એનસીપી અને શિવસેના બાદ હવે કૉન્ગ્રેસના પ્રધાનનો વારો?

07 August, 2022 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈડીએ બે પક્ષના નેતાઓને જેલમાં પૂર્યા બાદ મઢમાં ગેરકાયદે સ્ટુડિયો બાંધવાના મામલામાં કૉન્ગ્રેસના વિધાનસભ્ય અસલમ શેખને પર્યાવરણ મંત્રાલયે મોકલી નોટિસ : ૧૦૦૦ કરોડનો ગોટાળો કર્યો હોવાનો આરોપ

કૉન્ગ્રેસના વિધાનસભ્ય અસલમ શેખ દ્વારા મઢમાં કથિત રીતે ગેરકાયદે ઊભો કરવામાં આવેલો એક સ્ટુડિયો.

મુંબઈ ઃ મલાડમાં આવેલા મઢમાં કોસ્ટલ વિસ્તારમાં ગેરકાયદે સ્ટુડિયો ઊભો કરવાના મામલામાં પર્યાવરણ મંત્રાલયે કૉન્ગ્રેસના માલવણી વિસ્તારના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ પ્રધાન અસલમ શેખને નોટિસ મોકલી હોવાનું જાણવા મળ્યું હતું. નોટિસમાં મુંબઈના કલેક્ટર અને મુંબઈ મહાનગરપાલિકાને ગેરકાયદે સ્ટુડિયો પર કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ આરોપ મૂક્યો છે કે ૨૦૧૯થી ૨૦૨૧ દરમ્યાન અસલમ શેખે મઢ અને માર્વે વિસ્તારમાં શૂટિંગ કરવા માટે ૨૮ સ્ટુડિયો ઊભા કરી દીધા છે, જેમાંથી પાંચ સ્ટુડિયોના બાંધકામમાં કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં નથી આવી. તેમણે કરેલી ફરિયાદને પગલે અસલમ શેખને નોટિસ મોકલવામાં આવી હોવાનું કહેવાય છે.
મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મૅનેજમેન્ટ ઑથોરિટી એટલે કે પર્યાવરણ મંત્રાલયે કૉન્ગ્રેસના માલવણી વિસ્તારના વિધાનસભ્ય અસલમ શેખને મઢમાં બાંધકામની પરવાનગી ન હોવા છતાં પાંચ સ્ટુડિયો ગેરકાયદે ઊભા કરવા બદલ નોટિસ મોકલી છે. ૨૦૧૯થી ૨૦૨૧ દરમ્યાન અસલમ શેખ મહાવિકાસ આઘાડી સરકારમાં પ્રધાન હોવાની સાથે મુંબઈના પાલક પ્રધાન હતા. આ સમયે તેમણે સત્તાનો ઉપયોગ કરીને મઢમાં ગેરકાયદે સ્ટુડિયો ઊભા કરીને ૧૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો દાવો બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ કરીને આ સંબંધે તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. 
થોડા દિવસ પહેલાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ પણ આ મામલે તપાસ હાથ ધરી હોવાના સમાચાર આવ્યા હતા. બાદમાં અસલમ શેખ બીજેપીના નેતા મોહિત કમ્બોજ સાથે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હોવાના સમાચાર વાઇરલ થયા હતા. અસલમ શેખ બીજેપીમાં સામેલ થવાની વાત પણ ઊડી હતી. આ દરમ્યાન તેમને ગેરકાયદે સ્ટુડિયો સંબંધે નોટિસ આપવામાં આવી છે.

અસલમ શેખ

બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ અસલમ શેખ પર ગંભીર આરોપ કરતાં ટ્વીટના માધ્યમથી ગઈ કાલે કહ્યું હતું કે પર્યાવરણ વિભાગે અસલમ શેખે ઊભા કરેલા સ્ટુડિયોમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં અને જો ઉલ્લંઘન થયું 
હોય તો કાર્યવાહી કરીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ પર્યાવરણ મંત્રાલયને આપ્યો છે. 

mumbai news malad