મુંબઈ : હવે 980 રૂપિયામાં કોરોના-ટેસ્ટ

27 October, 2020 07:25 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : હવે 980 રૂપિયામાં કોરોના-ટેસ્ટ

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં પ્રાઇવેટ લૅબમાં કરાતી કોવિડ-ટેસ્ટ માટેના રેટમાં સરકારે સુધારો જાહેર કર્યો છે. સુધારા મુજબ ટેસ્ટ-દીઠ ૨૦૦ રૂપિયા ઘટાડાયા છે એથી નક્કી કરેલા રેટ મુજબ ટેસ્ટ માટે ૯૮૦, ૧૪૦૦ અને ૧૮૦૦ રૂપિયા ચાર્જની સીલિંગ પ્રાઇવેટ લૅબોરેટરી માટે નક્કી કરાઈ હોવાનું આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ગઈ કાલે જણાવ્યું હતું.

રાજેશ ટોપેએ પ્રાઇવેટ લૅબોરેટરી માટે નક્કી કરાયેલા નવા રેટ વિશે કહ્યું હતું કે ૪૫૦૦ રૂપિયાથી ઓછા કરતાં કરતાં ૯૮૦ રૂપિયામાં કોવિડ ટેસ્ટ કરાવવાના રેટ કરીને સામાન્ય લોકોને રાહત આપવાનો અમે પ્રયાસ કર્યો છે. કોરોના ટેસ્ટ કરવા માટેના રેટ નક્કી કરવા માટે ત્રણ તબક્કા નક્કી કરાયા છે. કોઈ પણ પ્રાઇવેટ લૅબોરેટરીમાં કોવિડ ટેસ્ટ કરવા માટે ૯૮૦ રૂપિયા, કોવિડ સેન્ટર, હૉસ્પિટલ કે ક્વૉરન્ટીન સેન્ટરમાં જઈને સૅમ્પલ કલેક્ટ કરીને ટેસ્ટ માટે ૧૪૦૦ રૂપિયા અને દરદીના ઘરે જઈને સૅમ્પલ લઈને તપાસ કરવા માટે ૧૮૦૦ રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે.

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ઉમેર્યું હતું કે ‘રાજ્યમાં કોરોના વાઇરસને કાબૂમાં રાખવા માટે વધુમાં વધુ ટેસ્ટ પર ભાર મુકાઈ રહ્યો છે. દર દસ લાખ લોકોમાંથી ૭૦,૦૦૦ લોકોની કોવિડ ટેસ્ટ અત્યારે કરાઈ રહી છે, જેમાં વધારો કરવાનો પ્રયાસ છે. આમ કરવાથી કોરોના પર વધુ નિયંત્રણ લાવી શકાશે. કોઈ નક્કી કરેલા રેટથી વધારે ચાર્જ માગે તો લોકો કલેક્ટર કે મહાનગરપાલિકાના કમિશનરને ફરિયાદ કરી શકે છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown