આ વર્ષે દિવાળીમાં ધ્વનિપ્રદૂષણની મર્યાદા વટાવી જવાની શક્યતા

11 November, 2012 05:34 AM IST  | 

આ વર્ષે દિવાળીમાં ધ્વનિપ્રદૂષણની મર્યાદા વટાવી જવાની શક્યતા



આ વર્ષે દર વર્ષ કરતાં વાતાવરણમાં ધ્વનિપ્રદૂષણનું પ્રમાણ એકદમ વધી ન જાય અને પર્યાવરણ પર ખરાબ અસર ન પડે એ માટે પોદાર ઇન્સ્ટિટ્યુટ ઑફ એજ્યુકેશનના ટીચરોએ તેમ જ થાણેની સેન્ટ જૉન ધ બાપ્ટિસ્ટ હાઈ સ્કૂલ જેવી સ્કૂલો તેમ જ અનેક યુવાનોએ મળીને આ વર્ષે ફટાકડા વગર દિવાળી ઊજવવાનું અભિયાન શરૂ કર્યું છે. લોકોમાં આ મામલે જાગૃતિ ફેલાય એ માટે સ્કૂલો, મૉલ્સ, બૅન્કો, રેલવે-સ્ટેશનો, મંદિરો તેમ જ કો-ઑપરેટિવ હાઉસિંગ સ્કૂલોમાં ખાસ કઠપૂતળીના શો યોજવામાં આવે છે અને એના માધ્યમથી ફટાકડા ફોડવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર કેટલી ઘાતક અસર પહોંચે છે એની સમજ આપવામાં આવે છે. આ શોમાં ફટાકડા ફોડવાથી ઉત્પન્ન થતાં ઝેરી તkવોથી કઈ રીતે હવામાં ઝેરી પ્રદૂષણ ફેલાય છે એની વિગત આપવામાં આવે છે. આ સિવાય ફટાકડાના મોટા અવાજથી ઊભા થતા અવાજના પ્રદૂષણને કારણે વયસ્કો તેમ જ બાળકોની સાંભળવાની શક્તિ પર પણ માઠી અસર થાય છે એની માહિતી આપવામાં આવે છે.

પોદાર ઇન્સ્ટિટ્યુટ ઑફ એજ્યુકેશનનાં ડિરેક્ટર સ્વાતિ પોપટ વત્સે કહ્યું હતું કે આ મામલામાં બાળકો સમજે તો સમસ્યા હળવી બનાવી શકાય છે, કારણ કે જો પછી માતા-પિતા દબાણ કરશે તો પણ બાળક સમજીને જ ફટાકડા નહીં ફોડે. કફ પરેડમાં આવેલી જી. ડી. સોમાણી હાઈ સ્કૂલના ડિરેક્ટર એમ. પી. શર્માએ કહ્યું હતું કે ‘દર વર્ષે અમારી સ્કૂલમાં દિવાળી પહેલાં યોજવામાં આવતા વાર્ષિક દિવસ વખતે અમે બાળકોને ફટાકડા ફોડવાના નુકસાનથી માહિતગાર કરીએ છીએ.

થાણેની સેન્ટ જૉન ધ બાપ્ટિસ્ટ હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ મિશેલ પિન્ટોએ કહ્યું હતું કે અમારી સ્કૂલના લગભગ પચાસ જેટલા વિદ્યાર્થીઓ આ વિસ્તારમાં ફટાકડા ન ફોડવા તેમ જ વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવીને પ્રાણીઓ તથા પશુઓને નુકસાન ન પહોંચાડવા વિશેનો સંદેશ ફેલાવી રહ્યા છે.

અવાજ-પ્રદૂષણના મામલામાં કામ કરતાં ઍક્ટિવિસ્ટ તેમ જ આવાઝ ફાઉન્ડેશનનાં સ્થાપક સુમૈરા અબ્દુલઅલીએ કહ્યું હતું કે ‘મોટા ભાગે તો બાળકો તેમનાં માતા-પિતાને તેમને ફટાકડાના અવાજથી ડર લાગતો હોવાથી ફટાકડા ન ફોડવાની પોતાની ઇચ્છા જણાવતાં હોય છે, પણ માતા-પિતા જ તેમને ફટાકડા ફોડવાનું દબાણ કરતાં હોય છે. એ વાત સાચી છે કે લોકોમાં ધીરે-ધીરે આ મામલામાં જાગૃતિ આવી રહી છે; પણ સરકારે વધારે અવાજ કરે એવા ફટાકડાના ઉત્પાદકો પર અંકુશ મૂકવાની નીતિ ઘડવી જોઈએ, કારણ કે આ દિવાળીએ પણ અવાજના પ્રદૂષણના પ્રમાણમાં વધારો થાય એવી પૂરેપૂરી શક્યતા છે.’

પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના જણાવ્યા મુજબ ફટાકડા ફોડ્યાના સ્થળથી ચાર મીટરના અંતર સુધી ૧૨૫ ડેસિબલથી વધુ અવાજ નોંધાય તો એ આરોગ્ય માટે જોખમી અને ઘોંઘાટિયું ગણાય છે.