આ તો જાણે ભૂત ગયું ને પલીત આવ્યા જેવો ઘાટ

03 December, 2012 05:04 AM IST  | 

આ તો જાણે ભૂત ગયું ને પલીત આવ્યા જેવો ઘાટ




મુંબઈમાં પહેલી એપ્રિલ ૨૦૧૪થી ઑક્ટ્રૉય નાબૂદ કરવામાં આવે એવી ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણની જાહેરાત પછી પણ વેપારીઓમાં એની ખુશી દેખાતી નથી, કારણ કે સરકાર ઑક્ટ્રૉયના સ્થાને લોકલ બૉડી ટૅક્સ (એલબીટી) લાવવા માગે છે અને વેપારીઓના મતે આ તો ભૂત કાઢતાં પલિત પેસે એવી વાત છે. મહારાષ્ટ્રનાં વિવિધ વેપારી અસોસિએશનોની સંસ્થા ‘ફામ’ના પ્રેસિડન્ટ મોહન ગુરનાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑક્ટ્રૉય રદ થવી જોઈએ, પણ એલબીટી લાવવામાં આવે તો એનો કોઈ અર્થ સરતો નથી. જે સુધરાઈમાં ઑક્ટ્રૉય ગઈ છે ત્યાં લાવવામાં આવેલા એલબીટીના કારણે વેપારીઓની હાલત ઓર ખરાબ છે. એલબીટીમાંથી અનાજ, કઠોળ, સાકર, તેલ, કાપડ અને ઘી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓને બાકાત રાખવી જોઈએ એવી અમારી માગણી હતી; પણ સોલાપુર, કોલ્હાપુર, ઔરંગાબાદ વગેરે સુધરાઈમાં આ જીવનજરૂરી ચીજો પર પણ આ ટૅક્સ લેવામાં આવે છે. ક્યાંક તો ઑક્ટ્રૉયની સરખામણીમાં એલબીટી વધારે છે. વળી ટૅક્સ ઉઘરાવવાની સિસ્ટમથી વેપારીઓ કંટાળી ગયા છે.’

વસઈ ઇન્ટસ્ટ્રિયલ મૅન્યુફૅક્ચરર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ અજય મોદીએ આ સંદર્ભમાં ‘મિડ-ડે’ને વસઈ-વિરાર સુધરાઈમાં આવેલી એલબીટીના અનુભવ વિશે બોલતાં કહ્યું હતું કે ‘ઑક્ટ્રૉયમાં તો જકાતનાકા પર ટૅક્સ ચૂકવ્યા પછી કામ પૂરું થઈ જતું હતું. હવે અમને એલબીટીના ઍસેસમેન્ટની નોટિસો આવી રહી છે જેમાં અમે ભરેલા સેલ્સ ટૅક્સ, ઇન્કમ-ટૅક્સના રિટર્નની કૉપી મગાવવામાં આïવી છે. અમને એ સમજ પડતી નથી કે વેપારીએ મંગાવેલા માલ અને તેણે આપેલી વિગત બાદ આ વિગતોની આ ડિપાર્ટમેન્ટને શા માટે જરૂર છે?’

એવો જ સૂર વ્યક્ત કરતાં મુંબઈ ડ્રાયફ્રૂટ્સ ઍન્ડ ડેટ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રેસિડન્ટ વિજય ભૂતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટને સાચવવા કે પછી વેપારીએ બિઝનેસ સંભાળવો? સરકાર સેલ્સ ટૅક્સ લે છે એમાંથી લાગતા-વળગતા વિભાગોને ટૅક્સ ફાળવી દેવાની જવાબદારી એની છે. એક ટૅક્સના સ્થાને બીજો ટૅક્સ લાવીને સરકાર વેપારીઓની મુસીબત વધારી રહી છે.’

બૉમ્બે શુગર મર્ચન્ટ્સ ચેમ્બરના પ્રેસિડન્ટ અશોક જૈને આ સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવા ટૅક્સને લાદતાં પહેલાં સરકારે વેપારીઓને વિશ્વાસમાં લેવા જોઈએ.’

