હવે બાળ ઠાકરે પર ફિલ્મ બની રહી છે

15 December, 2014 05:13 AM IST  | 

હવે બાળ ઠાકરે પર ફિલ્મ બની રહી છે



શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેના મૃત્યુને બે વર્ષ વીતી ગયા બાદ શિવસેના એના સ્થાપક બાળ ઠાકરેની આવતા મહિને આવી રહેલી જન્મજયંતી નિમિત્તે એક ફિલ્મ રિલીઝ કરશે. શિવસેનાએ સોશ્યલ મીડિયામાં બાળ ઠાકરેના ફોટો સાથે તેમને એમ કહેતા બતાવ્યા છે કે ‘તમે મને બોલાવ્યો, રાહ જુઓ, ૨૩ જાન્યુઆરીની.’

શિવસેનાના સંસદસભ્ય અને એના મુખપત્ર ‘સામના’ના સંપાદક સંજય રાઉતે કહ્યું હતું કે હાલ પૂરતું તો હું એમ જ કહી શકું કે આ એક ફિલ્મ છે. જોકે એ વિશે વધુ વિગતો આપવાનો તેમણે ઇનકાર કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ‘એક મરાઠી અને હિન્દી સિનેમા સાથે સંકળાયેલા એક પ્રસિદ્ધ ડિરેક્ટર દ્વારા દિગ્દર્શિત આ એક નાની ફિલ્મ હશે. આ ફિલ્મની પ્રેરણા પાર્ટીના યુવા નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યએ આપી હતી. એ ઉપરાંત પાર્ટીના કાર્યકરોની માગણી હતી કે તેમના નેતા વિશે ફિલ્મ બનાવવામાં આવે. આ ફિલ્મ બાળ ઠાકરેની જન્મજયંતી ૨૩ જાન્યુઆરીએ ધામધૂમથી રિલીઝ કરવામાં આવશે. બાળ ઠાકરેનું નિધન ૨૦૧૨માં થયું હતું.’