી. એ વખતે બસમાં ૨૦થી ૨૫ જેટલા પ્રવાસીઓ હતા. ડ્રાઇવરને બસ ચલાવતી વખતે ગિયર-બૉક્સમાં સ્પાર્ક થયો હોવાનું જણાઈ આવતાં તેણે તરત જ કન્ડક્ટરને જાણ કરીને બસ સાઇડમાં ઊભી રાખી દીધી હતી. કન્ડક્ટરે ગણતરીની મિનિટોમાં પ્રવાસીઓને બસમાંથી નીચે ઉતારી દીધા હતા. થોડી જ વારમાં આગે આખી બસને પોતાના ભરડામાં લઈ લીધી હતી. ઘટનાસ્થળે ધસી ગયેલી ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. બેસ્ટ દ્વારા એ બસ ભાડે સપ્લાય કરનાર કંપનીને આ બાબતે ખુલાસો કરવા જણાવાયું હતું. 

mumbai mumbai news andheri lokhandwala bakulesh trivedi