હવે શિવસેનાનો નવો ટાર્ગેટ વર્ધાનો યુવાન

23 November, 2012 03:01 AM IST  | 

હવે શિવસેનાનો નવો ટાર્ગેટ વર્ધાનો યુવાન



વરુણ સિંહ

મુંબઈ, તા. ૨૩

તાજેતરમાં પાલઘરની એક યુવતીએ સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર શિવસેનાના દિવંગત વડા બાળ ઠાકરે વિશે કમેન્ટ કરીને બીજીએ એને લાઇક કરતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી અને શિવસૈનિકોએ એક યુવતીના કાકાના ક્લિનિકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના ચર્ચાસ્પદ બની હતી અને પોલીસના તથા શિવસૈનિકોના વલણની આકરી ટીકા કરવામાં આવી હતી. જોકે લાગે છે કે શિવસેનાએ આ ઘટનામાંથી કોઈ પાઠ નથી લીધો અને એટલે જ બુધવારે બનેલી એક અન્ય ઘટનામાં શિવસૈનિકોએ બાળ ઠાકરેવિરોધી કમેન્ટ કરવા માટે બીજા એક ફેસબુક વપરાશકાર વિરુદ્ધ પનવેલ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસને ધમકી આપી છે કે જો આઠ દિવસની અંદર આ વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પક્ષ આખો મામલો પોતાના હાથમાં લઈ લેશે.

પનવેલ (રૂરલ) પોલીસ-સ્ટેશને આ ફરિયાદ સાઇબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીઓને મોકલી આપી છે અને મળતી માહિતી પ્રમાણે પૂરતી તપાસ કરીને જ યોગ્ય પગલાં લેવામાં આવશે. આરોપ મૂકનાર ભાર્ગવ સામંત અને યોગેશ ઇન્દુલકરે આપેલી માહિતી પ્રમાણે તેમને તેમના મિત્રે માહિતી આપી હતી કે અભય કાંબળે નામની વ્યક્તિએ ફેસબુક પર પોતાના પેજ પર બાળ ઠાકરે વિરુદ્ધ અણછાજતી કમેન્ટ કરી છે. ભાર્ગવ યુવા સેનાનો રાયગડ જિલ્લાનો પ્રેસિડન્ટ છે, જ્યારે યોગેશ સેનાનો કાર્યકર છે.

યોગેશ ઇન્દુલકરે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ‘આ માણસ અમારા નેતાના મૃત્યુ પર દરેક વ્યક્તિને અભિનંદન આપતો હતો અને તેણે જે શબ્દો વાપર્યા હતા એ બોલતાં પણ મને શરમ આવે છે. પહેલાં તો અમે અમારી રીતે આ વ્યક્તિને શોધીને પાઠ ભણાવવાનો નિર્ણય લીધો હતો, પણ સિનિયર નેતાઓએ અમને પોલીસમાં ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી. આ કારણે ફરિયાદ નોંધાવતી વખતે જ અમે સ્પષ્ટતા કરી દીધી હતી કે જો તેઓ આઠ દિવસની અંદર કોઈ પગલાં નહીં લે તો પછી જે કંઈ બનશે એના માટે અમે જવાબદાર નથી, કારણ કે પછી અમે અમારી સ્ટાઇલમાં બદલો લઈશું.’

પોલીસે પણ સ્વીકાર્યું છે કે તેમને આ રીતની ફરિયાદ મળી છે અને તેમણે તપાસ પણ શરૂ કરી દીધી છે. આ વિશે વાત કરતાં ઇન્સ્પેક્ટર ક્રિષ્ના કોંકણેએ કહ્યું હતું કે ‘અમને ફરિયાદ મળી છે જેને અમે સાઇબર ક્રાઇમના અધિકારીઓ સુધી પહોંચાડી દીધી છે. હાલમાં આ મામલે અમે ઉતાવળમાં કોઈ પગલું નથી ભરવા માગતા. અમારે એ પણ તપાસ કરવાની છે કે કોઈ બીજી વ્યક્તિએ તો આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને આ કમેન્ટ પોસ્ટ નથી કરી દીધીને? આ દરેક મુદ્દાની સારી રીતે તપાસ થઈ જાય એ પછી જ પગલાં ભરવામાં આવશે.’

શિવસેનાના પ્રવક્તા રાહુલ નાર્વેકરે આ વિશે વાત કરતાં દાવો કર્યો છે કે તેમના પક્ષના કાર્યકરો સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ પર મૂકવામાં આવતા બાળ ઠાકરે વિરુદ્ધના મેસેજથી બહુ અપસેટ છે, પણ આમ છતાં કાયદાકીય મદદથી એનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું કે ‘આ અપમાનજનક વર્તણૂકનો કેસ છે અને અમે પોલીસને પગલાં લેવા માટે જણાવ્યું છે. અમને કાયદા પર વિશ્વાસ છે અને જો પોલીસ જલદી ઉકેલ નહીં લાવે તો અમારા શિવસૈનિકો એનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે.’

અભય કાંબળેએ બાળ ઠાકરેના અવસાનના એક જ કલાકમાં ફેસબુક પર તેમના વિશે અણછાજતી કમેન્ટ કરીને દેશને શુભકામના આપતો મેસેજ પોસ્ટ કર્યો હતો જેને ૪૪ લાઇક, ૧૧ શૅર અને ૨૫૦ કમેન્ટ્સ મળી હતી. વર્ધાનો અભય કાંબળે ફેસબુક પર ૧૮૦૦ કરતાં વધારે ફ્રેન્ડ્સ ધરાવે છે.