ખાંડ હોય ત્યાં કીડીઓ એકઠી થવાની જ : અબુ આઝમી

04 January, 2017 03:02 AM IST  | 

ખાંડ હોય ત્યાં કીડીઓ એકઠી થવાની જ : અબુ આઝમી



બૅન્ગલોરમાં નવા વર્ષની સાંજે મહિલાઓની છેડતીને મુદ્દે પ્રતિભાવ આપતાં SPના મહારાષ્ટ્ર એકમના વડા અબુ આઝમીએ ગઈ કાલે કહ્યું હતું કે ખાંડ હોય ત્યાં કીડીઓ એકઠી થાય જ. મહિલા કાર્યકરોએ આ કમેન્ટને સ્ત્રીદ્વેષી ગણાવી હતી અને અબુ આઝમીની ધરપકડની માગણી કરી હતી.

બૅન્ગલોરની ઘટના બાબતે પૂછવામાં આવ્યું ત્યારે અબુ આઝમીએ કહ્યું હતું કે ‘છોકરા-છોકરીઓને મોકળાશથી ફરવા દેવાં ન જોઈએ. ભારતમાં વેસ્ટર્ન કલ્ચરે પગપેસારો કર્યો છે એ બંધ થવું જોઈએ. ઓછામાં ઓછાં વસ્ત્રો પહેરતી છોકરીઓ પોતાને વધુ ફૅશનેબલ અને મૉડર્ન ગણે છે. ખાંડ હોય ત્યાં કીડીઓ એકઠી થવાની જ.’

શાયરીના શોખીન અબુ આઝમીએ આ સંદર્ભમાં એક શેર કહ્યો હતો, ‘અચ્છી સૂરત ભી ક્યા બુરી શય હૈ, જિસને ભી ડાલી... બુરી નઝર ડાલી.’


શહેરના શિવાજી નગર વિસ્તારના વિધાનસભ્ય અબુ આઝમીના આ નિવેદનને પગલે જોરદાર વિવાદ શરૂ થયો હતો અને તેમના પ્રત્યે મહિલાઓએ ધિક્કારની લાગણી વ્યક્ત કરી હતી.

અબુ આઝમીના આ નિવેદન બાબતે પ્રતિભાવ આપતાં રાષ્ટ્રીય મહિલા પંચનાં અધ્યક્ષ લલિતા કુમારમંગલમે કહ્યું હતું કે ‘દેશના બધા પુરુષો અબુ આઝમી જેવા છે એમ હું નથી કહેતી, પણ દેશમાં ૨૫ ટકા પુરુષો એવા છે કે જેઓ મહિલાઓ પ્રત્યે જરાય આદર નથી ધરાવતા. આમાં દેશ પ્રગતિ કઈ રીતે કરશે?’

સમસ્યાના મૂળની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘આ મુદ્દે રાજકારણ રમાય છે ત્યારે મૂળ મુદ્દો ભુલાઈ જાય છે અને રાજકારણ મહત્વનું બની જાય છે. અબુ આઝમી કયા પક્ષના છે એ મહત્વનું નથી. તમામ રાજકીય પક્ષોના નેતાઓ આવાં ઘૃણાસ્પદ નિવેદનો કરે છે. એ બધાની ઝાટકણી કાઢવી જોઈએ.’

અબુ આઝમી ઉપરાંત બૅન્ગલોરની ઘટના માટે યંગસ્ટર્સની પશ્ચિમી જીવનશૈલીને જવાબદાર ઠરાવનાર કર્ણાટકના ગૃહપ્રધાન જી. પરમેશ્વરને પણ રાષ્ટ્રીય મહિલા પંચે સમન્સ પાઠવ્યા છે.