મુંબઈનું પ્રૉપર્ટી માર્કેટ છે ઇન્વેસ્ટરોની પહેલી પસંદ

24 November, 2012 06:08 AM IST  | 

મુંબઈનું પ્રૉપર્ટી માર્કેટ છે ઇન્વેસ્ટરોની પહેલી પસંદ




શૅરબજાર અને રિયલ એસ્ટટ માર્કેટમાં એક બહુ મોટી સમાનતા છે. આ બન્ને ક્ષેત્રો એવાં છે જેમાં વિદેશમાં રહેતા બિનનિવાસી ભારતીયો પોતાની કમાણીના ચોક્કસ હિસ્સાનું રોકાણ કરવા ઇચ્છે છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી રોકાણના ટ્રેન્ડના અભ્યાસ પરથી ખબર પડી છે કે આ બિનનિવાસી ભારતીયો પોતાની કમાણીનો હિસ્સો બીજા કોઈ ક્ષેત્ર કરતાં રિયલ એસ્ટેટમાં રોકવાનું સૌથી વધારે પસંદ કરે છે. મંત્રી રિયલ્ટીના કૉર્પોરેટ અર્ફેસનાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટ છાયા શાહ કહે છે, ‘જ્યારે બિનનિવાસી ભારતીયો રોકાણ કરવાના વિકલ્પો પર વિચાર કરે છે ત્યારે તેમને પ્રૉપર્ટીમાં રોકાણ કરવાનો વિકલ્પ સૌથી વધારે સલામત લાગે છે. વળી આમાં રોકાણ કરવાથી વળતર પણ સારું મળે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્ટૉકમાર્કેટમાં ભારે ચડાવ-ઉતાર આવ્યા છે, પણ રિયલ્ટી માર્કેટ સતત એકધારી ગતિથી વિકાસ પામી રહ્યું છે.’


યોગ્ય વિકલ્પ


હકીકતમાં મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી (એમસીએચઆઇ) જેવી સંસ્થાઓએ લાગુ પાડેલા કડક નિયમોને કારણે રિયલ એસ્ટેટ સેક્ટર વધારે ઑર્ગેનાઇઝ્ડ બન્યું છે જેને કારણે એ રોકાણકારોનું વધારે ને વધારે ધ્યાન પોતાના તરફ ખેંચી રહ્યું છે. છાયા શાહ કહે છે, ‘રિયલ એસ્ટેટ માર્કેટમાં સારીએવી સ્પષ્ટતા જોવા મળે છે અને મોટા ભાગના પ્રોજેક્ટ્સ બધી મંજૂરી મેળવ્યા બાદ જ આગળ વધારવામાં આવે છે. આ કારણે બિનનિવાસી ભારતીયો જે પ્રોજેક્ટ્સ પૂરા થઈ ગયા હોય અથવા તો પૂરા થવાની તૈયારીમાં હોય એમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરે છે. અહીં બિલ્ડરની બ્રૅન્ડ-વૅલ્યુ અને છાપ પણ સારોએવો રોલ ભજવે છે. બિનનિવાસી ભારતીયો મોટા ભાગે મુંબઈ, દિલ્હી અને બૅન્ગલોર જેવાં શહેરોમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરે છે. સામાન્ય રીતે બિનનિવાસી ભારતીયો ઊંચી કિંમતની પ્રૉપર્ટીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે જેથી ટૂંક સમયમાં તેમને સારુંએવું વળતર મળી શકે.’


ભારતને ફાયદો


બિનનિવાસી ભારતીયો ડૉલર અને દિરહામમાં કમાણી કરતા હોય અને આ કમાણી રૂપિયામાં ફેરવવામાં આવે તો એ અનેકગણી વધી જાય છે જેને કારણે તેઓ બહુ ઊંચી કિંમત ધરાવતી પ્રૉપર્ટીમાં સહેલાઈથી રોકાણ કરી શકે છે. વળી અમેરિકામાં રહેતા બિનનિવાસી ભારતીયોનું ક્રેડિટ રેટિંગ સારું હોય તો તેમને ઓછા વ્યાજવાળી લોનનો પણ વિકલ્પ મળી રહે છે જેનો ઉપયોગ તેઓ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે કરે છે. દુબઈમાં રહેતા ભારતીયો માટે ભારતમાં પ્રૉપર્ટીમાં રોકાણ એક જાતના સુરક્ષાચક્રની ગરજ સારે છે, કારણ કે તેઓ ત્યાં પોતાની સિટિઝનશિપ નથી બદલી શકતા અને સ્વદેશ પાછા ફરવાનો વિકલ્પ હંમેશાં ખુલ્લો જ રહે છે.



રોકાણની બીજી બાજુ



નાઇટ ફ્રૅન્ક સર્વિસિસ નામની નાણાકીય સર્વિસના સંશોધન વિભાગના નૅશનલ હેડ સામંતક દાસ કહે છે, ‘હાલમાં રૂપિયા અને ડૉલર વચ્ચેનો કન્વર્ઝન-રેટ એવો છે જેનાથી બિનનિવાસી ભારતીયોને ભારતમાં પ્રૉપર્ટીમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન મળે છે. જોકે વધારે પડતા ફુગાવાને કારણે અથવા તો રિયલ એસ્ટેટ ક્ષેત્રના અનિશ્ચિત વિકાસદરને કારણે જે પ્રોજેક્ટ મંદ પડવાની શંકા હોય એમાં રોકાણ કરતાં પહેલાં રોકાણકારો થોડી વધારાની સાવધાની બતાવતા થયા છે. જો ભારતના અર્થશાસ્ત્રમાં બદલાવનાં હકારાત્મક ચિહ્નો દેખાશે તો ચોક્કસપણે બિનનિવાસી ભારતીયોને ભારતના માર્કેટમાં રોકાણ કરવા માટે વધારે પ્રોત્સાહન મળશે.’