જન્માક્ષર ન મળવા એ લગ્નનું વચન તોડવા માટેનું વાજબી કારણ નથી : બૉમ્બે હાઈ કોર્ટ

22 September, 2021 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફરિયાદી મહિલા સાથે લગ્ન ન કરવાનો અવિષેકનો કોઈ ઇરાદો નહોતો કે તેણે આપેલું લગ્નનું વચન પણ ખોટું નહોતું. જન્માક્ષર મળતા ન હોવાથી અવિષેકે આવો નિર્ણય લેવો પડ્યો હોવાનું કોર્ટને કહેવામાં આવ્યું હતું.

જન્માક્ષર ન મળવા એ લગ્નનું વચન તોડવા માટેનું વાજબી કારણ નથી : બૉમ્બે હાઈ કોર્ટ

જેને લગ્ન કરવાનું વચન આપીને સંબંધ બાંધ્યો હોય તેની સમક્ષ જન્માક્ષર ન મળવાનું કારણ આગળ ધરીને વચનભંગ કરી શકાય નહીં એમ જણાવીને બૉમ્બે હાઈ કોર્ટે ૩૨ વર્ષના યુવકને બળાત્કાર અને છેતરપિંડીના આરોપોમાંથી મુક્ત કરવાનો ઇનકાર કરી દીધો હતો.
ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર અવિષેક મિત્રા અને ફરિયાદી એક ફાઇવસ્ટાર હોટેલમાં સાથે કામ કરતાં હતાં અને બન્ને વચ્ચે સંબંધ હતો. આરોપીએ લગ્નનું વચન આપીને ફરિયાદી મહિલા સાથે ઘણી વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. સંબંધને કારણે એક વખત મહિલા ગર્ભવતી થતાં અવિષેકે હજી બન્ને ઘણાં નાનાં છે એમ જણાવીને ગર્ભપાત કરાવવાની ફરજ પાડી હતી.
થોડા સમય પછી અવિષેકે મહિલાને ટાળવાનું શરૂ કરતાં મહિલાએ સૌપ્રથમ ડિસેમ્બર ૨૦૧૨માં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આરોપીને બોલાવીને બન્નેને સમજાવતાં અવિષેકે પોલીસને જાન્યુઆરી ૨૦૧૩માં જણાવ્યું હતું કે તે યુવતી સાથે લગ્ન કરશે.
ઍડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર શર્મિલા કૌશિકે જણાવ્યું હતું કે મહિલાએ ફરિયાદ પાછી ખેંચી એના ૧૨ દિવસમાં જ અવિષેક વચનમાંથી ફરી ગયો હતો. અવિષેકના કાઉન્સેલ રાજા ઠાકરેએ દલીલ કરી હતી કે ફરિયાદી મહિલા સાથે લગ્ન ન કરવાનો અવિષેકનો કોઈ ઇરાદો નહોતો કે તેણે આપેલું લગ્નનું વચન પણ ખોટું નહોતું. જન્માક્ષર મળતા ન હોવાથી અવિષેકે આવો નિર્ણય લેવો પડ્યો હોવાનું કોર્ટને કહેવામાં આવ્યું હતું.
જોકે આ દલીલ અને આરોપોમાંથી મુક્ત કરવાની યાચિકા ઠુકરાવતાં અદાલતે નોંધ્યું હતું કે જો આરોપીના ઇરાદા નિષ્કપટ અને સાચા હોત તો તે ફરિયાદી મહિલા સાથે લગ્ન કરવાના તેના વચનમાંથી પછીથી ફર્યો ન હોત.

Mumbai mumbai news bombay high court