તૈયાર થઈ જાઓ ૨૦૧૯-’૨૦નો પેન્ડિંગ પ્રૉપર્ટી ટૅક્સ ચૂકવવા માટે

11 August, 2022 11:10 AM IST  |  Mumbai | Sameer Surve

રાજ્ય સરકારે ૨૦૧૯માં ફક્ત જનરલ ટૅક્સ કમ્પોનન્ટ માફ કર્યું હતું, પણ કૉર્પોરેશને એ વર્ષના બાકી કરવેરા અને સેસ વસૂલ્યા નહોતા

પ્રતીકાત્મક તસવીર

સુધરાઈએ ૨૦૧૯-’૨૦ના વર્ષ માટેનો પેન્ડિંગ પ્રૉપર્ટી ટૅક્સ રિકવર કરવાનું નક્કી કર્યું છે. આ વસૂલાતથી ૩૦૦ કરોડ રૂપિયાની આવક થવાની શક્યતા છે. રાજ્ય સરકારે ૨૦૧૯માં ૫૦૦ ચોરસ ફુટ સુધીની રહેણાક મિલકતોનો પ્રૉપર્ટી ટૅક્સ માફ કર્યો હતો. જોકે પછીથી એવી સ્પષ્ટતા કરાઈ હતી કે ફક્ત જનરલ ટૅક્સ જ માફ કરવામાં આવ્યો હતો; જ્યારે પાણી પરનો વેરો, વૉટર બેનિફિટ ટૅક્સ, રોડ ટૅક્સ, ટ્રી ટૅક્સ વગેરે યથાવત્ હતા. એ વર્ષે તકનીકી ખામીને કારણે વસૂલવામાં ન આવેલો પેન્ડિંગ ટૅક્સ હવે રિકવર કરવામાં આવશે એમ કૉર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.

એ વર્ષે કયાં કૉમ્પોનન્ટ્સ પર વેરો વસૂલ કરવામાં આવશે એ અંગે અવઢવ હોવાથી કૉર્પોરેશને આવાં ઘરોમાં રહેતા લગભગ ૧.૩૬ લાખ રહેવાસીઓને પ્રૉપર્ટી ટૅક્સનાં બિલ મોકલ્યાં નહોતાં.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે ૨૦૧૯-’૨૦ માટેનાં બિલ મોકલવાની પ્રક્રિયા આદરી છે. જો કરદાતાઓ નિયત તારીખ સુધીમાં ચુકવણી નહીં કરે તો તેમણે બિલના બે ટકા જેટલો દંડ ભરવો પડશે, જે દર મહિને વધતો જશે.’

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુનીલ ધામણેએ જણાવ્યું હતું કે ‘અમે ૨૦૧૯-’૨૦ના પ્રૉપર્ટી ટૅક્સનાં બિલો મોકલીશું જે એ વર્ષે નહોતાં વસૂલાયાં. એ વર્ષે ફક્ત જનરલ ટૅક્સ માફ કરવામાં આવ્યો હતો. નવા નોટિફિકેશન પ્રમાણે હવે જનરલ ટૅક્સ સહિતના તમામ ટૅક્સ જાન્યુઆરી ૨૦૨૨થી માફ કરવામાં આવ્યા છે.’

કુર્લામાં રહેતા અજય શુક્લાએ કહ્યું હતું કે ‘૫૦૦ ચોરસ ફુટ કરતાં નાના ઘરમાં રહેનારા કરદાતાઓ મધ્યમ વર્ગના હોય છે. કૉર્પોરેશન અને રાજ્ય સરકારે મહામારી દરમિયાન ઉદ્યોગપતિઓ અને વ્યવસાયોને ઘણા લાભ આપ્યા છે. ઑથોરિટીએ મધ્યમ વર્ગ વિશે પણ વિચારવું જોઈએ.’

mumbai mumbai news brihanmumbai municipal corporation