હવે ઑલ ઇઝ વેલ

16 October, 2014 05:33 AM IST  | 

હવે ઑલ ઇઝ વેલ


મયૂર સચદે

માટુંગામાં કિંગ્સ સર્કલ બ્રિજ નીચે ભિખારીઓ અને ચરસીઓનો અડ્ડો બની ગયો હતો. આનાથી સ્થાનિક લોકો અને મહિલાઓને બ્રિજ નીચેથી પસાર થવામાં હાલાકી થતી હતી. ટૂંક સમય પહેલાં આ બ્રિજ નીચેના એરિયાનું બ્યુટિફિકેશન કરવા માટે પરમિશન મળી ગઈ હતી. બ્રિજની એક બાજુ બ્યુટિફિકેશન અને બ્રિજની બીજી બાજુ ભિખારીઓના વધતા સામ્રજ્ય બાબતે મિડ-ડે LOCALમાં સમસ્યા પ્રસિદ્ધ થઈ હતી. ત્યાર બાદ આ ભિખારીઓને બ્રિજ નીચેથી ગયા અઠવાડિયે હટાવવામાં આવ્યા હતા.

૨૪ કલાક બ્રિજ નીચે પત્તાં રમતા ને નશો કરતા ભિખારીઓથી સ્થાનિક લોકો હેરાનપરેશાન હતા. ભિખારીઓ ખુલ્લેઆમ બ્રિજ નીચે દારૂ પીતા અને નશો કરતા હોવાથી સ્કૂલ જતાં બાળકો પર એની ખરાબ અસર થતી હતી. નશો કર્યા બાદ તેઓ ત્યાં જ પડ્યાપાથર્યા રહેતા હતા એટલું જ નહીં, તેઓ ત્યાં જ નાહતા-જમતા હોવાથી ગંદકીમાં વધારો કરતા હતા. હવે ભિખારીઓ ફરી પાછા ન આવે એ માટે પતરાં લગાવવામાં આવ્યાં છે.

આ બાબતે માહિતી આપતાં અને મિડ-ડે LOCALને થૅન્ક યુ કહેતાં અગ્રણી વેપારી રવજી ગાલાએ કહ્યું હતું કે ‘મહિનાઓથી ચાલતી હેરાનગતિમાંથી રાહત મળી છે. કિંગ્સ સર્કલ બ્રિજ નીચે બ્યુટિફિકેશન કરવા માટે ખાલી વાતો ચાલુ છે, કોઈ કામ ચાલુ થયું નથી. બ્રિજ નીચે ભિખારીઓ પોતાનું ઘર કરી બેસેલા. ગંદકીના કારણે બ્રિજ નીચેથી પસાર થતાં ગંદી વાસ આવતી હતી. અહીં બ્રિજ નીચેથી પસાર થતી યુવતીઓ-મહિલાઓને તેઓ ખરાબ નજરે જોતા હતા. સુધરાઈ અહીં કોઈ બ્યુટિફિકેશનનું કામ નથી કરતી. મિડ-ડે LOCALનો આભાર કે આ સમસ્યા પ્રસિદ્ધ કરી. બ્રિજ પાસે આવેલા દેરાસરનું મૅનેજમેન્ટ અને સ્થાનિક લોકો પણ મિડ-ડે LOCALનો આભાર માને છે.’