ટોલ-નાકા નહીં, ટ્રાફિક-નાકા

10 October, 2020 07:39 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ટોલ-નાકા નહીં, ટ્રાફિક-નાકા

દહિસર ચેકનાકા પાસેના ટોલનાકા પર ટ્રાફિક જૅમ હંમેશની તકલીફ રહી છે.

વેસ્ટર્ન મુંબઈના પ્રવેશદ્વાર ગણાતા દહિસર ચેકનાકા પાસેનું ટોલનાકું હજારો લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે. ધસારાના સમયે અહીં કલાકો સુધી ટ્રાફિક જૅમ રહેતો હોવાને લીધે લોકોએ ભારે હાડમારી વેઠવી પડી રહી છે. આથી સંસદસભ્યથી માંડીને નગરસેવક અને સામાજિક સંસ્થાઓએ સરકાર સમક્ષ આ ટોલનાકાને ઘોડબંદર બ્રિજ પાસે ખસેડવાની માગણી કરી છે. ટૂંક સમયમાં જો દરરોજની ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ નહીં લવાય તો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
વેસ્ટર્ન મુંબઈમાં એન્ટર થવા માટે દહિસર ચેકનાકા જ એકમાત્ર રસ્તો છે. મુંબઈ મહાનગરપાલિકાએ ઑક્ટ્રૉય રદ કર્યા બાદ ચેકનાકા પર અગાઉ થતી ટ્રાફિકની સમસ્યા તો ઉકેલાઈ ગઈ છે, પરંતુ અહીં આવેલા ટોલનાકાને લીધે લૉકડાઉન શરૂ થયા બાદથી ભારે ટ્રાફિક જૅમ થઈ રહ્યો છે. બીજું, લૉકડાઉનમાં ઑગસ્ટ મહિનાથી કેટલીક છૂટછાટ અપાયા બાદથી લોકો કામધંધા માટે ઘરની બહાર નીકળી રહ્યા છે, પરંતુ સામાન્ય લોકો માટે લોકલ ટ્રેનો હજી પણ બંધ હોવાથી મોટા ભાગના લોકો ટૂ-વ્હીલર, ફોર-વ્હીલર કે બસમાં મુસાફરી કરી રહ્યા છે એથી સામાન્ય સંજોગોમાં પણ દહિસર ચેકનાકા પાસે ધસારાના સમયે ટ્રાફિક જૅમ થાય છે એમાં વધારાનાં વાહનો રસ્તા પર આવી જતાં ટ્રાફિકની સમસ્યા બધા માટે માથાનો દુખાવો બની ગઈ છે.
વિરારથી લઈને મીરા રોડ અને થાણેના કેટલાક વિસ્તારના રહેવાસીઓ મોટા ભાગે મુંબઈમાં કામધંધો કરે છે એટલે તેમની પાસે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી એથી જેટલો સમય કામ કરે છે એનાથી વધારે ટાઇમ તેમનો ટ્રાફિકમાં વેડફાઈ જાય છે.
મીરા રોડમાં એસ્ટેટ એજન્ટની ઑફિસ ધરાવતા અને બોરીવલીમાં રહેતા અતુલ ગોસલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘નગરપાલિકાથી માંડીને લોકસભાની ચૂંટણીમાં નેતાઓ દહિસર ચેકનાકા પરનું ટોલનાકું ઘોડબંદર ખસેડવાનું વચન આપે છે, પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ કંઈ નથી થતું. ટ્રાફિક જૅમને લીધે મારા જેવા હજારો લોકોનો સમય અને ઈંધણ બરબાદ થઈ રહ્યાં છે. રસ્તા પરના ખાડા, ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર છે અને એમાં સરકારે ટોલચાર્જમાં વધારો કરીને ખૂબ ખોટું કર્યું છે. રસ્તા સારા હોય અને સડસડાટ નીકળી શકાતું હોય તો ટોલ ભરવામાં કોઈને વાંધો નથી.’
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના બીજેપીના નગરસેવક ચંદ્રકાન્ત વૈતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય સંજોગોમાં દહિસર ચેકનાકા પાસે ટ્રાફિક રહે છે, એમાં લૉકડાઉનમાં વધુ ને વધુ લોકો પ્રાઇવેટ વાહનમાં કામકાજ માટે બહાર નીકળી રહ્યા હોવાથી અહીંના ટોલનાકા પર ધસારાના સમયે ભારે ટ્રાફિક રહે છે. સરકારે કાં તો આ ટોલનાકું બંધ કરી દેવું જોઈએ અથવા એને ચેકનાકાથી દૂર શિફ્ટ કરવું જોઈએ. આમ થશે તો જ લોકોને ટ્રાફિકમાંથી છુટકારો મળશે.’
નેતાઓ ઉપરાંત રાજસ્થાન જન જાગરણ સેવા સંસ્થા સહિત અનેક સામાન્ય લોકોએ રાજ્ય અને કેન્દ્ર સરકારને ટોલનાકું બંધ કરવા કે અન્યત્ર ખસેડવાની રજૂઆત કરી છે. ટૂંક સમયમાં જો આનો નિવેડો નહીં આવે તો તેમણે જનઆંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ઉત્તર મુંબઈના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દહિસર ચેકનાકા પર ટોલબૂથને લીધે ખૂબ ટ્રાફિક થતો હોવાની ફરિયાદ મળ્યા બાદ મેં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને ટોલનાકું બીજે ખસેડવાની રજૂઆત કરી છે. તેમણે આ મામલો રાજ્ય સરકારનો હોવાથી અહીં રજૂઆત કરવાનું કહ્યું છે.’

મારું માનવું છે કે લોકોને ટોલ આપવા સામે વાંધો નથી, પણ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ તાત્કાલિક લાવવો જોઈએ. વાહનચાલકો પાસેથી ડિજિટલી ટૅક્સ લેવામાં આવે તો કોઈ વાહને ટોલનાકા પર ઊભા રહેવાની જરૂર નહીં પડે. આ સિસ્ટમ શરૂ કરવા બાબતે મારી સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. - ગોપાલ શેટ્ટી, ઉત્તર મુંબઈના સંસદસભ્ય

mumbai mumbai news prakash bambhrolia dahisar