હવે મ્હાડા પણ બનાવી રહી છે લક્ઝુરિયસ ફ્લૅટ્સ

23 January, 2023 08:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોરેગામમાં બનનારા ૩૫ માળના ટાવરમાં સ્વિમિંગ પૂલ, જિમ્નેશ્યમ, બાળકો માટે મેદાન, ઈવી વેહિકલ માટે ચાર્જિંગ સ્ટેશન અને પોડિયમ પાર્કિંગ જેવી સુવિધાઓ હશે

હવે મ્હાડા પણ બનાવી રહી છે લક્ઝુરિયસ ફ્લૅટ્સ

મુંબઈ : મુંબઈમાં પોતાનું ઘર હોવું એ બહુ મોટી વાત છે અને એમાં પણ સારા લોકેશન પર વિવિધ સુવિધાઓ સાથેનું અને એ પણ માર્કેટ કરતાં સસ્તા ભાવે મળતું હોય તો સોને પે સુહાગા. જોકે ઉપરોક્ત વાત મુંબઈ માટે આમ તો સપના જેવી છે, પણ હવે મ્હાડા એ વાત સાચી કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી વધુમાં વધુ ૨૨ માળ ઊંચું મકાન બનાવનારી મ્હાડા પહેલી વખત ગોરેગામ-વેસ્ટના પહાડી વિસ્તારમાં નજીકમાં જ નવું મેટ્રો સ્ટેશન આવ્યું છે ત્યાં ૩૫ માળનો ટાવર બનાવી રહી છે. એમાં સ્વિમિંગ પૂલ, જિમ્નેશ્યમ, બાળકો માટે મેદાન, ઈવી વેહિકલ માટે ચાર્જિંગ સ્ટેશન અને પોડિયમ પાર્કિંગ જેવી સુવિધાઓ રહેવાસીઓને આપવામાં આવશે.

જોકે આ સુવિધા સાથેના મ્હાડાના આ ફ્લૅટ માત્ર એમઆઇજી (મિડલ ઇન્કમ ગ્રુપ) અને એચઆઇજી (હાયર ઇન્કમ ગ્રુપ) માટે રાખવામાં આવ્યા છે. એમાં એમઆઇજી હેઠળ ૭૯૪.૩૧ સ્ક્વેર ફુટના ૨૨૭ અને એચઆઇજીમાં ૯૭૯.૫૮ સ્ક્વેર ફુટના ૧૦૫ ફ્લૅટ ૮૦ લાખથી ૧.૨૫ કરોડમાં ઑફર કરવામાં આવ્યા છે. આ ફ્લૅટ્સનું ૨૦૨૫ના અંત સુધીમાં પઝેશન આપી દેવામાં આવશે એમ મ્હાડા દ્વારા જણાવાયું છે.

મકાનનું મેઇન્ટેનન્સ સોસાયટી જ કરશે

આટલી સુવિધા સાથેના મકાનના ફ્લૅટ્સનું મેઇન્ટેનન્સ કેટલું આવશે અને એ કઈ રીતે કૅલ્ક્યુલેટ કરાશે એમ જ્યારે મ્હાડાના ભૂતપૂર્વ વડા વિનોદ ઘોસાળકરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં મ્હાડાની અન્ડર મકાનો બનાવાતાં હતાં, પણ ખાસ કોઈ સુવિધાઓ અપાતી નહોતી. લોકોને ફ્લૅટ સાથે સુવિધાઓ પણ મળવી જોઈએ એવો મેં પ્રસ્તાવ માંડ્યો હતો અને એ પાસ થતાં આ બધી સુવિધાઓ અપાઈ રહી છે. જોકે એ બધી સુવિધાઓ મ્હાડા મેઇન્ટેઇન નહીં કરે. ટાવર બન્યા પછી એક વાર ફ્લૅટ્સનું પઝેશન આપ્યા બાદ સોસાયટી બનશે અને મ્હાડા એને મકાન સોંપી દેશે. ત્યાર બાદ સોસાયટીએ જ એ સુવિધાઓ મેઇન્ટેઇન કરવાની રહેશે. જો સોસાયટી બની ગઈ હોય અને સમજો કે કુલ ૧૦૦માંથી ૭૫ ફ્લૅટ જ વેચાયા હોય તો એવી કન્ડિશનમાં મ્હાડા સોસાયટીને એ બાકીના ન વેચાયેલા ૨૫ ફ્લૅટનું મેઇન્ટેનન્સ આપશે. જોકે લિફ્ટ જે ૧૦ વર્ષના કૉન્ટ્રૅક્ટ હેઠળ લગાવવામાં આવે છે એનું મેઇન્ટેનન્સ માત્ર મ્હાડા જોશે.’  

mumbai mumbai news