હવેથી રેલવેમાં ખોવાયેલો તમારો સામાન આસાનીથી મળી રહેશે

12 January, 2022 11:25 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

આરપીએફે ‘મિશન અમાનત’ના નામે એક ડિજિટલ પહેલ કરી છે જેમાં તમામ ડિવિઝનને જોડવામાં આવ્યાં છે

ફાઇલ તસવીર

ટ્રેનમાં ઘણા પ્રવાસીઓ પોતાનો કીમતી સામાન ભૂલી જતા હોવાથી પ્રવાસીઓનો ગુમ થયેલો કે ખોવાયેલો સામાન પાછો મેળવવાનું હવે વધુ સરળ અને ઝડપી બનાવવા માટે આરપીએફે ‘મિશન અમાનત’ નામની એક પહેલ હાથ ધરી છે. 
મિશન અમાનત હેઠળ ફોટો સાથે પ્રવાસીઓના ખોવાયેલા કે ગુમ થયેલા સામાનની સંપૂર્ણ માહિતી વેસ્ટર્ન રેલવેની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવશે. આરપીએફ દ્વારા આ સૂચના ‘મિશન અમાનત-આરપીએફ’ લિન્ક હેઠળ દરેક ડિવિઝનનાં ટૅબ (wr.indianrailways.gov.in) પર અપલોડ કરવામાં આવે છે. આના મારફત પ્રવાસીઓ અહીંથી જાણી શકશે કે તેમનો ગુમ થયેલો કે ખોવાયેલો સામાન રેલવે પરિસર અથવા ટ્રેનમાં ખોવાઈ ગયો હતો એ સ્ટેશનના લૉસ્ટ પ્રૉપર્ટી ઑફિસ કેન્દ્રોમાં ઉપલબ્ધ છે કે નહીં. આ પ્રમાણે પ્રવાસીઓને ધ્યાનમાં આવી જશે કે તેમનો સામાન કયા સ્ટેશને છે અને આમ પ્રવાસીઓ ઝડપથી પોતાનો સામાન મેળવી શકશે તેમ જ પોલીસને પણ સામાનનો માલિક શોધવા માટે મદદ મળી રહેશે. પ્રવાસીઓ ઘરે બેસીને પણ પોતાના સામાનને એક ક્લિકથી શોધી શકશે. 
આરપીએફનું શું કહેવું છે?
આ વિશે વેર્સ્ટન રેલવેના સિનિયર ડિવિઝનલ સિક્યોરીટી કમિશનર વિનીત ખરબે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જો કોઈ પ્રવાસી સામાન ભુલી જાય કે ગુમ થઈ જાય અને એ ટ્રેન અથવા સ્ટેશન પરીસરથી આરપીએફને મળી જાય તો એ સામાનનો ફોટો અને એને સંબંધિત વિવિધ માહિતી વેબસાઈટ પર નાખવામાં આવે છે એથી પેસેન્જર જ્યારે વેબસાઈટ પર જઈને તપાસ કરે તો તેને એ વિશે માહિતી મળી રહે છે. એ ઉપરાંત પ્રવાસી ટ્વીટ અથવા ૧૯૩ કૉલ કરે કે પછી અન્ય સોશ્યલ મિડિયા પર સંપર્ક કરીને પોતાનો સામાન ચોરી કે ગુમ થયો હોવાની માહિતી શૅર કરે તો અમારો સ્ટાફ તેમનો સંપર્ક કરીને માહિતી ભેગી કરે અને તેમના સુધી પહોંચતા હોય છે. એ બાદ તપાસ કર્યા પછી તેમનો સામાન તેમને સોંપવામાં આવે છે. આ નવી પહેલનો સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.’
પ્રવાસીઓને તેમનો સામાન મળી રહ્યો
વેસ્ટર્ન રેલવેના આરપીએફને ૨૦૨૧ના જાન્યુઆરીથી ડિસેમ્બર દરમ્યાન ૧૩૧૭ પ્રવાસીઓનો ૨.૫૮ કરોડ રૂપિયાનો સામાન મળ્યો હતો અને એની યોગ્ય તપાસ કરીને એ સામાન તેમના માલિક સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

mumbai mumbai news indian railways preeti khuman-thakur