બળાત્કાર નૉનસ્ટૉપ

28 December, 2012 05:44 AM IST  | 

બળાત્કાર નૉનસ્ટૉપ



દિલ્હીમાં ચાલુ બસમાં યુવતી પર કરવામાં આવેલા ગૅન્ગ-રેપની ઘટનાને કારણે આખા દેશમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે મહારાષ્ટ્રમાં મહિલાઓ પર સતત અત્યાચારની ઘટનાઓ બની રહી છે.

શહાડ રેલવે-ફાટક પાસે ૪૭ વર્ષના ઉદયરાજ તિવારીએ પચીસ વર્ષની માનસિક રીતે અક્ષમ યુવતી પર મંગળવારે રાત્રે બળાત્કાર કર્યો હતો, જ્યારે બીજી એક ઘટનામાં વિક્રોલીમાં રહેતા ૨૭ વર્ષના વિક્રાંતસિંહ ચૌહાણે એક યુવતીને લગ્નની લાલચ આપીને તેના પર બળાત્કાર કર્યો હતો. જોકે તે લગ્ન કરવામાંથી ફરી ગયો હોવાથી તેની સામે થાણેના કોપરી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં તેની ધરપકડ કરવામાં આવી છે.

સોલાપુરમાં પિતા સાથે ઈંટની ભઠ્ઠી પર કામ કરતી ૧૩ વર્ષની ટીનેજર પર સગીર વયના બે છોકરાઓએ બુધવારે મધરાતે બળાત્કાર કર્યો હતો. પોલીસ સગીર વયના છોકરાઓને શોધી રહી છે.

ઔરંગબાદના ફુલેનગરમાં મંગળવારે સાંજે ૬૫ વર્ષના વૃદ્ધે તેની પાડોશમાં ભાઈ સાથે રહેતી ૨૦ વર્ષની માનસિક રીતે અક્ષમ યુવતી પર બળાત્કાર કર્યો હતો. પોલીસે તપાસ કરીને વૃદ્ધની ધરપકડ કરી છે.

ભિવંડીમાં લગ્ન કરવાની લાલચ આપીને આઠથી ૨૩ ડિસેમ્બર સુધી યુવતી પર બળાત્કાર કરનાર આરોપી સદ્દામ નિઝામુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાતાં ભિવંડી સિટી પોલીસે તેની ધરપકડ કરી છે.

ભાઇંદરની ૯ વર્ષની છોકરીનો રેપિસ્ટ પાડોશી છેક ૫૦ દિવસ પછી પકડાયો

ભાઈંદર પોલીસે ૬ નવેમ્બરે નવ વર્ષની છોકરી પર થયેલા રેપના કેસના મામલામાં સતત તપાસ કરીને આખરે તેના ૨૩ વર્ષના પાડોશી અબ્દુલ શેખને વિરારથી ગઈ કાલે પકડી પાડ્યો હતો. આ ઘટના વિશે વધુ માહિતી આપતાં ભાઈંદરના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર રણજિત સાવંતે કહ્યું હતું કે ‘૬ નવેમ્બરે અમને બાળકીના પિતાએ ફરિયાદ કરી હતી કે તેના પાડોશમાં રહેતો તેનો મિત્ર અબ્દુલ શેખ તેની નવ વર્ષની છોકરી પર બળાત્કાર કરી નાસી છૂ્ટ્યો છે. અમે ત્યાર બાદ બાળકીને જ્યાં સારવાર આપવામાં આવી રહી હતી એ પ્રાઇવેટ હૉસ્પિટલમાં ગયા હતા અને છોકરીને જોઈ હતી. તેની છાતી પર અને પ્રાઇવેટ પાટ્ર્‍સ પર દાંતનાં નિશાન જોવા મળ્યાં હતાં. એ ઉપરાંત તેના રિપોર્ટમાં પણ બળાત્કાર થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે છોકરીની માતા આરોપીની પત્નીને લઈને સુધરાઈની ઑફિસે છોકરીનું બર્થ-સર્ટિફિકેટ લેવા ગઈ હતી ત્યારે આરોપીએ લાલચ આપીને છોકરીને ઘરમાં બોલાવી હતી અને તેના પર બળાત્કાર કર્યો હતો. છોકરીની માતા ઘરે પાછી ફરી ત્યારે તેણે જોયું કે તે બહુ રડી રહી હતી અને તેને સખત દુખાવો થતો હતો. એથી તેણે તેનાં કપડાં ઉતારીને તપાસ કરી તો તેના શરીર પર દાંતના જખમ દેખાયા હતા એટલે તરત જ તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બળાત્કાર કરીને અબ્દુલ શેખ નાસી છૂટ્યો હતો.’

આરોપી અબ્દુલ શેખ કઈ રીતે પકડાયો એ બાબતે જણાવતાં રણજિત સાવંતે કહ્યું હતું કે ‘અમે અબ્દુલને શોધી રહ્યા હતા, પણ તેણે તેનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કરી દીધો હતો. અમે તેના સંબંધીઓને ત્યાં પણ તપાસ કરી હતી, પણ તે નહોતો મળ્યો. આખરે ગુરુવારે અમને માહિતી મળી હતી કે તે વિરારમાં તેના એક મિત્રને ત્યાં છુપાયો છે. અમે તેને ત્યાંથી પકડી પાડ્યો હતો. આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે.’     

શહેરમાં પરિચિતો દ્વારા જ બળાત્કારના બનાવો વધુ

૨૦૧૨માં શહેરમાં બળાત્કારના ગુના માટે પકડવામાં આવેલા ૨૧૩ પુરુષોમાં ૨૦૧ તો તેમના પિતા અથવા તો પરિવારના સભ્ય, સગાં, પાડોશી, મિત્રો અથવા પરિવાર માટે જાણીતા લોકો હતા. ૬૩ જેટલા બનાવમાં તો લગ્નની લાલચ આપીને રેપ કરવામાં આવ્યો હતો. હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે આઠ લોકો પિતા અથવા તો પરિવારના સભ્ય હતા, જ્યારે ૮૩ લોકો એવા હતા જેમને બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓ કે છોકરીઓ ઓળખતી હતી. બળાત્કારીઓમાં ૩૦ પાડોશીઓ હતા, જ્યારે ૧૭ સગાં અથવા તો મિત્રો હતાં. ૨૦૧૨માં જેટલા બળાત્કારીઓને પકડવામાં આવ્યા એમાંથી ૯૫ ટકાને ભોગ બનનારી મહિલાઓ કે છોકરીઓ ઓળખતી હતી.