હવે માથેરાન જવું બની જશે સહેલું

14 May, 2022 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટે ઈ-રિક્ષાની ટ્રાયલની પરવાનગી આપતાં દસ્તુરી પૉઇન્ટથી હિલ સ્ટેશન સુધી ચાલીને જવામાંથી મળશે મુક્તિ

હવે માથેરાન જવું બની જશે સહેલું

ભારતનું એકમાત્ર હિલ સ્ટેશન જ્યાં મોટર-વાહનોનો પ્રવેશ વર્જ્ય છે એ માથેરાનમાં ઈ-રિક્ષાની ટ્રાયલ માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. 
કોર્ટે રાજ્ય સરકારને ઈ-રિક્ષા માટે ભંડોળ પૂરું પાડવા તેમ જ ટ્રાયલ બાદ રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો હતો. શ્રમિક રિક્ષાચાલક માલક સેવા સંસ્થાના વકીલે જણાવ્યું હતું કે ઈ-રિક્ષાની ટ્રાયલની મંજૂરી આપતાં કોર્ટે એ બાબતની નોંધ લીધી હતી કે માથેરાનમાં ૨૧મી સદીમાં પણ કઈ રીતે એક વ્યક્તિ બે કે ત્રણ જણને હાથરિક્ષામાં બેસીને રિક્ષાનો ભાર ખેંચતી હોય છે જે અમાનવીય કહેવાય. દસ્તુરી પૉઇન્ટથી માથેરાન સુધી જવા માટે લોકો પાસે મિની ટ્રેન, ઘોડા, હાથરિક્ષા અને પગપાળાનો વિકલ્પ છે. જોકે ઘોડા અને હાથરિક્ષા બહુ મોંઘાં પડતાં હોવાથી તેમ જ મિની ટ્રેનમાં લિમિટેડ સીટ હોવાથી લોકોએ નાછૂટકે ચાલીને જવું પડે છે, પરંતુ હવે જો ઈ-રિક્ષા શરૂ થશે તો લોકોની મુસીબત દૂર થઈ જશે.
મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ, ફૉરેસ્ટ ઍન્ડ ક્લાઇમેટ ચેન્જના વકીલે જણાવ્યું હતું કે તેમનો માથેરાનમાં ઈ-રિક્ષા ચાલે એ માટે વિરોધ નથી, પરંતુ એની સંખ્યા મર્યાદિત હોવી જોઈએ. 
દાદરની અવર લેડી ઑફ સાલ્વેશન હાઈ સ્કૂલના નિવૃત્ત શિક્ષક ૬૦ વર્ષના સુનીલ શિંદેએ લગભગ સદીથી ચાલી આવતી હાથરિક્ષાની ગુલામી જેવી પ્રથા બંધ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી. માથેરાનમાં દર વર્ષે ૧૦ લાખ ટૂરિસ્ટો સામે ૯૪ હાથરિક્ષા, ૪૫૦ ઘોડા અને ૫૦૦ ખચ્ચર છે. 

Mumbai mumbai news matheran