હવે કાંદિવલીના ડોક્ટર ફસાયા સાઇબર ફ્રોડમાં

21 November, 2021 01:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇટલીમાંથી કીમતી વસ્તુઓ ગિફ્ટ મેળવવાની લાલચમાં ૧૩ લાખ ગુમાવ્યા આ ડોક્ટરે

પ્રતિકાત્મક તસવીર

સાઇબર ફ્રૉડમાં સામાન્ય રીતે સિનિયર સિટિઝન કે મહિલાઓ ફસાતી હોય છે, પણ હવે તો એજ્યુકેટેડ લોકો પણ સાઇબર ગુનેગારોની જાળમાં ફસાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. કાંદિવલીના એક આયુર્વેદિક ડૉક્ટરે ઇટલીના કહેવાતા એક ડૉક્ટર પાસેથી કીમતી ગિફ્ટ મેળવવાની લાલચમાં ૧૩ લાખ રૂપિયા ગુમાવ્યા છે. તેમણે સાઇબર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ઉત્તર પ્રદેશ સાઇબર પોલીસે મુંબઈ પોલીસની મદદથી જુદા-જુદા સ્થળેથી બે નાઇજીરિયન સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ કાંદિવલીમાં પ્રૅક્ટિસ કરી રહેલા એક આયુર્વેદિક ડૉક્ટરે લૉકડાઉનના સમયમાં ઑનલાઇન કન્સલ્ટેશન શરૂ કર્યું હતું. તેમણે આ માટે સોશ્યલ મીડિયામાં ઍડ્‌ પોસ્ટ કરી હતી. તેમની પોસ્ટ જોઈને ફેસબુક પર તેમને માર્કો કોલવિન નામના એક વ્યક્તિની ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ આવી હતી. તેણે પ્રોફાઇલમાં ડૉક્ટર લખ્યું હોવાથી કાંદિવલીના ડૉક્ટરે તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. બાદમાં બન્ને વચ્ચે વાતો થવા લાગતાં એકબીજાના ફોન-નંબર શૅર કર્યા હતા. ઇટાલિયને પોતાની સાથે ફ્રેન્ડશિપ કરી હોવાના આનંદમાં ડૉક્ટર ભૂલી ગયા હતા કે તે કોઈ ડૉક્ટર નહીં પણ સાઇબર ગુનેગાર છે. એક ફ્રેન્ડ તરીકે ૮૯ હજાર યુરોની એટલે કે ૮૯ લાખ રૂપિયાની કિંમતની ઘડિયાળ અને હૅન્ડબૅગ ગિફ્ટનું પાર્સલ મોકલ્યું હોવાનું ઇટાલિયને તેમને કહ્યું હતું.
પોલીસે આપેલી માહિતી મુજબ થોડા દિવસ બાદ ડૉક્ટરને દિલ્હી કસ્ટમ્સમાંથી બોલતો હોવાનું કહીને કોઈક વિનાયક નામના માણસે ફોન કર્યો હતો. તમારી મોંઘી ગિફ્ટ હોવાથી કસ્ટમ્સ ડ્યુટી, પેનલ્ટી, ઇન્શ્યૉરન્સ ફી વગેરે ભરવાં પડશે એમ જણાવ્યું હતું. ડૉક્ટરે આથી ઇટલીના ફ્રેન્ડ માર્કોને ફોન કરીને પૂછતાં તેણે થોડા રૂપિયા ખર્ચ કરીને મોંઘી ગિફ્ટ મેળવવાનું કહ્યું હતું. આથી ડૉક્ટરે વિનાયક નામના માણસના અકાઉન્ટમાં ૧૩.૫૯ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
રૂપિયા મળી ગયા બાદ માર્કોનો સંપર્ક કટ થઈ ગયો હતો અને પોતાની સાથે ચીટિંગ થઈ હોવાનું ધ્યાનમાં આવતાં કાંદિવલીના ડૉક્ટરે સાઇબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ઉત્તર પ્રદેશ સાઇબર પોલીસે ટેક્નિકલ પુરાવાને આધારે બે નાઇજીરિયન સહિત પાંચ આરોપીઓની સાઇબર ચીટિંગ કરવાના આરોપસર ધરપકડ કરી હતી. આ મામલામાં મુંબઈ સાઇબર પોલીસે પણ કેટલીક મદદ કરી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. ડૉક્ટર શિક્ષિત હોવાથી તેમની બદનામી ન થાય એ માટે પોલીસે તેમનું નામ જાહેર નથી કર્યું. પોલીસે વિદેશમાંથી અજાણ્યા લોકો પાસેથી કીમતી ગિફ્ટ મેળવવાની લાલચ આપનારાઓથી સાવધાન રહેવાની લોકોને અપીલ કરી છે.

mumbai news mumbai kandivli