કૉર્પોરેટરોની સંખ્યા ૨૨૭થી વધારી ૨૫૨ કરવામાં આવશે

04 November, 2014 05:17 AM IST  | 

કૉર્પોરેટરોની સંખ્યા ૨૨૭થી વધારી ૨૫૨ કરવામાં આવશે



શહેરના વધતા વ્યાપ અને વિકાસ સાથે સમયાંતરે વૉડ્ર્સની નવેસરથી રચના કરવાની વહીવટી ઔપચારિકતાના ભાગરૂપે સુધરાઈની આવતી ચૂંટણીથી નવી સભ્યસંખ્યા અમલમાં આવશે. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ શહેરની વસ્તી ૧ કરોડ ૨૪ લાખ છે.

વિધાનસભાની ચૂંટણીમાં તળ મુંબઈમાં ૨૪ લાખ ૫૭ હજાર અને પૂર્વ તથા પશ્ચિમનાં ઉપનગરોમાં મળીને કુલ ૧ કરોડ ૧ લાખ ૧૪ હજાર ૫૫૮ મતદારો નોંધાયા હતા. એથી વધતી વસ્તી સાથે વૉડ્ર્સની ફેરરચના સાથે કૉર્પોરેટરોની સંખ્યા પણ વધારવાનો નિર્ણય નગરવિકાસ ખાતાએ લીધો છે.

હાલમાં દરેક કૉર્પોરેટરને સરેરાશ ૫૪ હજારની વસ્તી પ્રમાણે વૉર્ડ ફાળવવામાં આવ્યા છે. નવા વૉર્ડની રચના અનુસાર દરેક વૉર્ડની ફાળવણી ૪૯ હજારથી ૫૦ હજારની વસ્તી અનુસાર કરવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું હતું. હાલમાં એક કૉર્પોરેટરના વૉર્ડમાં ૪૪ હજાર ૫૫૭ મતદારો છે. એમાં વૉડ્ર્સની ફેરરચના પછી મતદારસંખ્યાની સરેરાશ ૪૦,૫૦૦ની થાય એવી શક્યતા દર્શાવવામાં આવી છે. વૉડ્ર્સની સંખ્યા ઉપનગરોમાં અને ખાસ કરીને પશ્ચિમનાં પરાંમાં વધારવામાં આવશે. તળ મુંબઈમાં કદાચ કોઈ વૉર્ડ વધારવામાં નહીં આવે.

સુધરાઈમાં અગાઉ સભ્યસંખ્યા વધારીને ૧૪૦ કરીને કૉર્પોરેટરોની મુદત ચાર વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવાનો નિર્ણય ૧૯૬૩માં લેવામાં આવ્યો હતો. એ પછી ૧૯૮૨માં સભ્યસંખ્યા વધારીને ૧૭૦ કરવામાં આવી અને ૧૯૯૧માં વધારીને ૨૨૧ કરવામાં આવી. છેલ્લે ૨૦૦૨માં સભ્યસંખ્યા વધારીને ૨૨૭ કરવામાં આવી હતી.