ચોમાસાની વિદાય સાથે જ હવે ઑક્ટોબર હીટની આગાહી

07 October, 2014 05:22 AM IST  | 

ચોમાસાની વિદાય સાથે જ હવે ઑક્ટોબર હીટની આગાહી


દહાણુ અને માલેગાંવ સહિત વેસ્ટર્ન મહારાષ્ટ્રમાં ચોમાસાની વિદાય થઈ ચૂકી છે પરંતુ રવિવાર સુધી કોંકણ પ્રાંતમાં વરસાદ હોવાથી મુંબઈ સહિત કેટલાક વિસ્તારોમાં ચોમાસું મંગળવાર કે બુધવારે વિદાય લેશે. આગામી દિવસોમાં હવે ઑક્ટોબર હીટ સહન કરવી પડશે અને દિવસે મૅક્સિમમ તાપમાન ૩૪-૩૬ ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા વેધશાળાએ વ્યક્ત કરી છે. આ વર્ષે મુંબઈને એકાદ મહિનો તરસાવ્યા બાદ છેક જુલાઈમાં ચોમાસું બેઠું હતું પરંતુ વિદાય લેવામાં ચોમાસાએ સમય બરાબર જાળવ્યો છે, એમ છેલ્લાં કેટલાંક વર્ષોના મુંબઈમાં ચોમાસું બેસવાની અને વિદાય લેવાની તારીખોના વેધશાળાના આંકડા પરથી કહી શકાય. મુંબઈમાંથી ચોમાસાની વિદાયની સત્તાવાર તારીખ ૩૦ સપ્ટેમ્બર ગણાય છે પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ચોમાસાની વિદાય એક-બે અઠવાડિયાં લંબાઈ ગયાનું ધ્યાનમાં આવ્યું છે.

ઑક્ટોબર હીટથી બચવા આટલી કાળજી લેવી

વધતી જતી ગરમીના કારણે મુંબઈમાં કન્જેક્ટિવાઇટિસ અને ડેન્ગીના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. હવે વધુ ગરમીમાં આવી બીમારીઓથી બચવા માટે લોકોએ શું કરવું તેનાં સૂચનો ડૉક્ટરોએ કર્યા છે.

સવારમાં ઊઠીને પહેલું કામ એક-બે ગ્લાસ પાણી પીવાનું કરવું અને એક્સરસાઇઝ કે જમતી વખતે પણ પાણી બરાબર પીવું.

ગરમીમાં તરસ લાગશે એટલે ઘરની બહાર નીકળો ત્યારે સાથે વૉટર બૉટલ રાખવી જેથી તરસ લાગતાં ઘરનું પાણી પીવાથી બહારના દૂષિત પાણીથી બચી શકાય.

અકળાવનારી ગરમીમાં માથાનો દુખાવો થઈ શકે તેથી આકરા તાપથી બચવા માથું કવર કરી રાખવું. કૅપ કે રૂમાલ સાથે રાખવાં. આંખના રક્ષણ માટે ગોગલ્સ પણ ઉપયોગી છે.

ગરમીની સીઝનમાં બહારનાં વાસી કે ખુલ્લાં રખાતાં ચટાકેદાર વ્યંજનો અને અશુદ્ધ પાણીથી પેટની બીમારી થઈ શકે છે એથી ઘરનું જમવાનો આગ્રહ રાખવો અને તેમાં પત્તાંવાળાં તાજાં શાકભાજીનું પ્રમાણ વધુ રાખવું.