હે પ્રભુ, હવે આમ જ રહેવા દેજે

05 November, 2014 05:26 AM IST  | 

હે પ્રભુ, હવે આમ જ રહેવા દેજે


રોહિત પરીખ

ઘાટકોપર-વેસ્ટના રેલવે-સ્ટેશન પાસેના મહાત્મા ગાંધી રોડ, શ્રદ્ધાનંદ રોડ અને હીરાચંદ દેસાઈ રોડ પરથી અચાનક ફેરિયાઓ ગાયબ થઈ ગયા હતા. એનાથી સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓને હળવા ઝટકા સાથે સુખદ આશ્ચર્ય થયું હતું. જોકે આવી પરિસ્થિતિ અને રાહત કેટલા દિવસ રહેશે એ વાત અહીંના દુકાનદારોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. છતાં દુકાનદારો તો મનોમન પ્રભુને  પ્રાર્થના કરી રહ્યા છે કે ‘હે, પ્રભુ હવે આમ જ રહેવા દે જે.’

આ માહિતી આપતાં મિલન શૉપિંગ સેન્ટરના વેપારી રુશિત ભાટિયાએ હરખભેર ફોન કરીને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ઘાટકોપર સુધરાઈના જે વૉર્ડ હેઠળ આવ્યું છે એ ફ્ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનરની બદલી, મહારાષ્ટ્રમાં પહેલી વાર ગ્થ્ભ્ના મુખ્ય પ્રધાન સત્તારૂઢ થવાની ઘટના અને અમારા વિસ્તારમાંથી એક અઠવાડિયા કરતાં વધુ સમયથી ફેરિયાઓનું ગાયબ થવું જોગાનુજોગ છે કે એની સીધી અસરની શરૂઆત એ તો સમય જ કહેશે, પણ અમે વેપારીઓ આનાથી ખૂબ જ ખુશ થયા છીએ. આ જ પરિસ્થિતિ હવે ટકી રહે એવું અમે સૌ ઇચ્છીએ છીએ.’

આ બાબતમાં રેલવે-સ્ટેશન પર ખરીદી કરવા નીકળેલાં અને દિવાળીના દિવસોમાં જ પોતાનો મોબાઇલ ખોનાર રમીલા હરિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મેટ્રો રેલ શરૂ થયા પછી સ્ટેશન પર ગિરદી વધી છે. એમાં ફેરિયાઓએ જે રીતે સ્ટેશન રોડને જૅમ કરી રાખ્યો હતો એ મહિલાઓ, વૃદ્ધો અને બાળકો માટે સમસ્યારૂપ બની ગયો હતો. અહીંની ગિરદીનો ગેરલાભ લઈ અસામાજિક તત્વો અનેક મહિલાઓનાં પર્સ, ચેઇન, મોબાઇલ તફડાવી જતાં હતાં. એ બનાવો હવે અટકશે, પણ સવાલ એ છે કે આ પરિસ્થિતિ કેટલા દિવસો સુધી રહેશે?’

સાડા બારસો રૂપિયા ફાઇન

એક ફેરિયાએ આ બાબતમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘અમે બેસીએ તો સુધરાઈ ૧૨૫૦ રૂપિયા દંડ વસૂલ કરે છે જે અમને પરવડતો નથી. આ બધું મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવાથી થયું છે. એટલે અમે બેસતા નથી.

આટલો આનંદ કેમ?

વેસ્ટનું રેલવે-સ્ટેશન વર્ષેર્થી ગીચ છે. એમાં થોડાં વષોર્થી ફેરિયાઓ અને સ્ટૉલોએ આ વિસ્તારને વધુ ગીચ બનાવી દીધો છે. નજીકમાં સ્કૂલ અને કૉલેજ હોવા છતાં આ વિસ્તાર પર ધ્યાન ઓછું આપવામાં આવે છે. અહીંથી મુંબઈ અને ઉપનગરોને જોડતી બધી બસો મળે છે, જેથી અવરજવર પણ વધારે છે. એમાં મેટ્રો રેલનું બાંધકામ શરૂ થતાં જ ફેરિયાઓએ આ વિસ્તાર પર વર્ચસ્વ જમાવી દીધું હતું. મેટ્રો રેલ શરૂ થતાં ગીચતામાં દોઢસોથી વધુ ટકાનો વધારો થયો હતો. રેલવે-સ્ટેશનના મેઇન ગેટ પર પણ શાકવાળા અને અન્ય ફેરિયાઓ બેસી ગયા હતા. નજીકની હૉસ્પિટલના મેઇન ગેટને પણ તેમણે કવર કરી લીધો હતો. આનો ગેરલાભ અસામાજિક તત્વો અને લેભાગુઓ લેતાં અચકાતાં નહોતાં. આની સામે અનેક વાર ફરિયાદો થવા છતાં સત્તાવાળાઓના પેટનું પાણી પણ હલતું નહોતું, પણ દિવાળીની પૂર્ણાહુતિ અને નવા વર્ષની શુભ શરૂઆત સાથે ફેરિયાઓ ગાયબ થવાથી આ વિસ્તાર સ્વચ્છ, સુંદર અને રાહતભયોર્ બની ગયો છે. આમ પણ આ બધા ફેરિયાઓ ઘાટકોપરની બહારના હતા; જેને લીધે દુકાનદારો, રાહદારીઓ, હૉસ્પિટલમાં આવતા દરદીઓ સૌ આનંદમાં આવી ગયા છે.