દીપડાના હુમલાથી બચવા ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે આપી સોનેરી સલાહ

11 November, 2012 05:10 AM IST  | 

દીપડાના હુમલાથી બચવા ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે આપી સોનેરી સલાહ



શુક્રવારે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો અને એમાં થાણે અને મુંબઈના મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓએ હાજરી આપી હતી. આ સેમિનારમાં ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે મહાનગરપાલિકાને અપીલ કરી હતી કે તેઓ બોરીવલીમાં આવેલા સંજય ગાંધી નૅશનલ પાર્ક પાસે આવેલી આદિવાસી વસાહતમાં શક્ય એટલાં જાહેર શૌચાલય બાંધવાનો પ્રયાસ કરે જેથી ખુલ્લામાં હાજતે ગયેલા માણસો પર દીપડાઓ દ્વારા થતા હુમલાઓને અટકાવી શકાય.

એ સિવાય સેમિનારમાં આ આદિવાસી રહેણાક વિસ્તારોમાંથી તેમ જ પાર્કની આસપાસની ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી કચરો લેવાની સમસ્યાની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને આ મામલે મહાનગરપાલિકાના અધિકારીઓએ હકારાત્મક પ્રતિભાવ આપીને જરૂરી પગલાં લેવાની ખાતરી આપી હતી. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે પાર્કની આસપાસ આવેલી હાઉસિંગ સોસાયટીઓનાં ઘરોમાંથી નિયમિત દૈનિક ધોરણે જ કચરો ભેગો કરી લેવામાં આવે એવી ખાસ વિનંતી કરી હતી.

નિયમ પ્રમાણે તો જંગલવિસ્તારમાં કોઈ પ્રકારનું ડેવલપમેન્ટ ન કરી શકાય, પણ સંજય ગાંધી નૅશનલ પાર્કની બાઉન્ડરીની બહારના વિસ્તારમાં અનેક આદિવાસી વસાહતો છે અને અહીં જાહેર શૌચાલયનું બાંધકામ કરવાનું શક્ય છે. મોટા ભાગની આ વસાહતો આરે કૉલોની વિસ્તારમાં આવેલી છે અને અહીં ખુલ્લામાં કુદરતી હાજતે ગયેલી વ્યક્તિ પર દીપડાના થતા હુમલાઓને અટકાવવા આ પગલું ભરવું જરૂરી છે. આ સિવાય આ વિસ્તારમાંથી કચરો નિયમિત ધોરણે હટાવવામાં આવે એ પણ બહુ અગત્યનું છે.