ગુડ ન્યુઝ : આ વર્ષે સ્કૂલ ફીમાં વધારો નહીં થાય

10 May, 2020 10:25 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ગુડ ન્યુઝ : આ વર્ષે સ્કૂલ ફીમાં વધારો નહીં થાય

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના સંકટ વચ્ચે રાજ્યની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારે ૨૦૨૦-૨૧ શૈક્ષણિક વર્ષમાં સ્કૂલોને ફીમાં વધારો ન કરવાનો આદેશ આપ્યો છે. સરકારના આ નિર્ણયથી આર્થિક મુશ્કેલીના સમયમાં લોકોને થોડી રાહત થશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગઈ કાલે એક આદેશ જારી કરાયો હતો, જેમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં જેમની ફી બાકી છે તેમને સ્કૂલ ફી ભરવા માટે દબાણ નહીં કરી શકે અને આગામી શૈક્ષણિક વર્ષમાં કોઈ સ્કૂલ ફીમાં વધારો નહીં કરી શકે.

શિક્ષણ વિભાગના ઑર્ડરમાં એમ પણ કહેવાયું છે કે આર્થિક મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સ્કૂલોએ આગામી શૈક્ષણિક વર્ષમાં વાલીઓને ફી ભરવા માટે મહિનો અને ત્રિમાસિકના વિકલ્પ આપવા પડશે. ઉપરાંત શિક્ષણ વિભાગે પેરેન્ટ્‌સ ટીચર અસોસિએશનની એક્ઝિક્યુટિવ કમિટીને લૉકડાઉનમાં સ્કૂલોમાં કોઈ પ્રવૃત્તિ ન થઈ શકી હોય તો તેનો રિવ્યુ લઈને ફી ઘટાડી શકાય એમ હોય એ જોવું.

સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરી વંદના ક્રિષ્નાએ કહ્યું હતું કે ‘લૉકડાઉનના સમયમાં કેટલીક સ્કૂલો વાલીઓને ફી ભરવા માટે દબાણ કરી રહી હોવાની અમને ફરિયાદ મળી છે. સ્કૂલોએ લૉકડાઉનમાં પેરેન્ટ્‌સને ફી ભરવા માટે મજબૂર ન કરવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે બીજેપીના વિધાનસભ્ય આશિષ શેલારે થોડા સમય પહેલાં લૉકડાઉનની સ્થિતિમાં સ્કૂલોની ફીમાં વધારો ન કરવા બાબતે શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડને પત્ર લખ્યો હતો. તેમણે એ સમયે કહ્યું હતું કે અમે આ વિશે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડીશું.

mumbai coronavirus mumbai news