હવે ચેક કે એટીએમ મારફત પૈસા ઉપાડશો તો લાગશે ચાર્જ

14 December, 2011 09:42 AM IST  | 

હવે ચેક કે એટીએમ મારફત પૈસા ઉપાડશો તો લાગશે ચાર્જ

 

આ ભલામણ વિવાદાસ્પદ, તર્કહીન અને અન્યાયી છે અને એનો વિરોધ થવો જ જોઈએ એમ જાણીતા ધારાશાસ્ત્રી શૈલેશ શેઠે જણાવ્યું હતું. બીજી તરફ કન્ઝ્યુમર ઍક્ટિવિસ્ટ જહાંગીર ગાયે આ ભલામણને એકદમ અનફેર ગણાવી હતી.

નાણાસચિવ ડી. કે. મિત્તલની અધ્યક્ષતા હેઠળની પૅનલે એવી ભલામણ કરી છે કે સેવિંગ્સ બૅન્ક-અકાઉન્ટમાંથી સેલ્ફ કે બેરર ચેક દ્વારા પૈસા કઢાવવામાં આવે તો એના પર ચાર્જ વસૂલ કરવો જોઈએ, આ સિવાય ખાતાધારક પાસે બૅન્કના એટીએમમાંથી પૈસા કઢાવતી વખતે પણ ચાર્જ લેવામાં આવે. જો નાણામંત્રાલય આ બન્ને ભલામણ સ્વીકારે તો એની સીધી અસર સેવિંગ્સ અકાઉન્ટ ધરાવતા દેશના લાખો ખાતાધારકોને થશે. જહાંગીર ગાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સેવિંગ્સ અકાઉન્ટના ખાતાધારકોને સૌથી ઓછું વ્યાજ આપવામાં આવે છે. આ ખાતાંઓની કરોડો રૂપિયાની રકમ બૅન્કો ઊંચા વ્યાજે આપીને કમાણી કરે છે તો ગ્રાહકોને લાભ આપવાને બદલે શા માટે દંડવામાં આવે છે? જરૂરિયાત મુજબ પૈસા ઉપાડી શકાય અને બચત પણ કરી શકાય એ માટે ગ્રાહકો સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવે છે. આવા ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલ કરવાની ભલામણનો વિરોધ થવો જોઈએ.’

એક બાજુ પેપરલેસ ટ્રાન્ઝૅક્શનની વાત કરીને પેપરનો ઉપયોગ ઓછો કરવાનું કહેવામાં આવે છે ત્યારે બીજી બાજુ તદ્દન અતાર્કિક અને અન્યાયી ચાર્જ લેવાની હિલચાલ થાય છે એમ જણાવીને શૈલેશ શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એટીએમમાં પેપર ક્યાં વપરાય છે? એના પર ચાર્જ શા માટે? ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં પણ ઓછું વ્યાજ બચત ખાતાના ધારકોને મળે છે એટલે પૅનલનું આ સૂચન નાના બચતકારો માટે વિવાદાસ્પદ, તર્કહીન અને અન્યાયી છે.’

ભૂલ બૅન્કની, દંડ ગ્રાહકને

ગ્રાહક ભૂલ કરે તો બૅન્કો તેની પાસેથી અચૂક દંડ વસૂલ કરે છે, પણ બૅન્કની ભૂલ હોય છતાં ગ્રાહકને દંડ કરવામાં આવે તો તે કોની પાસે જાય? એન્જિનિયરિંગ અને પ્રિસિઝન ટૂલ્સના સપ્લાયર પ્રમોદ શાહનું બૉમ્બે મર્કન્ટાઇલ બૅન્કની હેડ ઑફિસમાં ખાતું છે. તેમના એક કસ્ટમરને તેમણે ૮૭૧ રૂપિયાનો ચેક આપ્યો હતો જેને એ કસ્ટમરે બૅન્ક ઑફ બરોડાની ક્રૉફર્ડ માર્કેટ બ્રાન્ચમાં ક્લિયરિંગ માટે નાખ્યો. ચેકની રકમ ૮૭૧ રૂપિયા હોવા છતાં બૅન્કે ભૂલથી ૮૭૨ રૂપિયાનો ચેક હોવાની માહિતી ક્લિયરિંગમાં જણાવતાં ૨ નવેમ્બરે ચેક રિટર્ન થયો. જોકે ૫ નવેમ્બરે ફરી એ જ ચેક નાખવામાં આવતાં પાસ થયો, પણ ચેક રિટર્ન થવા બદલ બૉમ્બે મર્કન્ટાઇલ બૅન્કે પ્રમોદ શાહના ખાતામાંથી ૧૦૦ રૂપિયા કાપી લીધા. બૅન્ક ઑફ બરોડાની ભૂલની સજા પ્રમોદ શાહને ભોગવવી પડી છે. આ સંદર્ભે ૧૦૦ રૂપિયા પાછા ચૂકવી દેવા ફરિયાદ કરવામાં આવી છે.