બિહારીઓ માટે મુંબઈમાં પરમિટ લાગુ કરો : ઉદ્ધવ

04 September, 2012 07:11 AM IST  | 

બિહારીઓ માટે મુંબઈમાં પરમિટ લાગુ કરો : ઉદ્ધવ

 

જો મહારાષ્ટ્ર પોલીસને બિહારમાં જઈને ગનેુગારોને પકડવા માટે ત્યાંની સરકારની પરવાનગી લેવી પડતી હોય તો અહીં મુંબઈમાં રહેવા આવતા બિહારી નાગરિકો માટે પરમિટ દાખલ કરવી જરૂરી છે.’

ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે બિહારીઓને મુદ્દે અમારું વલણ એકદમ સ્પષ્ટ છે અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારને જો એ પસંદ ન હોય તો અમે તેમની સાથે નથી. ઉદ્ધવ ઠાકરેના આવા વલણને કારણે એનડીએમાં પણ મતભેદ પડવાની શક્યતા છે.

અમે પરમિટ સિસ્ટમની વિરુદ્ધ છીએ : બીજેપી

શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના ઉપરોક્ત સ્ટેટમેન્ટને એના સાથીપક્ષ અને એનડીએના મુખ્ય પક્ષ બીજેપીએ જોકે સપોર્ટ નથી આપ્યો. બીજેપીના પ્રવક્તા શાહનવાઝ હુસેને કહ્યું હતું કે ‘પાર્ટી જ્યારથી બની છે ત્યારથી દેશનો કોઈ પણ નાગરિક દેશના કોઈ પણ ભાગમાં જઈને રહી શકે એ માટે લડતી આવી છે. બીજેપી બની એ પહેલાંના એના મૂળ પક્ષ જનસંઘે જમ્મુ-કાશ્મીરમાં પરમિટ સિસ્ટમનો વિરોધ કર્યો હતો. પાર્ટીના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીએ દેશના નાગરિકો જમ્મુ-કાશ્મીરમાં પરમિટ વગર દાખલ થઈ શકે એ માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું. અમને મહારાષ્ટ્રમાં જવા કોઈ પરમિટની જરૂર નથી. અમે આ નહીં ગણકારીએ. દેશના દરેક નાગરિકને દેશના કોઈ પણ ભાગમાં જવાનો અને રહેવાનો અધિકાર છે. દરેક બિહારીને દેશના કોઈ પણ ભાગમાં જવાનો અધિકાર છે.’  

શિવસેનાને એનડીએમાંથી હાંકી કાઢવી જોઈએ : કૉન્ગ્રેસ

એમએનએસના ચીફ રાજ ઠાકરે અને શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દ્વારા મુંબઈમાં આવીને વસતા બિહારીઓ અને ઉત્તર ભારતીયો વિશે જે સ્ટૅન્ડ લેવામાં આવી રહ્યું છે એના મૂળમાં શિવસેનાના બાળ ઠાકરે છે એમ જણાવતાં બિહાર પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના પ્રેસિડન્ટ ચૌધરી મેહબૂબ અલી કૈસરે કહ્યું હતું કે નીતીશકુમાર જો ખરેખર જ આ બાબતે કોઈ ઍક્શન લેવા માગતા હોય તો તેમણે સંકુચિત માનસ ધરાવતી શિવસેનાને પાઠ ભણાવવા એનડીએમાંથી હાંકી કાઢવી જોઈએ. જોકે આ વિશે શંકા જતાવતાં તેમણે કહ્યું હતું કે શિવસેનાના જ સાથીપક્ષ બીજેપીના સહકારને કારણે બિહારની સત્તા પર રહેલા નીતીશકુમાર તેમની વાત કેટલી ધ્યાનથી સાંભળે છે એ મહત્વનું છે.