કૃષિ કાયદાના વિરોધમાં હવે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પણ રસ્તા પર ઊતરશે

18 January, 2021 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૃષિ કાયદાના વિરોધમાં હવે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પણ રસ્તા પર ઊતરશે

શરદ પવાર

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સીમા પર બાવન દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે ૯ વખત વાતચીત થયા બાદ પણ ઉકેલ નથી આવ્યો ત્યારે હવે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું આંદોલન વેગ પકડવાની શક્યતા છે, કારણ કે આવતા અઠવાડિયે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના સુપ્રીમો શરદ પવાર રસ્તામાં ઊતરશે એમ એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે ગઈ કાલે જણાવ્યું હતું.

નવાબ મલિકે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના ખેતીના કાયદાના વિરોધમાં આવતા અઠવાડિયે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર રસ્તામાં ઊતરશે. કેન્દ્ર સરકારના આ કાયદાના વિરોધમાં તમામ વિરોધી પક્ષ એકત્રિત છે. ત્રણેય કાયદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો છે. લોકશાહીમાં સરકારને કાયદો રદ કરવાનો અધિકાર છે. આજે નહીં તો કાલે કેન્દ્ર સરકારે આ કૃષિ કાયદો પાછો લેવો જ પડશે.

ઉલ્લેખનીય છે કે શરદ પવારે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિરોધી પક્ષોના નેતાઓ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની

મુલાકાત લઈને કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની આ બાબતે આકરી ટીકા કરી હતી. હવે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જો રસ્તામાં ઊતરશે તો ખેડૂતોનું આંદોલન વધુ આક્રમક બનવાની શક્યતા છે.

૧૫ જાન્યુઆરીએ કેન્દ્ર સરકાર અને ખેડૂતોના આગેવાનો વચ્ચે યોજાયેલી નવમી બેઠક નિષ્ફળ રહી હતી. આગામી

બેઠક આવતી કાલે બપોરે ૧૨ વાગ્યે નક્કી કરાઈ છે.

maharashtra mumbai mumbai news sharad pawar uddhav thackeray