હવે સચિવો અને વિભાગના અધિકારીઓ રાજ્ય ચલાવશે

07 August, 2022 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅબિનેટનું વિસ્તરણ ખોરંભે ચડ્યું હોવાથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુખ્ય સચિવને જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો

હવે સચિવો અને વિભાગના અધિકારીઓ રાજ્ય ચલાવશે

મુંબઈ : ૩૦ જૂને એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધાને ૩૬ દિવસ થઈ ગયા છે. આમ છતાં હજી સુધી પ્રધાનમંડળની રચના કરવામાં નથી આવી એટલે રોજબરોજનું કામ અટકી ગયું હોવાનો આરોપ બંને પર કરવામાં આવી રહ્યો છે. હજીયે કેટલાક દિવસ કૅબિનેટનું વિસ્તરણ થવાની શક્યતા દેખાતી નથી એટલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કારભાર સચિવોને સોંપવાની સાથે દરેક વિભાગના અધિકારીઓને ડાયરેક્ટ નિર્ણય લેવાની જવાબદારી લેવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંડળનું વિસ્તરણ ન થાય અને પ્રધાનોને ખાતાંની વહેંચણી કરવામાં ન આવે ત્યાં સુધી આવી રીતે કારભાર ચલાવવાનો એકનાથ શિંદેએ આઇડિયા કર્યો છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પ્રધાનમંડળની રચનામાં થઈ રહેલા વિલંબને ધ્યાનમાં રાખીને પ્રધાનોને હોય છે એવા અધિકાર સચિવોને આપ્યા છે. રાજ્યમાં ભારે વરસાદને લીધે અનેક જગ્યાએ પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે અને અનેક સરકારી કામ અટકી ગયાં છે. આ કામ આગળ વધે એ માટે આગામી આદેશ સુધી મુખ્ય પ્રધાને સચિવો અને તમામ વિભાગના અધિકારીઓને અપીલ તથા ફેરવિચારણા સહિત મામલાઓની તાત્કાલિક સુનાવણી કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે રાજ્યના મુખ્ય સચિવ મનુકુમાર શ્રીવાસ્તવને આ બાબતના નિર્ણય લેવાની જવાબદારી સોંપી છે.
શિવસેનામાં સત્તાના સંઘર્ષ બાબતનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. એકનાથ શિંદે સહિત બળવો કરનારા ૧૬ વિધાનસભ્યને અપાત્ર ઠેરવવાની ઉદ્ધવ ઠાકરે જૂથની અપીલનો નિર્ણય જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કૅબિનેટનું વિસ્તરણ નહીં કરવામાં આવે એમ એકનાથ શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે ગઈ કાલે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટ આ મામલામાં તારીખ પર તારીખ આપી રહી હોવાથી જલદી મામલો પતે એમ નથી લાગતું એટલે રોજબરોજનાં કામ અટકે નહીં એ માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તમામ અધિકાર સચિવોને અને સંબંધિત વિભાગના અધિકારીઓને આપવાનો નિર્ણય લીધો છે.
એકનાથ શિંદેએ ટ્‌વીટમાં ઉદ્ધવ ઠાકરે જૂથ લખ્યું
ગ્રામપંચાયતની ૨૭૧ બેઠકોનું રિઝલ્ટ શુક્રવારે જાહેર થયા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે શિવસેના-બીજેપીની યુતિને સફળતા મળી હતી એ સંબંધે બે ટ્‌વીટ કરી હતી. પહેલી ટ્‌વીટમાં તેમણે શિવસેના-બીજેપીના વિજયી થયેલા ઉમેદવારોને અભિનંદન આપવાની સાથે યુતિને સમર્થન આપવા બદલ મતદારોનો આભાર માન્યો હતો, જ્યારે બીજી ટ્‌વીટમાં તેમણે બીજેપીને ૮૨, શિવસેનાને ૪૦, ઉદ્ધવ ઠાકરે જૂથને ૨૭, એનસીપીને ૫૩, કૉન્ગ્રેસને ૨૨ તેમ અન્યોને ૪૭ ગ્રામપંચાયતમાં વિજય મેળવ્યો હોવાનું લખ્યું હતું. આમાં ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે તેમણે પોતાને શિવસેના અને ઉદ્ધવ ઠાકરેને શિવસેના-પ્રમુખને બદલે ઉદ્વવ ઠાકરે જૂથ લખ્યું હતું.
આદિત્યને પગલે એકનાથ શિંદે રાજ્યની મુલાકાત શરૂ કરશે
શિવસેનામાં સત્તાનો સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે આદિત્ય ઠાકરે અત્યારે રાજ્યના વિવિધ ભાગોની મુલાકાત કરી રહ્યા છે. તેમને જનતાનું સારું સમર્થન મળી રહ્યું છે. આ જોઈને શિવસેના પર પોતાની પકડ જમાવવાનો ઇરાદો ક્યાંક અટવાઈ ન જાય એ માટે એકનાથ શિંદેએ પણ રાજ્યની મુકાલાત આરંભવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તેઓ કૅબિનેટના વિસ્તરણ અને વિધાનસભાના ચોમાસુ સત્ર બાદ પોતાની મુલાકાત શરૂ કરે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

mumbai news eknath shinde