હવે સુધરાઈની તમામ માહિતી મેળવવા માટે કરો ગૂગલ

03 March, 2020 09:57 AM IST  |  Mumbai Desk | Arita Sarkar

હવે સુધરાઈની તમામ માહિતી મેળવવા માટે કરો ગૂગલ

ગૂગલ

માહિતીને માત્ર સ્થાનિક વૉર્ડની કચેરીઓમાં દર્શાવવાથી આગળ વધીને હવે બીએમસી નાગરિક સુવિધાઓ અંગેની માહિતીનો પ્રચાર કરવા માટે ગૂગલ સાથે જોડાણ કરી રહ્યું છે. આમ, લોકો ટૂંક સમયમાં જ નજીકના પબ્લિક પાર્કિંગ લોટ્સ વિશે જાણકારી મેળવી શકશે તથા બ્રિજ અને માર્ગોની ચાલી રહેલી કામગીરી પર પણ નજર રાખી શકશે.

ગૂગલની એક ટીમે આ અંગે ચર્ચા કરવા માટે મ્યુનિસિપલ કૉર્પોરેશનના વડા પ્રવીણ પરદેશીની ૨૦ ફેબ્રુઆરીના રોજ મુલાકાત લીધી હતી. આ બેઠકમાં ઉપસ્થિત બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ માહિતી બીએમસીની જ્યોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમમાં અપલોડ કરવામાં આવશે અને ત્યાર બાદ તે ગૂગલના બેઝ મેપમાં ઉમેરવામાં આવશે.

અધિકારીએ જણાવ્યા અનુસાર ‘બીએમસીના પોર્ટલમાં એવી અઢળક માહિતી છે જે જાહેર જનતા સુધી પહોંચતી નથી. ગૂગલની મદદથી નાગરિક સુવિધાઓને લગતી માહિતી એવા લોકો સુધી પહોંચાડી શકાય છે, જેમને તેનાથી ફાયદો થઈ શકે છે.’

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘ઇમર્જન્સીની સ્થિતિમાં લોકોને પશુચિકિત્સાલય કે મ્યુનિસિપલ ડિસ્પેન્સરી ક્યાં શોધવી તેની ખબર હોતી નથી. ઘણા લોકો તેમના વિસ્તારમાં સ્મશાનગૃહો શોધવા સક્ષમ નથી હોતા તથા તે ઇલેક્ટ્રિક સ્મશાનગૃહ છે કે કેમ તે પણ જાણતા નથી તેવા સમયે આ માહિતી ઉપયોગી નીવડશે.’

એક વાર આ કામગીરી સંપન્ન થયા બાદ લોકો ટૉઇલેટ, પાણીના ફુવારા, રાત્રિ રોકાણનાં સ્થળો, બસ સ્ટેશન, સ્વિમિંગ પૂલ તથા તેમના વિસ્તારની જર્જરિત ઇમારતોની જાણકારી પણ મેળવી શકશે. જોકે ગૂગલનો આ વિશે સંપર્ક કરાતાં એમણે કોઈ જવાબ આપ્યો નહોતો.

mumbai mumbai news arita sarkar