મુંબઈ સહિત રાજ્યની તમામ સુધરાઈમાંથી ઑક્ટ્રૉય નાબૂદ થશે

કેન્દ્રીય આયોજન પંચના આર્થિક સુધારા માટેના નર્દિેશ અનુસાર રાજ્યમાં મુંબઈ સહિત તમામ સુધરાઈમાંથી ઑક્ટ્રૉય નાબૂદ કરવાનો નર્ણિય ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણે લીધો છે. જોકે ઑક્ટ્રૉય નાબૂદ થતાં એના સ્થાને લોકલ બૉડી ટૅક્સ (એલબીટી) લેવાની શરૂઆત થશે. નવી મુંબઈ, થાણે, પુણે, પિંપરી-ચિંચવડ અને નાગપુરમાં ૧ એપ્રિલ, ૨૦૧૩ અને મુંબઈમાં ૧ એપ્રિલ, ૨૦૧૪થી આ ફેરફાર લાગુ થશે.

રાજ્યની ૨૬ મહાનગરપાલિકા પૈકી મુંબઈ જ ‘અ’ વર્ગની છે. પુણે અને નાગપુર ‘બ’ વર્ગની, જ્યારે ‘ક’ વર્ગમાં પિંપરી-ચિંચવડ, થાણે, નવી મુંબઈ અને નાશિક મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. ‘ડ’ વર્ગની મહાનગરપાલિકાની સંખ્યા ૧૯ છે અને એમાં રાજ્ય સરકારે એપ્રિલ ૨૦૧૦થી તબક્કાવાર ઑક્ટ્રૉયના સ્થાને એલબીટી લાગુ કરવાની શરૂઆત કરી છે. મીરા-ભાઈંદર, વસઈ-વિરાર, ઔરંગાબાદ, નાંદેડ-વાઘાળા, જળગાવ, સોલાપુર, કોલ્હાપુર, અમરાવતી, કલ્યાણ-ડોમ્બિવલી, પરભણી, લાતુર, ચંદ્રપુર, અહમદનગર અને ઉલ્હાસનગરમાં એલબીટી પ્રણાલી લાગુ થઈ ગઈ છે. ૧ ઑક્ટોબર, ૨૦૧૨થી સાંગલી-મિરજ-કુપવાડ, ધુળે, અકોલા, ભિવંડી-નિઝામપુર અને માલેગાંવમાં એલબીટી લાગુ કરવા માટે સરકારે અધિસૂચના જારી કરી હતી; પણ નાશિક, સાંગલી-મિરજ-કુપવાડ, ભિવંડી-નિઝામપુર, ધુળે, અકોલા અને માલેગાંવમાં ઑક્ટ્રૉયના નર્ણિય પર હાઈ ર્કોટે ઇન્ટરિમ સ્ટે આપ્યો છે. ‘ડ’ વર્ગની સુધરાઈમાં ઑક્ટ્રૉયનો વિષય પૂરો થતાં ચીફ મિનિસ્ટરે હવે બાકીની મહાનગરપાલિકામાંથી એને રદ કરવા માટે આદેશ આપ્યા છે. તેઓ ડિસેમ્બર સુધીમાં તમામ મહાનગરપાલિકામાંથી ઑક્ટ્રૉય દૂર કરવા માગતા હતા, પણ નવી ટૅક્સ પ્રણાલી લાગુ કરતાં આ સુધરાઈઓને સમય લાગશે. એથી ચાર મહિનાનો વધુ સમય આપવામાં આવ્યો છે. મુંબઈ સુધરાઈનો વહીવટ મોટો હોવાથી એને વધુ સમય આપવામાં આવ્યો છે. આ ૧૬ મહિનામાં નવા ટૅક્સનું કર્મચારીઓને પ્રશિક્ષણ, વેપારીઓની નોંધણી, વિવિધ માલ પર ટૅક્સની ટકાવારી ઠરાવવી, ટૅક્સમાંથી છૂટછાટ આપવા માટેની યાદી બનાવવા જેવાં કામ મુંબઈ સુધરાઈએ કરવાનાં રહેશે.

૬૯૦૦ કરોડ રૂપિયા આવક

મુંબઈ સુધરાઈની ઑક્ટ્રૉયની આવક ગયા વર્ષે ૬૯૦૦ કરોડ રૂપિયા રહી હતી અને સુધરાઈના ૨૧,૦૦૦ કરોડ રૂપિયાના બજેટમાં એનો હિસ્સો ખૂબ જ મોટો છે. આ આવક ગુમાવવી સુધરાઈને પાલવે એમ નથી અને એથી જ્યારે પણ ઑક્ટ્રૉય નાબૂદ કરવાની વાત આવે છે ત્યારે સુધરાઈમાં શાસન કરતી શિવસેના એનો ખાસ વિરોધ કરે છે.