હવે શું બીએમસ‌ી કોરોનાને ગંભીરતાથી નથી લઈ રહી?

14 January, 2021 10:00 AM IST  |  Mumbai | Chetna Sadadekar

હવે શું બીએમસ‌ી કોરોનાને ગંભીરતાથી નથી લઈ રહી?

તસવીર સૌજન્ય મિડ-ડે

શું બીએમસીએ કોવિડ-19ને ગંભીરતાથી લેવાનું છોડી દીધું છે? આવો પ્રશ્ન એક એક્ટિવિસ્ટે કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગિરગાંવ ચોપાટી સ્થિત ઠાકર્સ બૅન્ક્વેટ્સમાં પૉઝિટિવ કેસ આવતાં સંકુલને કન્ટેઇન કરી દેવાની નોટિસ મળી હોવા છતાં ત્યાં લગ્નસમારંભ યોજાયો હતો, સાથે જ એક્ટિવિસ્ટે જણાવ્યું હતું કે બીએમસીએ ત્યાં પૉઝિટિવ કેસ આવ્યાનું દર્શાવતી નોટિસ મૂકી નહોતી અને લગ્નમાં હાજર રહેનારા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે માટે જોખમી સ્થિતિ સર્જી હતી.
સતીષ દૌંડકર નામના સ્થાનિક એક્ટિવિસ્ટે મ્યુનિ. કમિશનરને ફરિયાદ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. બીએમસીએ નોટિસ બજાવી હતી પણ કેસનો ઉલ્લેખ કરતું કોઈ પણ પ્રકારનું બોર્ડ મૂક્યું નહોતું, જે સામાન્યપણે રહેણાક બિલ્ડિંગની બહાર મુકાતું હોય છે. આથી તે સ્થળે પૉઝિટિવ કેસ હોવાની સીએમને જાણ થવું અશક્ય હતું, પણ આવા પ્રસંગ ન બને તે સુનિશ્ચિત કરવાની જવાબદારી બીએમસી અધિકારીઓની છે, તેમ દૌંડકરે જણાવ્યું હતું.
નોટિસની એક નકલ ‘મિડ-ડે’ પાસે ઉપલબ્ધ છે, જેમાં બૅન્ક્વેટ્સને ૩ જાન્યુઆરી, ૨૦૨૧થી ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧ સુધી તેમના પરિસરને કન્ટેઇન કરવાનું જણાવવામાં આવ્યું છે, ત્યારે સેનાના એક કૉર્પોરેટરની પુત્રીનાં લગ્ન ૬ જાન્યુઆરીએ ત્યાં યોજાયાં હતાં.
બીએમસીના ડી વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર પ્રશાંત ગાયકવાડે આ અંગે જણાવ્યું હતું કે અધિકારીએ ભૂલથી બૅન્ક્વેટ્સને નોટિસ પાઠવી હતી અને અમે તેમને જાણ પણ કરી હતી. મળી આવેલા પૉઝિટિવ કેસ રહેણાંક ઇમારતમાં રોકાયા હતા અને આથી બૅન્ક્વેટ્સ નહીં, બલ્કે તે બિલ્ડિંગનો ફ્લોર આઇસોલેટ કરાયો હતો, કારણ કે પૉઝિટિવ આવેલી વ્યક્તિઓ ત્યાં રહેતી નહોતી. કોઈ પણ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટને ક્વૉરન્ટીન કરવાનો કોઈ નિયમ નથી. છતાં જ્યારે કેસ મળી આવ્યા ત્યારે માલિકે જરૂરિયાત પ્રમાણે અન્ય સ્ટાફની પણ ટેસ્ટ કરાવી હતી.
બૅન્ક્વેટના માલિક દિલીપ ઠાકરનો સંપર્ક સાધતાં તેમણે મિડ-ડેના પત્રકારને નીચે મુજબનો મેસેજ મોકલ્યો હતો, ‘તમે સાચા છો. અમારે ત્યાં કોરોનાના કેસ આવ્યા હતા અને અમે તમામ અસરગ્રસ્ત વ્યક્તિઓને ક્વૉરન્ટીન કરી હતી. જોકે એક શિક્ષિત અને જવાબદાર એમ્પ્લોયર તરીકે અમે આવી કોઈ પૉઝિટિવ વ્યક્તિને ક્વૉરન્ટીનમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કામ પર પાછા નહીં લઈએ.’
વધુમાં આ થોડાં સપ્તાહ અગાઉની વાત છે. અમને એ જણાવતા આનંદ થાય છે કે અમારા તમામ કર્મચારીઓ બીમારીમાંથી સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. વળી અમને કાયદા દ્વારા અમારો વ્યવસાય હાથ ધરવાની પરવાનગી મળી છે અને આમ કરતી વખતે માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. અંતમાં અમારું માનવું છે કે કોઈ તોફાની તત્ત્વો ખોટી માહિતી ફેલાવીને અમારી પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમ પણ દિલીપ ઠાકરે કહ્યું હતું.

mumbai mumbai news brihanmumbai municipal corporation