હવે બીએમસી તમને કરાવશે ફ્રીમાં યોગ

21 May, 2022 10:36 AM IST  |  Mumbai | Suraj Pandey

બઈગરાઓને સ્વસ્થ માનસિક અને શારીરિક આરોગ્ય પૂરું પાડવાના હેતુથી બીએમસી શિવ યોગ કેન્દ્ર શરૂ કરવા વિચારી રહી છે, જ્યાં મુંબઈગરાઓને નિ:શુલ્ક યોગ સેશનની સુવિધા મળી રહેશે. 

નાગરિકોનાં રસ-રુચિ અને જાહેર કે સ્કૂલ હૉલ, મૅરેજ હૉલની ઉપલબ્ધતાના આધારે શિવ યોગ કેન્દ્રની વ્યવસ્થા કરાશે. પ્રતીકાત્મક તસવીર


મુંબઈ ઃ મુંબઈગરાઓને સ્વસ્થ માનસિક અને શારીરિક આરોગ્ય પૂરું પાડવાના હેતુથી બીએમસી શિવ યોગ કેન્દ્ર શરૂ કરવા વિચારી રહી છે, જ્યાં મુંબઈગરાઓને નિ:શુલ્ક યોગ સેશનની સુવિધા મળી રહેશે. 
ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સંજીવકુમારે કહ્યું હતું કે ‘શહેરીજનોમાં શારીરિક અને માનસિક આરોગ્ય સંબંધે જાગૃતિ ફેલાવવા માટે શિવ યોગ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. જાહેર હૉલમાં, ખાનગી કે બીએમસીની સ્કૂલોના હૉલમાં, મૅરેજ હૉલમાં એમ જ્યાં પણ ઉપલબ્ધતા રહેશે અને શહેરના નાગરિકો રસ-રુચિ દાખવશે ત્યાં વૉર્ડ સ્તરે યોગના સેશનની વ્યવસ્થા કરવામાં આવશે. ૩૦ લોકોના જૂથ વચ્ચે એક સેશન યોજી શકાશે.’
સુધરાઈએ શહેરના નાગરિકોની દોડધામવાળી અતિ વ્યસ્ત જિંદગી તથા ડાયાબિટીઝ અને હાઇપરટેન્શન જેવા રોગોની વૃદ્ધિને ધ્યાનમાં રાખીને આ વર્ષના બજેટમાં અનેક નવી યોજનાઓ જાહેર કરી છે. આવી જ એક યોજનામાં હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (એચબીટી) પૉલિક્લિનિક ખોલવાનો સમાવેશ થાય છે. બીએમસી જૂનના પ્રથમ સપ્તાહ સુધીમાં આવાં ૧૩ ક્લિનિક શરૂ કરવાની યોજના ધરાવે છે. 
શિવ યોગ કેન્દ્ર વિશે બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘યોગ કોર્સ ત્રણ મહિનાનો હશે, જેમાં પ્રત્યેક મહિને બે કલાકનાં ૨૦ સેશન યોજાશે. બીએમસી યોગ સંસ્થાઓ સાથે એમઓયુ કરવાની યોજના ધરાવે છે, જે કામગીરીના મૂલ્યાંકન પછી દર છ મહિને રિન્યુ કરવામાં આવશે.’
 સેશન શરૂ કરતાં પહેલાં સુધરાઈ નાગરિકોનાં નામ નોંધવા માટે વૉર્ડ લેવલ પર સમર્પિત ઈ-મેઇલ આઇડી તૈયાર કરશે અને એક વાર ૩૦ કે એથી વધુ સભ્યો રસ-રુચિ દાખવશે એટલે બીએમસી યોગ પ્રશિક્ષણ શરૂ કરવા અને શિક્ષિત યોગ શિક્ષકો પ્રદાન કરવા માટે લૉજિસ્ટિક્સની સુવિધા આપશે.

mumbai news brihanmumbai municipal corporation