મરાઠી અસ્મિતાના નામે શિલ્પા શિંદેના મુદ્દે હવે MNSનો કૂદકો

22 April, 2016 03:48 AM IST  | 

મરાઠી અસ્મિતાના નામે શિલ્પા શિંદેના મુદ્દે હવે MNSનો કૂદકો


મેરી આવાઝ સુનો : પોલીસમાં ફરિયાદ કર્યા બાદ શિલ્પા શિંદેએ ગઈ કાલે મીડિયાને પોતાની વેદના જણાવી હતી.


ટીવી-સિરિયલ ‘ભાબીજી ઘર પર હૈં’માં અંગૂરીભાભીનું પાત્ર ભજવતી શિલ્પા શિંદેને સિરિયલમાંથી ખદેડી મૂકવામાં આવ્યા બાદ ઊભા થયેલા વિવાદમાં હવે રાજ ઠાકરેની પાર્ટી MNSએ પણ કૂદકો માર્યો છે અને આ કેસમાં મરાઠી અસ્મિતાનો મુદ્દો ઉપાડીને આ અપમાન સહન કરવામાં નહીં આવે એવી ધમકી આપવામાં આવી છે.

સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ્સ અસોસિએશન (સિન્ટા)એ શિલ્પા શિંદે પર પ્રતિબંધ મૂકી દીધો છે અને તેને કામ ન આપવા માટે પ્રોડ્યુસરોને કહી દેવામાં આવ્યું છે.

શિલ્પાએ ગઈ કાલે સિન્ટાના વિરોધમાં પોલીસ-ફરિયાદ નોંધાવી હતી અને મીડિયાને કહ્યું હતું કે શોના પ્રોડ્યુસરો મારી પાસે એવો કૉન્ટ્રૅક્ટ સાઇન કરાવવા માગતા હતા જેમાં હું બીજા કોઈ શો માટે કામ ન કરી શકું.

જોકે એના પગલે ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ ચિત્રપટ કર્મચારી સેનાના પ્રેસિડન્ટ અમેય ખોપકરે કહ્યું હતું કે ‘શિલ્પા શિંદેને સિરિયલમાંથી કાઢી મૂકવામાં આવી છે અને હવે મહારાષ્ટ્રમાં શિલ્પાને કોઈ કામ કરતું અટકાવશે તો અમારી રીતે તેને જવાબ આપવામાં આવશે. જો કોઈને આ વાતમાં ધમકી લાગતી હોય તો ભલે લાગે.’